ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૭ મું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ ૬ ઠ્ઠું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૭ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૮ મું →


પ્રકરણ ૭ મું.

એક અઠવાડિયાની અંદર મિસ નાઇટીંગેલે બધો બંદોબસ્ત કરી દીધો અને પોતાની સાથે લઈ જવાને નર્સો તૈયાર કરી. ખાલી વાત કરીને વખત કહાડવાને તેનો સ્વભાવ નહોતો પણ પોતાનું કામ પાર પાડવાનો જ માત્ર ઉદ્દેશ હતો; તે ઉપરાંત તેમના એક કહેણથી કેટલીક સ્ત્રીઓ જવાને તૈયાર થઈ. સરકાર તરફથી રીતસર લખાણ આવ્યું કે મિત્ર નાઇટીંગેલને આ દેશમાંની બીજી સર્વ સ્ત્રીએ કરતાં ઈસ્પીતાળના વહીવટને ઘણો અનુભવ છે. અને તેથી તેમણે સૈનિકોની સારવાર કરવાને નર્સોની યોજના કરવાનું મહાન કાર્ય માથે લીધું છે. અને તેથી સરકાર તરફથી તેમની સ્કયુટેરાઈમાં નર્સોનાં ઉપરી તરીકે નીમણુંક કરવામાં આવી છે. મિસ નાઇટીંગેલનું નામ અત્યાર સુધી લોકોની જાણમાં નહોતું તે ઘેરઘેર ને આંગણે આંગણે ગવાવા માંડયું. વર્તમાનપત્રો એમના હેવાલથી ભરાયેલાં નીકળવા માંડ્યાં. તે સમયે સ્ત્રીઓને આટલી છૂટ નહોતી તેથી લોકોને બહુ અજાયબી લાગવા માંડી. એક વર્તમાન પત્રવાળાએ નીચે પ્રમાણે તેમનો હેવાલ આપ્યો હતો. મિસ નાઇટીંગેલ એક ઘણી જ સુજ્ઞ, સુશિક્ષિત, સુકુળ યુવતી છે. પ્રાચીન ભાષાઓ, ગણિત શાસ્ત્ર, સાયન્સ અને સાહિત્યમાં નિપુણ છે. તેમનું જ્ઞાન અથાગ છે. ફ્રેન્ચ, જર્મન, ઈટેલીઅન સર્વ ભાષાઓ સ્વભાષાની માફક જ બોલી શકે છે. યુરોપના બધા દેશામાં તે ફરેલાં છે, અને બધા લોકોના રીતરીવાજોથી તે વાકેફગાર છે. તેમનામાં જેટલી બુદ્ધિની કુશળતા છે તેટલી જ શરીરની લાવણ્યતા છે.

તેમના સંસર્ગમાં જે આવે છે તેને એમનો સુશીલ સ્વભાવ સહજ માલૂમ પડે છે. સર્વ સ્થિતિના લોકો સાથે તેમને મિત્રાચારી છે, તે પોતે તો પોતાના ઘરના સગાં સંબંધીઓની સાથે રહેવામાં અને માતા પિતાની અાજ્ઞા પ્રમાણે ચાલવામાં જ સુખ માણે છે, આટલી વિદ્વાન સ્ત્રી થઈને માતા પિતાની આજ્ઞાંકિત થઈને રહેતાં એટલાથી એમને માટે લોકોને બહુ સંતોષ થયો. તેમનામાં કાંઈ એક અપૂર્વ ખુબી હતી. એમના ચહેરા ઉપરથી જ એમ લાગતું કે ઈશ્વરે એમને કાંઈ મહાન કર્તવ્ય બજાવવાને માટે જન્મ આપ્યો છે. “તેમનામાં બુદ્ધિચાતુર્યની સાથે ઘણી જ સાદાઈ, મધુરતા, સ્નેહ અને દયા છે, તેમની વર્તણુંક ઘણી જ આકર્ષક છે, સર્વ રીતે સંપૂર્ણ સ્ત્રીત્વ તેમનામાં છે. તેમનું કદ ઉંચું અને પાતળું છે. તેમને ચહેરો ખુબસુરત છે, પણ આ સર્વ બાહ્ય શોભા કરતાં તેમના અંતઃકરણની શોભા કાંઈ ખરેખર અવર્ણનિય છે. એમના મોં ઉપર હમેંશ મધુર સ્મિત પ્રકાશે છે.”

