લખાણ પર જાઓ

ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૪ મું

વિકિસ્રોતમાંથી
←  પ્રકરણ ૧૩ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૪ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૧૫ મું →


પ્રકરણ ૧૪ મું.

ફ્લૉરેન્સ નાઇટીંગેલ છુપે નામે લીહર્સ્ટની પાસેના સ્ટેશને ૧૮૫૬ ના ઑગસ્ટ મહિનાની ૮ મી તારીખે કાંઈપણ ધાંધલ વગર આવી પહોંચ્યાં, અને થોડા વખતમાં લીહર્સ્ટ પહોંચી ગયાં. લોકવાયકા તો એવી છે કે તે પાછળને બારણે ઘરમાં આવ્યાં, પણ તેમના જુના રસોઈઆએ તેમણે માથાપર ઓઢેલું હતું છતાં પહેલવહેલાં ઓળખી કહાડયાં. મિસ ફ્લૉરેન્સ લડાઈમાંથી પાછાં આવ્યાં છે એ વાત લીહર્સ્ટમાં અને પાસેના ગામડાઓમાં તરત ફેલાઈ ગઈ અને લોકોએ ધણી ખુશીથી પોતાનો આનંદ પ્રદર્શિત કર્યો હોત પણ કાંઈપણ બાહ્ય ધાંધલ કરવાની મિસ નાઇટીંગેલે સાફ મના કરી.

કેટલા દિવસ સુધી લોકોના થોકેથોક દૂરદૂરનાં ગામોમાંથી તેમને જોવાને માટે લીહર્સ્ટના રસ્તાપર એકઠા થતા હતા. કેાઈ ગાડીમાં આવતા, કોઈ ચાલતા આવતા, તેમાં વળી કેાઈ ઘોડેસ્વારો પણ હતા, અને સંખ્યાબંધ સોલ્જરો હતા; તેમાં કેટલાએકના હાથ ભાંગેલા હતા, કેટલાએકના પગ ભાંગેલા હતા, જેમની મિસ ફ્લૉરેન્સે હોસ્પીટલમાં સારવાર કરી હતી, એવા અનેક લોક એકઠા થતા; પણ તેમાંથી ભાગ્યે જ દસ માણસે તેમને નજરે જોયાં હશે. તે સર્વને તે મળી શકે એ તો અસંભવિત જ વાત હતી. તેથી જેને કાંઈ ખાસ જરૂરનું કામ હોય, કાંઈ પૈસાની મદદ જોઈતી હોય, તે ચીઠ્ઠી લખીને તેમની બાઈ નોકરને આપતાં, અને તેનો જવાબ મિસ ફ્લૉરેન્સ તરત લખી આપતાં સર્વેને મદદ કરવાની તેમની ઈચ્છા તો હતી જ, પણ લોકેાની ભીડ એટલી થતી હતી કે સર્વેને તે જો ઘર આગળ બેલાવે તે લોક માઈ શકે જ નહિ.

લંડનના લોકો પણ તેમને દમામ ભરેલો આવકાર આપી ના શક્યા, તેથી ઘણા નિરાશ થયા. પરંતુ ન્યુસપેપરેાનાં લખાણેાથી લેાકેા શાન્ત થયા, કેમકે તેથી લોકોએ જાણ્યું કે તેમને શાન્તિ જ પ્રિય છે અને બાહ્ય ભપકા કાંઈ પસંદ નથી.

લોકોમાં તો તેમનું નામ ઘેરેઘેર ગવાતું થયું. તેમની સ્તુતિ માટે અનેક ભાષણો થયાં. તે ઉપરાંત વેપારી લોકોએ તેમની છબી પાતાના માલની જાહેર ખબર તરીકે મૂકી. નાઇટીંગેલના નામનાં ગાયનો જેાડાયાં અને પુઠાંપર તેમની છબી સાથે પ્રસિદ્ધ થયાં. પંચાંગોમાં પણ તેમની છબી છપાઇ. યાચક વર્ગ પણ તેમનાં વખાણનાં ગીતો ગાઈને પુષ્કળ કમાણી કરવા લાગ્યા.

