ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૩ મું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
←  પ્રકરણ ૧૨ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૩ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૧૪ મું →


પ્રકરણ ૧૩ મું.


આગલા દિવસની મુલાકાતનો અત્યંત શ્રમ પહોંચ્યો હતો, અને તબિયત જરા નાદુરસ્ત હતી તે છતાં બીજે દિવસે મિસ નાઇટીંગેલ બેલેકલેવાની 'જનરલ હોસ્પીટલ' જોવા ગયાં, તેમની સાથે મોં સોયર પણ ગયો હતો. ત્યાં તેમને ચાર પાંચ કલાક થયા. ત્યાંથી પછી થોડેક દૂર (જરા સાજા થયેલા પણ અશક્ત માણસોને રહેવાની જગ્યા ) એક સેનેટેરીઅમ હતું તે જોવા ગયાં. તે વખતે તડકો બહુ જ થઈ ગયો હતો અને ચાલવાથી શ્રમ પણ ઘણો લાગ્યો. સેનેટેરીઅમ તરફ જતાં રસ્તામાં એક ઝૂંપડીમાં એક લશ્કરી અમલદાર માંદો હતો તેને જોતાં ગયાં. બેલેકલેવા પાછાં આવ્યા પછી બીજે દિવસે સેનેટેરીઅમમાં ત્રણ નર્સોને કામે વળગાડી અને પેલા માંદા થએલા અમલદારને જોઈ આવ્યાં. ત્યાર પછીથી દરરોજ તે હોસ્પીટલ તપાસવા નિયમસર જતાં એટલામાં એક દિવસે એમને સખત તાવ ચઢી આવ્યેા. ક્રાઈમીઆમાં ચાલતો ઘણી જ ખરાબ જાતનો તાવ હતો એમ દાક્તરોએ કહ્યું અને તેમને તાકીદે સેનેટેરીઅમમાં લઈ જવાની સલાહ આપી.

તેમને એક સારી મંચીલમાં બેસાડીને ઘણું સંભાળથી ત્યાં લઈ જવામાં આવ્યાં. તેમની બિમારીને લીધે સર્વે ઘણાં જ ગભરાયાં. તેમની પોતાની એક ખાનગી નર્સને સાથે રાખી એક જણે તેમને તડકો ના લાગે માટે છત્રી ધરી અને તેમનો એક નિમકહલાલ નહાનો છોકરો નોકર તેમની આગળ રડતો રડતો ચાલતો હતો. રસ્તે જતાં એટલી ભીડ નડી કે લગભગ એક કલાક મુકામે પહોંચતાં થયો. એક નહાની નદીની પાસે નહાનું સરખું મકાન રાખવામાં આવ્યું. ત્યાં થોડા દિવસ મિસ નાઇટીંગેલે ઘણી ભયંકર માંદગી ભોગવી. દાક્તરોએ અને તેમની નર્સે ધણી જ કાળજીથી તેમની સેવા ઉઠાવી. સ્ક્યુટેરાઈમાં અત્યંત મહેનત, કાળજી અને ઉજાગરા વેઠયાં તેના પરિણામે જ આ તાવમાં તે એકદમ સપડાઈ ગયાં.

લોકો એટલી ચિંતામાં હતા કે જરાક તેમની તબિયત વધારે બગડે કે ગભરાટ ફેલાવતા. એક વખત તો એવી પણ અફવા ઉડી કે મિસ નાઇટીંગેલને તો અંતનો શ્વાસ ચાલે છે. આવી અફવા સ્ક્યુટેરાઈની બૅરૅક હોસ્પીટલમાં ચાલી ત્યારે તો ત્યાં રડારડ થઈ રહી. દર્દીઓને સાજા માણસ સર્વેને સરખો શોક થયો. વખત જતાં લંડનમાં પણ આ ગપ પહોંચી અને તે વખતના વર્તમાનપત્રો ઉપરથી જણાય છે કે સર્વ લેાકેાને મિસ નાઇટીંગેલ માટે ઘણો જ ભક્તિભાવ બતાવ્યો.

ભાગ્ય જોગે થોડા વખતમાં માઠા સમાચારનો સંશય દૂર થયો; અને મિસ નાઇટીંગેલની તબિયતમાં સહેજ સુધારો માલુમ પડવા માંડ્યો; અને આ અમુલ્ય જીવન બચશે એવી આશા પડવા લાગી.

