પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહુવહુની રમત
૩૫
 

 રાખી અને સહેજ રોવા જેવો ઊંહકારો પણ કર્યો.

‘શા માટે રડે છે, શ્રાવક ?’ વિમલસૂરીએ રિખવનું મોં પોતાની પહોળી હથેળીમાં લઈને લાડપૂર્વક બન્ને ગાલ દબાવતાં પૂછ્યું : ‘કોને વહુ કરવી છે ? ને શો આ બધો વેશ ?’

ઓધિયે જવાબ આપ્યો : ‘મારાજસા’બ, એ તો અમે વઉ–વઉની રમત રમતાં’તાં. રિખવને અમે કીધું કે એમીને વઉ નો કરાય. એમીથી આપણે અભડાઈએ પણ રિખવ હજી કાંઈ સમજે થોડું ?’

‘વિમલસૂરીનું વિશાળ કપાળ, જેના ઉપર હર ક્ષણે ઊંડા વિચારમંથનની સૂચક કરચલીઓ રહેતી, એ કરચલીઓમાંય આજે વધારો થયો. અને નેણ ઊંચાં ચડી જતાં આંખો પણ પહોળી થઈ ગઈ અને મોં ઉપર એક દુર્દમ્ય કુતૂહલ તરવરી રહ્યું. રિખવને સમજાવતાં–ફોસલાવતાં તેઓ પરસાળને સામે ખૂણે પડેલી પાટ ઉપર એને લઈ ગયા. રિખવે એમીને પણ સાથે ખેંચી. પાછળ ઓધિયો, દલુ ને બીજાં છોકરાં પણ ચાલ્યાં.

રસોડામાં તપાસ કરતાં જણાયું હતું કે ગોચરી માટેની ‘વેળા’ થવાને થોડી વાર છે. એટલે વિમલસૂરીએ માનવંતી અને અમરતને ધર્મલાભ આપીને પરસાળમાં થોડો સમય રાહ જોવાનું મુનાસબિ માન્યું હતું. વળી, આભાશાનું જમવા આવવાનું ટાણું થઈ ગયું હોવાથી પોતે થોડી વાર રાહ જોશે તો આભાશા પણ આવી ચડશે અને ધર્મલાભ પામી શકશે એવી વિમલસૂરીની ગણતરી હતી. મહાપુરુષોને જ જે શક્તિ વરી છે — બાળક સાથે બાળક બની જવાની — એ વિમલસૂરીમાં પણ હતી. ઉપાશ્રયમાં અપરિગ્રહ, આત્મસાધના, કર્મબંધન કે સમ્યક્‌ત્વ જેવા ભારેખમ વિષય ઉપર વ્યાખ્યાન આપી રહ્યા પછી ભાવુક શ્રોતાઓ અપરિગ્રહવ્રતનો પ્રથમ ભંગ કરવા માટે પ્રભાવનાનાં પતાસાં લેવા જતાં પહેલાં બાલગોપાલ સહિત મુનિશ્રીને વાંદવા આવે ત્યારે લાંબાલચ પ્રવચનથી