પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૨]


ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

‘ચતરભજ, તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હોં ! ખરેખર, તું મરદ માણસ છે !’

અમરતનું સ્ત્રીત્વ ચતરભજની જવાંમર્દી અને ખેલદિલીને ચૂમી રહ્યું હતું.

‘જબરા ને મરદ તો થાવું જ પડે છે, બાપુ ! નહિતર તો આ રાણીયુંના રાજમાં રહેવાય કેમ ?’

‘અહાહા !’ અમરત હજીય પોતાના પ્રિયપાત્રની પ્રશસ્તિ કર્યે જતી હતી : તેં પણ ખરા ટાંકણે ખિસ્સામાંથી ગુપ્તી બહાર કાઢી હોં ! જ્યાં જાય ત્યાં બધેય આ હથિયાર ભેગું ફેરવતો લાગે છે !’

‘બધેય ઠેકાણે તો નહિ, પણ આવા માણસ – મારા ઘરમાં પગ મેલવા ટાણે તો કાંઈક ઓજાર રાખવું જોઈએ ને ? મારી વાંહે ઢગલો એક છોકરાં છે એનો તો મારે વિચાર કરવો ને ?’

‘ભારે જબરો છે ! પૂરેપૂરો ભારાડી છે ! ખરો મરદ છે !’ અમરત વારી જતી હતી.

‘બહુ રૂડું મનવો મા ને ઠાલાં ! એમ ફોસલાવી પટાવીને ક્યાંક મારી જીભ ખેંચી કાઢશો, છાતી વીંધી નાખશો, આંતરડાં પીંખી નાખશો.’

હવે ટાઢા ચાંપવાનો વારો ચતરભજનો હતો.

‘આવા ટાઢા ડામ દઈ દઈને આંતરડાં તો તું મારાં જ પીંખી રહ્યો છે, ચતુ !’