પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
વ્યાજનો વારસ
 


આ નાહવા બેઠેલા શેઠ ખરીદશે એવી તો એને સ્વપ્ને પણ આશા નહોતી. આ બધી વસ્તુઓની ચીડ ભેગી કરીને એણે તોછડો જવાબ આપ્યો :

‘શેઠજી આપ એ નહિ ખરીદી શકો.’

‘કેમ ભલા ?’

‘એનો ભાવ ઘણો જ ઊંચો છે. છતાં આપની શક્તિ હોય તો એકાદ આનીભાર નમૂનો…’

‘આ શીશીમાં કેટલું અત્તર છે ?’ રિખવે વચ્ચે પૂછ્યું.

‘શેઠજી, એ તો પાંચ તોલાની શીશી છે. રાજદરબારોમાં પણ એ ચાર આનીથી વધારે નથી ખપી શક્યું.’

‘બહુ સારું ત્યારે,’ રિખવે હાથમાં જળધારી લેતાં, પાણીની કૂંડી તરફ આંગળી ચીંધાડતાં કહ્યું : ‘આ શીશો આ ચરુમાં રેડી દિયો અને હિસાબે જે કિમ્મત થાય એ પેઢી ઉપર જઈને મુનીમજી પાસેથી ગણી લિયો.’

અત્તરિયો તો થોડી વાર આભો બની ગયો અને કાંઈ ન સમજાતાં આ યુવાન શેઠની સામે જ જોઈ રહ્યો. પણ તે દરમિયાન તો રિખવને નાહવામાં થતો આ વિલંબ અસહ્ય થઈ પડ્યો તેથી એણે જાતે જ અત્તરિયાની પેટીમાંથી પેલો શીશો ઊંચકીને કૂંડીમાં રેડી દીધો અને ફરી કહ્યું :

‘હિસાબે જે થાય તે મુનીમજી પાસેથી ગણી લિયો.’

બાળાશેઠના આ કૃત્યને રોષ ગણો કે રહમ એની દ્વિધા અનુભવતો અત્તરિયો માંડ માંડ ડેલી બહાર નીકળીને પેઢી તરફ વળ્યો.

આવા આગન્તુકોને પેઢીએથી ચતરભજને હાથે નાણાં ચૂકવાતાં. અત્તરિયો એ કાંઈ નવા પ્રકારનો આગંતુક નહોતો, આભાશા આવી વ્યક્તિઓથી સારી પેઠે પરિચિત હતો. આ દિશાઓમાં રિખવને હાથે થતા અથોક ખરચા પણ આભાશાને હવે તો કોઠે પડવા આવ્યા હતા. છતાં આજે આ આગંતુકને ચતરભજે જે