લંડનની મોટી હોસ્પીટલ જે સેંટ જયોર્જની હોસ્પીટલ કહેવાય છે ત્યાં એક મોટી સભા તેમનાં કાર્યની સ્તુતિ માટે મર્હુમ ડ્યુક ઑફ કેમ્બ્રીજના અધ્યક્ષપણા નીચે મેળવવામાં આવી અને તેમાં એવો ઠરાવ થયો કે મિસ નાઇટીંગેલને તેમના સ્વાર્થ ત્યાગ અને નિઃસ્વાર્થપણે કરેલા મહાન કાર્યના બદલા તરીકે તે હોસ્પીટલનાં ઑનરરી ગવર્નર નીમવાં (વગર પગારે કામ કરે તે.) ડ્યુક ઍાફ કેમ્બ્રીજે સ્ક્યુટેરાઈમાં તેમનું કામ નજરે જોયું હતું, તે સર્વનું વર્ણન કર્યું અને કહ્યું કે ઈંગ્લીશ, ફ્રેંચ, ટર્ક, અને રશીઅન સર્વ લોકો તેમના નામને માન આપે છે. જ્યારે લોકેાએ જાણ્યું કે તે લીહર્સ્ટમાં સ્થિર થઈને રહ્યાં છે ત્યારે ચારે તરફથી મુબારકબાદીના કાગળો મિસ નાઇટીંગેલ ઉપર આવવા લાગ્યા. મોટી મોટી સભાઓ તરફથી તેમને માનપત્ર આવવા લાગ્યાં.

ન્યુકાસલના મજુરો તરફથી એક માનપત્ર મળ્યું હતું તેનો જવાબ તેમણે નીચે પ્રમાણે વાળ્યો.

ઑગસ્ટ તા. ૨૩, ૧૮૫૬.

"મારા વ્હાલા મિત્રો-

તમારા તરફથી જ્યારે મને પત્ર મળ્યો ત્યારે મને કેટલો સંતોષ થયો, તેનું વર્ણન કરવાની મારામાં આવડ કે શક્તિ નથી, મને તમે જે આવકાર આપ્યો છે, તેમ જ મારી ગેરહાજરીમાં તમે જે દીલસોજી બતાવી છે તે હું સારી પેઠે સમજું છું. મારા વ્હાલા મિત્રો ! અંત:કરણની જે ઉંડી લાગણી હોય છે તેનું યથાસ્થિત વર્ણન કરવાને કોઈ પણ ભાષામાં શબ્દ હોતા નથી."

'એનાથી જેટલું બન્યું તેટલું કર્યું' આ લેખ મેં સ્ક્યુટેરાઈથી નીકળતી વખતે એક મારી નર્સની કબર ઉપર કેાતરાવ્યો હતો, એણે જે જે પ્રમાણે આચરણ કર્યું તે જ પ્રમાણે ઈશ્વર પ્રત્યે વર્તવાનો મેં સતત્ પ્રયત્ન કર્યો છે, એ જ મેં નીમ લીધો છે.

"દેશની સેવા બજાવવાંને માટે હું કાંઈ પણ બદલાની આશા રાખતી જ નથી. કારણ કે આપણું જીવિત જ સેવા કરવા માટે છે. પરંતુ તમારા જેવા લોકેા તરફથી જે સ્નેહ અને દીલસોજી મને મળી છે તે હું એક પ્રકારનું ઈનામ જ સમજું છું."

"હું તમારો બધાંનો-અરાઢસોએ મજુરોનો અંત:કરણથી પ્રેમપૂર્વક ઉપકાર માનું છું."

હું અત્યંત કામમાં ગુંથાઈ ગઈ છું તેથી જ મારાથી જલદી પ્રત્યુત્તર લખી શકાયો નહોતો, તે માટે સર્વની ક્ષમા માગું છું.

લી. તમારી સદાની શુભેચ્છક મિત્ર.
ફ્લૉરેન્સ નાઈટીંગેલ.