મિસ નાઇટીંગેલના મંદવાડની કમાન્ડર સાહેબને ઘણી જ ચિંતા હતી, અને જ્યારે તેમને મળવા જવાની દાકતરેાએ છુટ આપી ત્યારે તરત જ તે તેમને જોવાને ગયા.

મિસ નાઇટીંગેલને બાર દિવસે તાવ ઉતર્યો. ત્યાર પછી દાક્તરોએ તેમને એવી સલાહ આપી કે જરા કૌવત આવે એટલે તેમણે એકદમ ઈંગ્લંડ જવું. આ બાબતની તો તેમણે ચોખ્ખી ના કહી, કેમકે તેમને લાગ્યું કે મારૂં કામ હજી પરિપૂર્ણ થયું નથી, અને આ જગ્યા છોડીને મારાથી જઈ શકાય જ નહિ તેમને લાગ્યું કે વખત જતાં તબિયત તો ત્યાં રહીને પણ સુધરશે. પરંતુ એટલા વખતમાં તેમણે સ્કયુટેરાઈ પાછા જવાની ઈચ્છા બતાવી તે ઉપરથી તેમને ઘણી જ સંભાળથી મોકલવામાં આવ્યાં તેમની સાથે એક દાક્તર, તેમની નર્સ, મોં સોયર, અને મિ. બ્રેસબ્રીજ એટલાં હતાં.

નીકળતાં પહેલાં કમાન્ડર સાહેબને મળ્યાં પરંતુ તે વખતે કાંઈ કોઈને ખબર નહોતી કે થોડા વખતમાં તે ભલો કમાંડર રણસંગ્રામમાં મૃત્યુ પામશે. આ ભલો કમાંડર તેમને હમેંશ માન આપતો અને તેમની સર્વ સૂચનાઓ લક્ષમાં રાખતો. સરકારમાં પણ તેમને માટે તેણે ઘણાં લખાણ લખ્યાં હતા, અને હંમેશ તેમની કાળજી રાખતો.

લગભગ એક મહિના પછી મિસ નાઇટીંગેલ પાછાં સ્ક્યુટેરાઈ આવી પહોંચ્યાં. તેમના સર્વ મિત્રોએ તેમને અંતઃકરણપૂર્વક આવકાર આપ્યો. સ્કયુટેરાઈમાં એક સારા હવાવાળા મકાનમાં રહેવાથી તેમની તબિયત જલદીથી સુધરી ગઇ.

ઈ. સ. ૧૮૫૫ ના સપ્ટેંબર મહિનાની ૮મી તારીખે સિબેસ્ટેપોલનો કિલ્લો ઈંગ્લીશ લોકોએ જીતી લીધો, ઘણીજ ઝનુની લડાઈ થઈ પણ છેવટ ઈંગ્રેજી સરદારોનો જય થયો. સર્વેએ આ ખબર હર્ષથી વધાવી લીધી, લંડનમાં પણ સર્વત્ર આનંદ ફેલાયો, અને સર્વેએ આનંદોત્સવમાં ભાગ લીધો.

વિકરાળ વિગ્રહનો અંત આવ્યો ને શાંતિનો વાસ શરૂ થયો.

યોદ્ધાઓને માટે જયનાદ થતા હતા તે સર્વમાં ફ્લૉરેન્સ નાઈટીંગેલનો જય પુકારવામાં કેાઈ ચુકતું નહિ. ઇંગ્લંડની આખી પ્રજા આ અનુપમ સ્ત્રીને આવકાર દેવાને ઉત્સુક થઈ રહી હતી. પરંતુ એ સુશીલ બાઈને કોઈપણ પ્રકારનો ભપકો પસંદ નહોતો. તેમજ હજી સ્કયુટેરાઈમાં તેમનું કામ અધુરૂં હતું. સંગ્રામ પૂરો થયો પરંતુ તેમાં ઘાયલ થએલા સિપાઈઓ તો હજી હોસ્પીટલમાંજ હતા. અને જયાં સુધી ત્યાં રહેવાની અગત્ય લાગી ત્યાં સુધી ઘેર જવાનો વિચાર સરખો પણ તેણે કર્યો નહિ.

