પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



[૫]


હૈયાહોળી

સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત–કાઠિયાવાડમાં શાહ–શરાફ તરીકે નામ કાઢ્યું હતું. મુગલ સલ્તનત અને એ પછીના સમયમાં આ પેઢીએ શરાફીના ક્ષેત્રમાં ડંકો વગાડ્યો હતો. સુરતના વીરજી વોરા અને આત્મારામ ભૂખણવાળાની પેઢીઓ સાથે એને ગાઢ વેપારી સંબંધો હતા. હોરમઝ ને બસોરા, મોચા અને બાંટમ અને ફિલિપાઈન સુધી સાત સમંદરોને ડહોળતાં વેપારી જહાજોનું ‘અર્થ’ સંચાલન આ પેઢીઓ દ્વારા થતું. વડોદરાના શામળ બેચર અને હરિભક્તિવાળાની લખેલી હૂંડીઓ હજીય આભાશાના જૂના પટારામાં સચવાઈ રહી હતી.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવીને દેશભરમાં ચલણનું એકીકરણ કરવા માંડ્યું ત્યારથી શાહ કુટુંબની શરાફીને ધક્કો પહોંચ્યો. એ પહેલાં સોમનાથ પાટણમાં તેમની પેઢી ધમધોકાર ચાલતી. જગતના નાથના દર્શનાર્થે આસેતુ–હિમાચલથી આવતા યાત્રીઓનાં તળપદા ચલણાના સિક્કાઓ બદલી આપવાનું કામ આ પેઢી ધમધોકાર ચલાવતી. અકબરની શહેનશાહત દરમિયાનના છેંતાળીશ જાતના સુવર્ણ સિક્કાઓ, સવાસો જાતના ચાંદીના સિક્કાઓ અને બસો ઓગણત્રીસ પ્રકારના તાંબાના સિક્કાઓ લઈને સોમનાથ