પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
વ્યાજનો વારસ
 

 આજ દિવસ સુધી અન્નક્ષેત્રમાં આવેલા અભ્યાગતોમાં આ મંડળી એના મહંતના અનેરા વ્યક્તિત્વને કારણે જુદી જ તરી આવતી હતી.

બાળનાથ મીઠું મીઠું બોલે છે અને સહુનાં મન હરી લે છે. એમની આંખમાં કોઈ વિશિષ્ટ પ્રકારનો તેજરાશિ છે, જે સહુ કોઈને આંજી નાખે છે. એમની સુડોળ દેહલતાનો ફૂલગુલાબી ગૌર વર્ણ સહુ કોઈને આકર્ષે છે.

રઘી અને સુલેખા બન્ને જણીઓ બાળનાથ તરફ ટીકીટીકીને જોયા કરે છે,

રાતે ફળિયાના ચોકમાં નીતરતી ચાંદની તળે ભજન બેઠાં.

યુવાન બાળનાથે હાથમાં રામસાગર લીધો.

બારીમાં ઊભી ઊભી મહંતને અવલોકી રહેલી સુલેખાને વર્ષો પહેલાંની એક રાતનું દૃશ્ય યાદ આવી ગયું : થડકતા થંભવાળી આ મેડીમાં ખાટ ખટુકતી હતી. ખાટે હીંચતાં રિખવનો ડાબો પગ ભોંયતળિયે બિછાવેલા મીસરી ગાલીચા સાથે ઠેક લેતો હતો. જમણો પગ ઘૂંટણમાંથી વળીને અદાપૂર્વક ડાબા પગ તળે ગોઠવાયો હતો. એ અર્ધપલાંઠી વચ્ચે સહેજ ત્રાંસે ખૂણે સતાર ઊભી હતી. ઊંચે છતમાં ટિંગાતા ઝુમ્મરમાંથી પ્રગટતી રોશનીમાં ચકચકતા અસલ રેશમી પહેરણની પહોળી ઝૂલતી બાંયોમાંથી બહાર નીકળતા રિખવના ગૌરવર્ણા હાથનાં આંગળાં એ સતાર ઉપર રમી રહ્યાં હતાં. સતારનો સુમધુર ઝંકાર ગળતી રાત સાથે ઓગળીને એકરસ થઈ જતો હતો.

રઘીની આંખ સામે એક જુદું જ દૃશ્ય તરવરતું હતું : પોતે નદીને કાંઠે કપડાં ધોઈ રહી છે અને સામે કાંઠે ગાયો ચારતો ગોવાળનો છોકરો મોતનાં વળામણાંનું કારુણ્યભરપૂર ગીત લલકારી રહ્યો છે :