પરંતુ નામદાર મહારાણી સાહેબ તેમ જ બીજી સર્વ ગૃહસ્થની સ્ત્રીઓ તેમની ઉપકારવૃત્તિ પ્રદર્શિત કરવાને ઘણાં જ ઉત્સુક થઇ ગયાં હતાં. તેમને કેવા પ્રકારનો બદલો પસંદ પડશે તે વિષે મિ. અને મિસીસ સિડની હર્બર્ટની સલાહ પુછી ત્યારે મિસીસ હર્બર્ટ નીચે પ્રમાણે ઉત્તર મોકલ્યો.

જુલાઈ, ૧૮૫૫.
"બાઈ સાહેબ,

મિસ નાઈટીંગેલને ફક્ત એક પ્રકારનું ઈનામ પસંદ પડશે. તેમની ઘણા વખતથી ઈચ્છા છે કે લંડનમાં એક હોસ્પીટલ સ્થાપવી અને તેમાં વગર પૈસે નર્સો કામ કરે. આવી સંસ્થાને માટે મેં ઘણા જણ પાસે પૈસા ઉઘરાવ્યા છે, અને તે માટે એક ફંડ ઉભું કર્યું છે અને તે ફંડને 'નાiટીંગેલ હોસ્પીટલ ફંડ' એ નામ આપવાનું ધાર્યું છે.

"જ્યારે તે સ્કયુટેરાઈથી પાછાં ફરે ત્યારે તે ફંડના પૈસા તેમને ભેટ આપવા. એમાંથી તે પોતાની ઈચ્છા પ્રમાણે અહીંની નર્સોની સ્થાપનામાં સુધારા વધારા કરી શકશે."

આ બાબતનો વિચાર કરવાને મર્હુમ નામદાર ડયુક ઑફ કેમ્બ્રીજના અધ્યક્ષપણા નીચે એક કમીટી નીમાઈ. મિ. સિડની હર્બર્ટ તેના સેક્રેટરી થયા. કમીટીમાં બધા વર્ગના લોક દાખલ થયા હતા. આ કમીટીએ ઠરાવ કર્યો કે નાઇટીંગેલ ફંડમાંથી નર્સો તેમ જ હોસ્પીટલના નોકરોની કેળવણી તથા તેમના ભરણપોષણને અર્થે પૈસા વાપરવા અને તે લોકનું વૃદ્ધાવસ્થામાં પણ ભરણપોષણ થાય એવો એક આશ્રમ સ્થાપવો. આ ઠરાવની એક નકલ મિસ નાઇટીંગેલને મોકલી તેનો તેમણે નીચે પ્રમાણે પ્રત્યુત્તર વાળ્યો.

"મારા પ્રયાસને માટે ચારે તરફથી નિંદા જ થતી હું સાંભળતી આવી છું, તેથી મને તમારા કાગળથી ઘણો સંતોષ થયો છે. મારા આટલા કામની કદર તમે સર્વે જાણો છો એ જોઈને મને ઘણો આનંદ થાય છે, અને મને મારા કામનો અર્ધો ભાર ઓછો થયેલો લાગે છે. પણ મારે કહેવું જોઈએ કે મારૂં કામ અહીં હજી અધુરું છે, તે પુરું કર્યા વગર મારાથી ખસાય તેમ નથી. તે માટે મારા તરફથી કમીટીનો ઘણોજ ઉપકાર માનજો, અને કહેજો કે જ્યારે મારાથી બનશે ત્યારે હું એ કામ ઉપાડી લઈશ." આ કાર્યની શરૂઆત કરવાને કમીટિ તરફથી એક મેાટી સભા ભરાઈ તેમાં સર્વેએ મિસ નાઇટીંગેલના મહાન કાર્યની ઘણી સ્તુતિ કરી. સિપાઈ વર્ગને તેમને માટે કેટલી અથાગ ઉપકારવૃત્તિ હતી તે કહી સંભળાવ્યું અને ત્યાર પછી પૈસા ઉઘરાવવાની શરૂઆત કરી. તેની તે જગ્યાએ વીસ હજાર પાઉન્ડ એકઠા થઈ ગયા.