સુજ્ઞ લોકો તેમના મહાન કાર્યની પ્રશંસા કરવા લાગ્યા; ત્યારે કેટલાક અદેખા અને અજ્ઞાન લોકો તેમની મશ્કરી કરવા લાગ્યા. એવા લેકે કહેવા લાગ્યા કે આબરૂદાર સ્ત્રીએાથી તે વળી લશ્કરી સિપાઈએની માવજત કરાતી હશે ! વળી કોઈ કહે કે ઘરનાં છોકરાંની જે સ્ત્રીઓ સંભાળ નથી લઈ શકતી તે પારકાંની તે શી સંભાળ લેશે ? વળી કેાઈ કહે કે સ્કૂયુટેરાઈની ઈસ્પીતાળમાં કામ કરવાનું એટલું સખત છે કે કેાઈ પણ સ્ત્રીથી તે થઈ શકે જ નહિ, અને તેથી સ્ત્રી નર્સોની યોજના જરૂર ભાંગી પડવાની, એક મહિના પછી બધી નર્સોં માંદી થઈને ઘેર પાછી આવેલી જોશો.

સ્ત્રી રાખવાનો પ્રયાસ એટલો નવીન હતો અને ઇંગ્લીશ લોકોના રીત રીવાજ અને રૂઢિથી એટલો વિરૂદ્ધ હતો કે આ વાત ચર્ચાએ ચઢશે એ તો સર્વ જાણતાં ૫ણ ફ્લૉરેન્સ નાઈટીંગેલની કર્તવ્ય બુદ્ધિ એટલી તીક્ષણ હતી કે લોક નિંદાથી તે એવે પ્રસંગે જરા ડર્યા નહિ. તેમણે હીંમત કરીને હામ ભીડી અને લોકોના સંશય દૂર કરીને તેમની ખોટી જીદની અવગણના કરીને સદાને માટે ઉત્તમ દૃષ્ટાંત બેસાડયું લોકોની એટલી એટલી ચર્ચા છતાં તેમણે નર્સની એક ટુકડી ઉભી કરવા માંડી. આ કાર્યમાં તેમને મિ. સિડની હર્બર્ટ અને તેમનાં પત્નીની ઘણી જ મદદ હતી. વર્તમાનપત્રોમાં જાહેરખબરો છપાવી, અને પરોપકારાર્થે કર્તવ્ય કરવાને માટે અરજીઓ મંગાવી. થોડા જ વખતમાં સંખ્યાબંધ અરજીઓ આવવા માંડી તે એટલે સુધી કે સિડની હર્બર્ટને સામું લખવું પડયું કે અનેક સ્ત્રીઓ આ દેશસેવા બજાવવાને હોંસથી તૈયાર થઈ છે, પરંતુ ત્યાં ગયા પછી તેમને કેટલીક અગવડ અને કષ્ટ સહન કરવું પડશે તેને ખ્યાલ થોડાંને જ હશે, અને ત્યાંની સ્થિતિ જોઈને કુમળાં મનની સ્ત્રીઓ તો ઘેલી જ થઈ જશે એવી મને ધાસ્તી લાગે છે.”

આ બાહોશ અધિકારીએ ગૃહસ્થ વર્ગમાંથી જ નર્સોની પસંદગી કરવાને દૃઢ નિશ્ચય કર્યો હતેા.

