પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
વ્યાજનો વારસ
 

 દલુ અને ઓધિયાની સોબતમાં રિખવનો યૌવનકાળ વીતવા લાગ્યો.

એ કાળના સ્વૈરવિહારો અને સ્વૈરઆચરણોમાં એમને પેઢીનો અને ઘરનો બન્ને ઠેકાણાંનો સામાન્ય વાણોતર ધમલો બહુ ઉપયોગી થઈ પડ્યો. ધમલો નાનપણથી જ આવો ખાટસવાદિયો હતો. પણ એને કમનસીબે આભાશાને કોઈ જાતની મોજશોખની ટેવો ન હોવાથી ધમલાની વિશિષ્ટ શક્તિઓ અને સેવાઓનો આજ દિવસ સુધી આ ઘરમાં કોઈ લાભ લઈ શકતું નહોતું. પણ હવે બાળશેઠ રિખવને દલુ અને ઓધિયાએ પલોટવા માંડ્યા હતા ત્યારથી ધમલાને ઠીક કામગીરી મળવા લાગી.

રિખવ હજી તો રીખતાંય નહોતો શીખ્યો ત્યારથી જ એના વેવિશાળ માટે આભાશાને ત્યાં નાળિયેર ઉપર નાળિયેર પછડાતાં હતાં. પણ આભાશા પોતાના ઘરને છાજે એટલી નમ્રતા, આદર અને આભાર સાથે એ નાળિયેરોને પાછા ઠેલતા હતા. જો કે માનવંતીને તો રિખવની નાનકડી વહુ જોવાના ઘણા કોડ હતા અને અમરતને પણ ફઈજી તરીકે માનપાન પામવાનો અને ફઈઆરું લેવાનો લોભ હતો, પણ આભાશાએ એ પ્રસંગને આઘો ને આઘો ઠેલ્યા કર્યો હતો. બહાના તરીકે તો તેઓ કહેતા :

‘રિખવ હજી તો નાનો છે. હજી એની દાઢમાંથી ધાવણ તો સુકાવા દિયો !’

પણ આવાં આવાં બહાનાં આગળ કરતી વેળા એમના મનમાં તો બીજા જ ઘોડા દોડતા : ‘શા પેઢીના ખોરડાની વડ્યેવડ્ય જડ્યા વિના રિખવ જેવું મોતી વીંધી નાખું એવો હું મૂરખ નથી !’

આ ‘વડ્યેવડ્ય’ શોધવી કાંઈ વહુ અઘરી નહોતી. ખુદ શરાફી અને વ્યાજવટાવના જ ધંધામાં રોકાયેલા ઘણા ચોક્સી અને ઝવેરી કુટુંબો તરફથી રિખવને માટે કહેણ આવી ગયાં હતાં. પણ એ બધાંમાં આજ દિવસ સુધી આભાશાને અથવા