દરેક મોટાં શહેરમાં આ ફંડને મદદ આપવાને સભાઓ થઈ અને સર્વે ઠેકાણેથી ઘણી સારી મદદ મળી. આપણા દેશમાંથી પણ તે ફંડની મદદ માટે નાણાં મોકલવામાં આવ્યાં હતાં. ફ્લૉરેન્સ નાઇટીંગેલના નામને ચારે દિશાએથી જેટલું માન મળ્યું છે એટલું બીજા કોઈને જવલ્લેજ મળ્યું હશે.

દરેક વર્ગનાં સ્ત્રી પુરૂષોએ આ ફંડને માટે નાણાં એકઠાં કરવાનો પ્રયાસ કર્યો. કાંઈ નાટકો, પ્રયોગ, સંકીર્તન વિગેરે કરીને ટીકીટો કહાડીને પૈસા એકઠા કર્યા. સૌથી વધારે મદદ લશ્કરના અમલદારોએ કરી.

ઇંગ્લંડમાં જયારે આવી રીતે નાઇટીંગેલને માટે ફંડ એકઠું થતું હતું અને તેમની સ્તુતિઓ ગવાતી હતી ત્યારે તે પોતે તો સ્ક્યુટેરાઈમાં રહીને કામ કરતાં હતાં. માંદા સિપાઈઓ તો હોસ્પીટલમાં હતા જ, પરંતુ એક નહાનું લશ્કર પણ ક્રાઈમીઆની સલામતી માટે રાખવામાં આવ્યું હતું. એકદમ લડાઈનો ઉદ્યમ બંધ થઈ ગયો તેથી આ સિપાઈઓ વ્યસનમાં કાળ ના ગાળે તે માટે સાવચેતી લેવાની ઘણી જ જરૂર હતી અને તે કામ મિસ નાઇટીંગેલ બરાબર સમજતાં હતાં.

જયારે તેમની તબિયત બરોબર સુધરી ત્યારે તે સ્ક્યુટેરાઈથી પાછાં ક્રાઈમીઆ ગયાં. ત્યાં બે નવી હોસ્પીટલો નીકળી હતી, ત્યાં નર્સોની એક ટુકડી નીમી. અને નર્સના ખાતાનું ઉપરીપણું પોતે લીધું. ત્યાં તેમને રહેવાંનું એક નહાનું સરખું ઘર હતું. ત્યાં ઠંડી તેમ જ વરસાદથી રક્ષણ કરવાનું કંઈ યોગ્ય સાધન નહોતું; પણ તેમની કર્તવ્ય બુદ્ધિ એવી તીક્ષ્ણ હતી કે કાંઈ પણ ખામી કે અગવડની દરકાર કરી નહિ. પોતે જો કે પ્રોટેસ્ટન્ટ પંથનાં અનુયાયી હતાં, છતાં રોમન કૅથલીક નર્સો સાથે તે માયાથી વર્તતાં હતાં; એમના કર્તવ્યમાં ધર્મનો ભેદ બાધ કરતો નહિ. રોમન કૅથલીક નર્સોના કામથી હમેશ ઘણાં રાજી થતાં અને એ નર્સોનાં ઉપરી બાઈ માટે તો તેમને ઘણીજ માનની વૃત્તિ હતી.

ક્રાઈમીઆમાં જે જગ્યાએ મિસ નાઇટીંગેલ રહેતાં હતાં ત્યાંનો રસ્તો ઘણો ખડબચડો ને ધાસ્તી ભરેલો હતો. એક દિવસે તે જતા હતાં, ત્યારે તેમની ગાડીને કાંઈ અકસ્માત થયો. ગાડીએ ખચ્ચર જોડેલાં હતાં. ગાડીવાળાની ગફલતથી એક પથ્થર સાથે ગાડી અફળાઈને ઉંધી વળી ગઈ. મિસ નાઇટીંગેલને થોડી ઈજા થઈ અને તેમની સાથે એક નર્સ હતી તેને તો ઘણું વાગ્યું.

ફરીથી આવો અકસ્માત ના થાય તે માટે તેમના એક મિત્રે એક ખાસ ઘાટની ગાડી તેમને ભેટ આપી. તેમાં તાપ અને વરસાદથી રક્ષણ કરવાની બરોબર સગવડ હતી. તેમજ ખરાબ રસ્તા ઉપર ખસી ના જાય એવી પણ યોજના કરેલી હતી. હજી સુધી આ ગાડી લીહર્સ્ટમાં તેમના મિત્રોએ સાચવીને રાખી મુકી છે.