શેફીલ્ડ ગામના મજુરોએ એક છરી કાંટા, વગેરેની એક સુંદર પેટી મિસ નાઇટીંગેલને ભેટ આપી. દરેક છરી ઉપર બનાવનારના નામને બદલે "મિસ નાઇટીંગેલને ભેટ " એવા અક્ષર કોતરેલા હતા. પેટીની ઉપર પણ પ્રસંગને અનુકુળ એક સારો લેખ કોતરેલો હતેા. લિહર્સ્ટ પાસે રહેતા તેમના મિત્રોએ મોતી જડેલી લખવાની ખુબસુરત પેટી ભેટ આપી. તેના રૂપાના ઢાંકણા ઉપર મિસ નાઈટીંગેલનું નામ અને ક્રાઈમિઆથી સહી સલામત આવી પહોંંચ્યાં એ સર્વ વિગત કોતરેલી હતી. આ ભેટ ઘણી ખાનગી રીતે થાડાએક માણસોએ મિસ નાઇટીંગેલની રૂબરૂમાં જઈને આપી હતી.

તેમના મિત્ર ડ્યુક ઓફ ડેવનશાયર ચેટ્સવર્થથી તે લીહર્સ્ટ સુધી તેમને ખાસ મળવાને ગયા હતા, અને રૂપાનું એક ઘુવડ, અને બીજી કેટલીક ભેટ આપી હતી.

ક્રાઈમીઆથી પાછાં આવીને જયારે લિહર્સ્ટમાં તબીયત સુધારવાને તે આરામ લેતાં હતાં, ત્યારે ઘણીવાર પોતાના પાડોશી વર્ગને કકડે કકડે બેલાવીને તેમને ગમત કરાવતાં હતાં અને ક્રાઈમીઆની બધી વાત તેમને કહી સંભળાવતાં.

તેમની સાથે ક્રાઈમીઆનો એક મોટો શિકારી કૂતરો હતો, અને તેમનો નિમકહલાલ નોકર ટોમસ પણુ ઈંગ્લંડ આવ્યો હતો. એ છોકરો લડાઈનાં વર્ણન કરવામાં ન્યુસપેપરો કરતાં પણ વધારે કુશળ હતો.

નામદાર રાણી સાહેબ પ્રથમથી જ મિસ નાઇટીંગેલના પ્રયાસમાં ઘણા ઉત્સાહથી ભાગ લેતાં હતાં. તેથી તેમને પ્રત્યક્ષ મળીને પોતાની ઉપકારવૃત્તિ દર્શાવવાની તેમને ઘણી ઈચ્છા હતી. અને રાજકુમારીકાઓ પણ તેમને જોવાને ઘણી ઉત્સુક હતી. તેથી મિસ નાઇટીંગેલ રાણી સાહેબના બેલમોરલના મુકામે તેમની મુલાકાતે જાય એવો બંદોબસ્ત કરવામાં આવ્યો.

ક્રાઈમીઆથી તે ઑગસ્ટ મહિનામાં આવ્યાં અને સપ્ટેમ્બર મહિનામાં નામદાર રાણી સાહેબની મુલાકાતે તેમને બોલાવ્યાં.

રાજકુમારિકાઓના મનપર તેમની વાતો સાંભળીને ઘણી અસર થઈ અને ભવિષ્યમાં બન્યું પણ એવું કે બંને કુમારિકાએાના પતિ લડવૈયા હોવાથી રણમાં ગયા, તે વખતે ફ્લૉરેન્સ નાઇટીંગેલને પગલે પગલે તેમણે વર્તવાનો પ્રયત્ન કર્યો. ઈ. સ. ૧૮૬૬ ની પ્રશીઅન લડાઈ વખતે અને ઇ. સ. ૧૮૭૦ ની જર્મન લડાઇ વખને સોલજરો માટે હોસ્પીટલો સ્થાપી. અને સૌથી નાની કુંવરી હેલીના તો પાતેજ એક બાહોશ નર્સ તરીકે પંકાઈ.