પ્રથમનો પ્રયાસ તો જોઈએ તેટલે સફળ થયો નહિ. અરજીઓ તો પુષ્કળ આવી પરંતુ તેમાંની કોઈએ નર્સીંગનું શિક્ષણ લીધેલું નહોતું, તેમને શીખવવાને હવે વખત રહ્યો નહોતો, કારણ કે તેમને જલદીથી સ્ક્યુટેરાઈ જવાનું હતું. આવી જરૂર પડી ત્યારે ધર્મનો ભેદ ન રાખીને મિસ નાઇટીંગેલે રોમન કેથલીક અને પ્રાસ્ટેટન્ટ બને પંથોમાંથી નર્સોં મેાકલવાની માગણી કરી. આને લીધે મિસ નાઇટીંગેલના ધર્મ મત માટે બહુ ચર્ચા થઈ. કારણ કે રોમન કૅથલીક વિરૂદ્ધ લોકોની લાગણી ઘણીજ હતી. ધર્મગુરૂઓ કહેવા લાગ્યા કે આથી તે બધા સૈનિકો રેમન કૅથલીક થઈ જશે, પરંતુ આ ચર્ચા પણ મિસ નાઇટીંગેલે ગણકારી નહિ; કારણ કે આ વખત સૈનિકોનો ધર્મ સાચવવાનો નહોતો, તેમના શરીરનું રક્ષણ કરવાનો હતો, નર્સો જોઈતી હતી, ધર્મ શિક્ષણને કાંઈ ખપ નહોતો. વળી કેટલાક પ્રૉટેસ્ટંટ આશ્રમો તરફથી એમ કહેવડાવવામાં આવ્યું કે અમારી નર્સો મિસ નાઇટીંગેલનું ઉપરીપણું તો કબુલ ન કરે, અમારા મઠના ઉપરીની જ આજ્ઞા અમારી નર્સો તો માને, તો પણ આ માટે મિસ નાઇટીંગેલ અને તેમના સર્વ સલાહકાર દૃઢ જ રહ્યા. જેને દાખલ થવું હોય તેમને મિસ નાઇટીંગેલની આજ્ઞા તો ચોક્કસ માનવી જ પડે, જેવી રીતે સૈનિકો સેનાધિપતિની આજ્ઞા માને છે તેવીજ રીતે લશ્કરી નર્સને તેનાં ઉપરીની આજ્ઞા માનવી આવશ્યક છે. ધીમે ધીમે સર્વ પ્રૉટેસ્ટંટ મઠવાળા કબુલ થયા. રોમન કૅથલીક પંથવાળાને તો સર્વ કરાર પ્રથમથી જ કબુલ હતા અને તે પ્રમાણે મિસ નાઇટીંગેલને સંપૂર્ણ રીતે તાબે રહેવાની દર્દીઓની સાથે ધર્મની તકરારમાં ના ઉતરવાની કબુલાતની સહીઓ પણ તેમણે કરી આપી હતી, તેઓએ અંદરખાનેથી એવો બંદોબસ્ત કરી લીધો હતો કે રોમન કૅથલીક નર્સોં તે જ પંથના સિપાઈઓની સારવાર કરે અને પ્રોટેસ્ટંટ નર્સો તેમના પંથના સૈનિકાની કરે. મિ. સિડની હર્બર્ટે પાછળથી લોકોની લાગણી શમાવવા ખાતર કહ્યું કે આ પ્રસંગે રોમન કૅથલીક ધર્મગુરૂને ધન્યવાદ ઘટે છે; કારણ કે તેમણે તેમના ધર્મના સર્વ પ્રતિબંધ છેડી દઈને પોતાનું ઉપરીપણું કહાડી નાખ્યું હતું. આપણે આ વખત ધનોમને ભેદ જોવાનો નથી. એટલો જ સંતોષ માનવાનો છે કે ધર્મપંથ જુદા છતાં સર્વ ઇંગ્લીશ બહેનો દેશના હિતને ખાતર એકત્ર થઈને સંપથી ગઈ છે. આડત્રીસ નર્સો ખરા પરોપકારના કામ માટે ઈશ્વરને પ્રસન્ન કરવા ખાતર ભર સમુદ્રમાં ગઇ છે, એ કાંઈ જુજ વાત નથી. ઈશ્વર આવી પરેપકાર બુદ્ધિ સર્વને સુઝાડો.”