આ ગાડી આવ્યા પછી તો મિસ નાઇટીંગેલે ક્રાઈમીઆમાં રહેલા સિપાઈઓની ઘણીજ બરદાસ કરી. તે શિયાળામાં ત્યાં ટાઢ ઘણી જ સખત પડી અને જમીન ઉપર પુષ્કળ બરફ પડતું. તે છતાં બધી હોસ્પીટલો તપાસવા જતાં અને કલાકોના કલાકો સુધી બરફ પડતો હોય તોએ હોસ્પીટલ આગળ ઊભાં રહીને બધી સુચનાઓ આપતાં, રાત પડે તો પોતાના મુકામ તરફ પાછાં ફરતાં, સાથે ગાડીવાળા સિવાય કોઈ નોકર પણ રાખતાં નહિ. તેમના મિત્રો તેમને વારંવાર તે પ્રમાણે ના કરવાને વિનવતા પણ તે સર્વને તે ગંભીરતાથી હસી કાઢતાં કોઇપણ કારણસર પોતાનું કર્ત્તવ્ય તે ચૂકતાં નહિ.

આ સમયે તેમનું લક્ષ સાજા થએલા સિપાઈએાની અને જે સિપાઈ ઓને બીજો કાંઈ ઉદ્યમ નહાતો પણ ત્યાં રહેવાની ફરજ પડી હતી. તેમની તન અને મનની કેળવળી ઉપર લાગેલું હતું. તે લોકેાને માટે શીખવાના વર્ગ સ્થાપ્યા. નાની નાની લાયબ્રેરીઓ કહાડી, તેમાં ઈંગ્લાંડના તેમના મિત્રોએ ચોપડીઓ અને વર્તમાનપત્રો મોકલી આપ્યાં. નામદાર રાણી સાહેબે સાહિત્યની ચોપડીઓ મોકલી. તે સર્વનો ઉપયોગ સિપાઈઓ પુષ્કળ કરતા હતા અને સર્વ ઘણી સભ્યતાથી અને અદબથી વર્તતા હતા. સ્કુયુટેરાઈમાં અને ક્રાઈમીઆમાં વડા અમલદારોએ વિવિધ વિષયો ઉપર ભાષણો આપવા માંડયાં અને ધર્મગુરૂઓએ પણ તેમાં ભાગ લેવા માંડયો. મિસ નાઇટીંગેલને આવો ઉત્સાહ જોઈને ઘણો સંતોષ થયો, તે ઉપરાંત સિપાઈઓને દારૂ વિગેરે વ્યસન લેવાની ટેવ ના પડે તે માટે જુદી ક્લબો અને ઉપહારગૃહ (વીશીઓ) કહાડી.

મંદવાડ વખતે તે લોકોના તનની સેવા કરી અને હવે નવરાશના વખતમાં તેમની માનસિક અને નીતિની ઉન્નતિ કરવાને પ્રયાસ આ ભલી બાઈએ કર્યો.

સિપાઈઓ પોતાનાં છોકરાં, માતાપિતા તરફ બેદરકારીથી ના વર્તે તે માટે પ્રથમથી તેમનાં કુટુંબ સાથે પત્રવ્યવહાર રાખવાની છૂટ આપેલી હતી, અને હવે સર્વેને લખવાનાં બધાં સાધનો મિસ નાઇટીંગેલે અપાવ્યાં. જયારે લડાઈ ચાલતી હતી ત્યારે તો મિસ નાઇટીંગેલની મારફતે જ બધા કાગળો જતા. ઘણીવાર તેમને પોતાને જ સિપાઈઓના મરણના સમાચાર મોકલવા પડતા. તે સર્વેમાં દુઃખી થએલાં કુટુંબો માટે ઘણી જ દયા અને દીલસોજી બતાવતાં. અનાથ વિધવાઓને ધીરજ આપતાં, સરકાર તરફથી પેન્શનના પૈસા કેાની પાસે માગવા, કેવી રીતે માગવા, એ સર્વ બરોબર તેમને બતાવતાં.

