પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વછોયાં
૨૯૧
 



નદી કાંઠેના રૂખડા,
પાણી વિના સુકાય...
જીવ તું શિવને સંભાળજે.....

મહંત સામે નજર કરતાં રઘી તેમ જ સુલેખા બન્ને રોમાંચ અનુભવે છે.

બાળનાથે રામસાગર ઉપર આંગળાં ફેરવવા માંડ્યાં. સાથીઓએ દોકડ અને ભોરણ ઉપર તાલ આપ્યા. મંજીરાનો મંજુલ રવ આવવા લાગ્યો અને ભર્યે રાગે ભજનપંક્તિ શરૂ થઈ :

એ... જી... ગરુ, તારો પાર ન પા... યો...
 એ... જી પાર ન પાયો...
પ્રથમીના માલિક ! તારો હો... જી...

પૃથ્વીના માલિકનો પાર પામવાની અશક્તિ આ લોકો કબૂલ કરે છે !

સુલેખા સ્તબ્ધ બનીને બારીએ ઊભી ઊભી સાંભળી રહી છે.

ભજનિકો મંગળ ગીતમાં ગવરીનંદ ગણેશને અને શારદામાતાને સ્મરીને અખંડ ગુરુને ઓળખવા મથે છે :

હાં... રે... હાં
જમીં–આસમાં બાવે મૂળ વિણ માંડ્યાં
જી... હો... જી…
એ... જી, થંભ વિણ આભ ઠેરાણો રે...
એ વારી ! વારી ! વારી
અખંડ ધણીને તમે આળખો...
જી... હો... જી...

અખંડ ગુરુના આ ઉપાસકો ! મૂળ વિનાનાં જમીન–આસમાન માંડનાર અને થંભ વિના આભને ઠેરવી રાખનાર કયા ‘બાવા’ની આ લોકો પ્રશસ્તિ કરે છે ? અખંડ ધણી ! પ્રથમીનો માલિક ! એનું અલૌકિક સ્વરૂપ કેવું છે ?