મિસ નાઇટીંગેલ કેટલાક દિવસ સુધી સરકારી પરોણા તરીકે બેલમોરલ પાસે બર્કહોલમાં રહ્યાં. ત્યાં તે રાજ કુટુંબ સાથે જ ફરતાં હતાં. ત્યાંથી પછી તે હેમ્પશાયરવાળા ઍમ્બલીક પાર્કમાં રહેવા ગયાં. ત્યાંના લોકેાએ તેમને ઘણા હેતથી આવકાર દીધો. ત્યાંથી તો તેમનાં મિત્ર મિ. અને મિસીસ સિડની હર્બર્ટનું ઘર ઘણું જ પાસે હતું. તેથી તે વારંવાર ત્યાં જતાં અને નાઇટીંગેલ ફંડની વ્યવસ્થા કેવી રીતે કરવી તે વિષે વાત કરતાં. એ ફંડ લેાકો તરફથી ફ્લૉરેન્સ નાઇટીંગેલને ભેટ કરવામાં આવ્યું હતું. અને ગરીબમાં ગરીબ માણસે પણ તેમાં પાતાના ગજા પ્રમાણે પૈસા ભર્યા હતા.

લડાઈ ચાલતી હતી તે વખતે લોકો તરફથી તેમને નાણાંની કે વરતુઓની જેટલી મદદ મળી હતી તે સર્વની એક મોટી ટીપ આપનારના નામ સહિત મિસ નાઇટીંગેલે તૈયાર કરી. તે ટીપ ઉપરથી માલૂમ પડતું હતું કે લોકોએ મોકલેલી વસ્તુ ધાર્યા કરતાં ઘણી જ મોડી પહોંચતી અને કેટલીક તો મુદલ પહોંચેલીજ નહિ.

સર્વનું કારણ એ હતું કે સ્કયુટેરાઈમાં સરકાર તરફથી બહુ જ ગેરવ્યવસ્થા હતી. મિસ નાઇટીંગેલના ગયાથી જ સર્વમાં ફેર પડયો અને સરકારના ગેરબંદોબસ્તને લીધે જ હોસ્પીટલના દાક્તરો અને નોકરો બરાબર કામ કરી શક્યા નહોતા એ વાત પણ મિસ નાઇટીંગેલે સ્પષ્ટ જણાવી હતી. પાછળથી સરકાર તરફથી જે ઉદાર સહાયતા મળી હતી, તે પણ તેમાં જણાવ્યું હતું, અને ફ્રેન્ચ અને ઇંગ્લીશ લશ્કરના સરદારોએ અને અમલદારોએ જે જે મદદ કરી હતી તે પણ સુચવ્યું હતું. તે ઉપરાંત કમાંડર સાહેબ લૉર્ડ રેગ્લેને જે ઉદાર અને ખરી લાગણીથી મદદ કરી હતી, તેની ખાસ સૂચના કરી હતી.

આ વખતે મિસ નાઇટીંગેલની તબીયત વાસ્તવિક રીતે ઘણી જ અશકત હતી; તો પણ એ કદી એમ ધારીને બેસી રહેતાં નહિ.

જ્યારે હિંદુસ્થાનનો મોટો બળવો થયો ત્યારે અહીંના ગવર્નર જનરલનાં પત્ની લેડી કૅનીંગને તેમણે કાગળ લખીને હિંદુસ્થાન માટે એક નર્સની ટુકડી સ્થાપવાને વિચારે અહીં આવવાનો પોતાનો ઈરાદો દર્શાવ્યો. લેડી કૅનીંગની તે પ્રસંગની નોંધ નીચે પ્રમાણે છે.

"નવેંબર ૧૪-૧૮૫૭. મિસ નાઇટીંગેલનો પત્ર મારા ઉપર આવ્યો છે. તેમની તબિયત નાદુરસ્ત છે પણ આ બળવાની વખતે મદદ કરી શકે તે હેતુથી અહીં આવવાની ઇચ્છા બતાવે છે."

પરંતુ તેમની તબિયત સારી ના હોવાથી લેડી કેનીંગે તેમને આવવાની હા લખી નહિ તેમ જ તેમને પોતાને પણ તે વખતે લાગ્યું કે હિંદુસ્થાનની હવા વગેરેની અડચણોને લીધે તરત ને તરત નર્સની સંસ્થા સ્થાપવાનું કામ બને તેવું નથી.