વળી એક બીજી યોજના એવી કરી હતી કે જેથી સિપાઈઓ પોતાના પગારના પૈસા પોતાના કુટુંબમાં મોકલી શકતા. તે પોતે સિપાઈઓ પાસે પૈસા લેતાં, અને દરેક સિપાઈ કહે તે પ્રમાણે તે ઈંગ્લંડ મોકલી દેતાં. આા પ્રમાણે દર મહિને લગભગ ૧૫૦૦૦ રૂપીઆ ઈંગ્લંડ મોકલાતા હતા. અને તે પોસ્ટ ઓફીસ મારફતે જેના જેના હોય તેને આપી દેવામાં આવતા. આવી રીતે ઉદ્ધત, દારૂડીઆ સિપાઈઓ પૈસા વ્યર્થ ગુમાવવાને બદલે પોતાનાં સ્નેહીના ભરણપોષણ માટે બચાવી શકતા.

તેમણે આ રીત કહાડી ત્યાર પછી સરકાર તરફથી કોન્સ્ટેટીનોપલ, સ્ક્યુટેરાઈ, બેલેક્લેવા અને ક્રાઈમીઆ સર્વ જગાએ મનીઓર્ડર ઓફીસો (ટપાલ મારફતે પૈસા મોકલવાની ઓફીસ) સ્થાપી અને છ મહિનાની અંદર ૧૧૦,૦૦૦૦ રૂપીઆ ઈંગ્લંડ ખાતે સોલ્જરો તરફથી રવાના કરવામાં આવ્યા. આ સર્વ મિસ નાઇટીંગેલના સદ્દગુણી સ્વભાવનું જ પરિણામ હતું. તેમના આવ્યા પહેલાં સિપાઈઓ પૈસા બચાવવા તે શું તે જાણતા જ નહોતા. જે કાંઈ બચતું તે દારૂ વ્યસનમાં ઉડાવી દેતા અને પૈસા મોકલવા માટે સરકાર તરફથી કાંઈ સગવડ પણ કરી આપેલી નહોતી.

ઈ. સ. ૧૮૫૬ ના માર્ચ મહિનામાં પૅરિસ આગળ સલાહના કરાર થયા અને જુલાઈ મહિનામાં ક્રાઈમીઆ ખાલસા થયું. જ્યાં સુધી બધાં દવાખાનાં બંધ થયાં અને તમામ ઈંગ્રેજી લશ્કરને ઈંગ્લાંડ મોકલી દેવામાં આવ્યું ત્યાં સુધી ફ્લૉરેન્સ નાઇટીંગેલ પોતાની જગાએથી ખસ્યાં નહિં. ક્રાઈમીઆ છોડતાં પહેલાં મિસ નાઇટીંગેલે જેટલાં માણસો ત્યાં મૃત્યુ પામ્યાં હતાં તે લોકોના સ્મણાર્થે પોતાના ખાનગી ખર્ચે એક સ્તંભ ઉભો કરવાની આજ્ઞા કરી. તે સ્તભ બૅલેકલેવાના સેનેટેરીઅમ પાસેની એક ટેકરી ઉપર મુકવામાં આવ્યો અને ક્રાઈમીઆના બહાદુર યોદ્ધાઓ અને પરોપકારી નર્સો જેમણે દૂર દેશમાં પોતાના આત્મા પારકાના સુખ માટે માત્ર ઈશ્વર પ્રીત્યર્થે આપ્યા હતા, તેમના નામ ઉપર તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેની ઉપર નીચે પ્રમાણે લેખ કોતરાવ્યો હતો. “ પ્રભુ અમારા ઉપર કૃપાદષ્ટિ રાખો.”

“ Lord, have marcy upon us. ”

પાછળથી આ સ્તંભ “નાઇટીંગેલ ક્રૉસ” ને નામે એાળખાયો. કાળા સમુદ્રમાંથી સફર કરતાં એ સ્તંભ નજરે પડે છે ને એ પરોપકારી ભલી બાઈનું સ્મરણ કરાવે છે.

ક્રાઈમીઆથી ઇંગ્લંડ જવાને મિસ નાઇટીંગેલ પાછાં ફર્યાં ત્યારે સ્ક્યુટેરાઈ ઉતરીને ગયાં અને ત્યાંની બધી હોસ્પીટલો બંધ થઈ હતી કે નહિ તે તપાસી લીધું. બૅરેક હોસ્પીટલનું મકાન તુર્કસ્તાનના અધિકારીઓએ પાછું લઈ લીધું પણ મિસ નાઇટીંગેલનો ઉતારો જે ઓરડામાં હતો તે ઓરડા તો તેમના સ્મરણ સૂચક ચિન્હ તરીકે જેવી સ્થિતિમાં તેમણે રાખ્યા હતા તે જ સ્થિતિમાં કેટલાં વર્ષો સુધી રહેવા દેવામાં આવ્યા હતા.