ઈ. સ. ૧૮૫૪ ના ઓકટોબર મહિનાની ૨૧ મી તારીખની સાંજે આ સર્વ આડત્રીસ નર્સો અને મિસ નાઈટીંગેલના મિત્ર મિ. બ્રેસબ્રીજ અને તેમનાં ધર્મપત્ની એ સર્વ સ્ક્યુટેરાઈ ખાતે વિદાય થયાં.

લોકોમાં દેખાડો કરાવવાની વાત તો મિસ નાઇટીંગેલને હંમેંશ નાપસંદ જ પડતી, અને તેથીજ તેમની ટુકડી રાતને પહોર નીકળી.

સગાં, સંબંધી, ઘરબાર છોડીને આ મહાન કાર્ય કરવાને જ્યારે ફ્લૉરેન્સ નાઇટીગેલ સાથે નીકળ્યાં ત્યારે રાતનો વખત હોવાથી તેમને વિદાય કરવાને સ્ટેશન ઉપર તે ચાર અંગનાં સગાં અને થેાડા મિત્ર જ આવ્યાં હતાં. તેમનો તે વખતને પોષાક ધણો જ સાદો કાળા રંગને હતો, છતાં અસરકારક હતો, આગગાડી ઉપડવાની છેલ્લી ક્ષણ સુધી તેમનો ચહેરો તદ્દન શાંત જ રહ્યો હતો; અને મ્હોં ઉપર તેમનું સદાનું મધુર સ્મિત પ્રકાશતું હતું. હંમેશ તેમને સામા મનુષ્યની લાગણીનો જ વિચાર આવતો અને તેથી તેમના અંગનાં સ્નેહી, તેમનાં માતાપિતા જે પરાણે તેમને આટલું જોખમ વેઠવાને કબુલ થયાં હતાં તેમને દુઃખ ના થાય અને ચિંતા ના થાય તે સાચવવાને તે છેવટ સુધી સાવચેત રહ્યાં. સ્ક્યુટેરાઇની ઇસ્પીતાળમાં ગયા પછી કેટલું કષ્ટ સહન કરવું પડશે તે તેા એ પોતે જ જાણતાં હતાં, અને તેનો સંપૂર્ણ ખ્યાલ તો તે સર્વ ભોગવ્યા પછી જ આવ્યો હતો. બીજે દિવસે સવારે આ "દિવ્ય ટોળી" બુર્લો (ફ્રાન્સમાં) આગળ આવી પહેાંચી, ત્યાં તો તેમને આવકાર આપવાને લેાકેા વાટ જોઈને જ બેઠા હતા.

ફ્રાન્સને આ પ્રસંગે ઇંગ્લંડ સાથે એકારો હતેા. ફ્રેન્ચ અને ઈંગ્લીશ સિપાઈઓ રણક્ષેત્રમાં સાથે રહીને જ લડતા હતા, અને રણસંગ્રામમાં પડતા પણ હતા અને આ ઈંગ્લીશ સ્ત્રીઓની ટુકડી સર્વ માંદા અને ઘવાએલા સૈનિકોને મદદ કરવા ખાતર જતી હતી, એથી વ્હાલસોયા ફ્રેન્ચ લેાકોના ઉત્સાહનો પાર રહ્યો નહિ. અને જ્યારે મિસ નાઇટીંગેલ તથા બીજી બધી નર્સો કાંઠા ઉપર ઉતરી ત્યારે બુર્લોની જબરજસ્ત માછણોએ તેમની પેટીઓ ને પટારા ને ગાંસડીઓ ઉપાડી લીધી, અને આવી પરોપકારી બહેનોનો સામાન ઉચક્યા માટે પોતાને ભાગ્યશાળી ગણવા લાગી, તેઓએ વૈતરાની એક પાઈ પણ સ્વીકારી નહિ અને હોંસ અને ઉમંગથી ઘણી વજનદાર ચીજો પીઠ ઉપર ઉચકીને ફ્લૉરેન્સનાં અને બધી ઈંગ્લીશ નર્સોના વખાણની વાતે કરતી તથા ઈશ્વરની પ્રાર્થના કરતી ચાલતી હતી. જ્યારે તેઓ ત્યાંથી વિદાય થયાં ત્યારે ઘણીકની અાંખમાંથી તો આંસુ પડવા માંડ્યાં. કામ કર્યાના બદલાની ખાતર મિસ નાઇટીંગેલની સાથે હાથ મેળવવાની (શેક હેન્ડસ કરવાની) માત્ર તેમને અભિલાષા હતી તે પૂર્ણ થઈ, ત્યારે અનેક આશિરવાદ દઈને સર્વ ચાલતાં થયાં.

