પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચારુદત્તને ચીલેચીલે
૬૯
 

 આભાશા અનુભવી રહ્યા હતા.

ઉસ્તાદ કહેતો : ‘અરે 'બહેન, મારા નાના શેઠ તો પચાસ ગાયિકા અને નાયિકાને અહીં ઘેર બેઠાં નચાવશે. ભલભલી જાનના અભિમાન ઊતરાવે એવું એમનું ગળું છે. અને નાયિકા તો રિખવ શેઠના પગ ચૂમતી આવશે. એની સૂરત તો જુઓ !’

પુત્રના રૂપના વખાણ સાંભળીને માનવંતી પણ હરખભેર દોડી આવતી અને સહુ, રિખવની દિવસે દિવસે દેદીપ્યમાન બનતી જતી દેહકાંતિ તરફ મીઠી નજરે જોઈ રહેતાં.

બારોટને થતું કે ભાટાઈનો તો મારો ધંધો હોવા છતાં રિખવની આ રૂપપ્રશસ્તિમાં ઉસ્તાદ આટલો બધો આગળ વધી ગયો અને હું પાછળ રહી ગયો છું, તેથી એ પણ એમાં પાદપૂર્તિ કરતો :

‘શા કુટુંબને ખોરડે તો આવા રાજવંશી લોહી જ હોય. એમાં કેવાપણું નો હોય. ભલભલા રાજવંશીનેય આંટી દિયે...’

ઉસ્તાદ વળી બારોટથી એક મુઠ્ઠી ઉચે થવા મથતા :

‘યહ સૂરત શહનશાહ જહાંગીર કી હૈ... ઉસકી તસવીર દેખો ઔર...’

ચતરભજ પોતાના નામાના કામાકાજના યોગમાંથી પણ ધ્યાનભંગ થઈને ટીકા કર્યા વિના રહી ન શકતો :

‘અરે ઉસ્તાદ, હિંદુ રાજા સંધાય મરી પરવાર્યા છે તે મુસલમાન બાદશાહનાં નામ લો છો ! ને ઈયેય પાછું આ શ્રાવકના ઘરમાં !...’

અનાયાસે જ લંબાવાઈ ગયેલા આવા વાર્તાલાપને અંતે રિખવ પોતાની જાતને ઘડીભર ખરેખરો સલીમ અનુભવી રહેતો અને માનસચક્ષુ સામે અનારકલીઓ અને મહેર-ઉન-નિસાઓને કલ્પી રહેતો.

અનેક પ્રસંગોએ ભેગા થઈને રિખવને પોતાની દેદીપ્યમાન મુખકાંતિ તથા દેહવૈભવ અંગે ગજબનો સભાન બનાવી મૂક્યો.