તુર્કસ્તાનનો સુલતાન મિસ નાઇટીંગેલના કાર્યને અંત:કરણપૂર્વક વખાણતો હતા. અને જયારે ઈંગ્લંડ જવા ઉપડ્યાં ત્યારે તેમને એક હીરાની બંગડી બક્ષિસ આપી.

ક્રાઈમીઆ છોડતાં પહેલાં નામદાર રાણી સાહેબે પણ તેમને એક ઘણા ખુબસુરત હીરા માણેકના ફુલની ભેટ મોકલી હતી. તે ફુલ ઉપર રાણી સાહેબનું નામ તથા એક સુંદર લેખ કેાતરેલો હતો. તેની પાછળ ફ્લૉરેન્સ નાઈટીંગેલે સરકારી લશ્કરની ચાકરી કરીને જે મહાન દેશસેવા બજાવી હતી તેનું વર્ણન પણ કોતરેલું હતું.

સરકાર તરફથી પણ તેમના કાર્યને માટે લખાણ થયું હતું. જ્યારે સલાહના કરાર ચર્ચાતા હતા ત્યારે તેમને માટે લોર્ડ એલીસમીઅરે નીચે પ્રમાણે વચન કહ્યાં હતાં.

“મહેરબાન સાહેબો - લડાઈ વખતે જે જે સંકટ પડ્યાં હતાં તે સર્વ હાલ તો વિસરાઈ ગયાં છે; બેલેકલેવા અને ઈન્કરમેનની લડાઈઓને બે વર્ષ થઈ ગયાં તેથી એ તો ઐતિહાસિક બીના જેવી થઈ ગઈ છે. લશ્કરી સિપાઈઓ પાછા બળવાન થયા છે. સર્વે પોતપાતાની નોકરીએ પાછા જોડાયા છે, અને હોસ્પીટલો ખાલી થઈ ગઈ છે. પરંતુ “દયાની દેવી” (મિસ નાઇટીંગેલ) હજી પોતાનું કામ આટોપી લેવામાં રોકાયાં છે. સ્ક્યુટેરાઈમાં જે જગ્યાએ મૃત્યુ પામતા સિપાઈઓ તેમનાં પગલાંના અવાજનું શ્રવણ કરવાને કે માત્ર તેમની છાયાની એક દૃષ્ટિ માટે આતુર રહેતા હતા તે જગ્યા હાલ વેરાન જેવી પડી રહી છે. તે પોતે તો લોકેાની દૃષ્ટિથી હાલ દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે કેમકે એમને લોકોમાં પ્રસિદ્ધિ મેળવવાની આકાંક્ષા જરાએ નથી.”

લૉર્ડ એલીસમીઅરની આ કલ્પના તદ્દન સત્ય હતી. સરકાર તરફથી તેમને ઇંગ્લેંડ આવવા માટે એક વહાણ મોકલવાનો બંદોબસ્ત કર્યો પણ તેમણે તે સ્વીકારવાની ના પાડી. અને એક ફ્રેંચ વહાણમાં બેસીને માર્સેલ્સ (ફ્રાન્સમાં) આવી પહોંચ્યાં. ફ્રાન્સમાં તેમણે રાતની વખતે જ મુસાફરી કરી. પેરીસમાં માત્ર તેમના જુના મિત્ર ”સિસ્ટર્સ ઓફ સેન્ટ વિન્સેંટ'ને મળવા માટે ઉતર્યાં, અને ત્યાર પછી તેમની માસીની સાથે મિસ સ્મિથને છુપે નામે ઈંગ્લંડમાં આવી પહોંચ્યાં. પોણા બે વર્ષ સુધી તે બહાર ગામ રહ્યાં તેટલામાં તેમના જીવનમાં કેટલા બધા નવા અણચિંતવ્યા બનાવો બન્યા હતા તેની ગણત્રી કરવી મુશ્કેલ છે.