ત્યાર પછી મિસ નાઇટીંગેલની ટુકડી પેરીસ ગઈ, અને ત્યાં સૅન્ટ વિન્સેન્ટના આશ્રમમાં જ્યાં મિસ નાઇટીંગેલ પ્રથમ એકવાર ગયાં હતાં ત્યાં થોડો વખત વિસામો લીધો, ત્યાંની સિસ્ટર્સ તો તેને આવકાર દેવાને ઘણી જ આતુર હતી અને તે ટોળીની આગતાસ્વાગતા કરવાથી તેમને ઘણો જ હર્ષ થયો. પૅરિસથી નીકળ્યા પછી માર્સેલ્સ જે બંદર હતું તે તરફ તેઓ ગયાં ત્યાં તેમને મુસાફરી માટે સર્વ સગવડ પડી, મજુરોએ કાંઈ પણ બક્ષીસ સ્વીકારી નહિ. વીશીઓના માલીકોએ ખાધા ખર્ચ પણ કાંઈ લીધું નહિ. લોકો તેમને મદદ કરવામાં માન સમજતા હતા. માર્સેલ્સથી તેઓ મોટી સ્ટીમરમાં બેસીને કોન્સ્ટેન્ટીનોપલ તરફ ગયાં, સમુદ્રને કાંઈ કેાઈ માટે લાગણી હોય છે ? એ તો સારાં નરસાં સર્વને સરખાં ગણે છે. સમુદ્ર ઘણો જ તેાફાની થયો હતો. પવન પણ પુષ્કળ હતો. ભૂમધ્યસમુદ્ર આગળ તો ઘણું સખત વાવાઝોડું થયું અને થોડીવાર તો વહાણ દહેશતમાં રહ્યું. છેવટ ઑક્ટોબરની ૩૧ મીએ તેઓ માલ્ટા પહોંચ્યાં અને થોડો વખત વિસામો લઈને સ્કયુટેરાઈ જવા પાછાં વહાણ હંકાર્યાં. મિસ નાઇટીંગેલ નવેમ્બરની ચોથી તારીખે સ્કયુટેરાઈ આવી પહોચ્યાં. તેને બીજે દિવસે ઈન્કરમેનની મ્હોટી લડાઈ થઈ અને ઇંગ્લીશનો તેમાં જય થયો, પરંતુ જયના પ્રમાણમાં ઘાયલ થયેલા લોકનું દુઃખ કેટલું અસીમ હતું તેનો ખ્યાલ કેાઈને નહેતો. આવું મહાભારત કામ કેાઈ પણ સ્ત્રીને અજાણ્યા દેશમાં આવતાં જ ઉપાડી નહિ લેવું પડયું હોય. ઈસ્પીતાળમાં પડેલા દર્દીઓએ આ ઇંગ્લીશ સ્ત્રીઓની આવવાની વાત સાંભળી હતી પણ કેાઈ તે માની શકતું નહોતું. જ્યારે મિસ નાઇટીંગેલ પહેલ વહેલાં તપાસ કરવા ગયાં ત્યારે સિપાઈઓની લાગણી અત્યંત ઉશ્કેરાઈ, એક માણસ તો ખરેખર તેમને જોઈને રડી જ પડયો. ઈંગ્લીશ સ્ત્રીઓ મદદે આવી એ વિચાર તેમને ઘણોજ આશ્રર્યકારક તેમ જ સંતોષકારક લાગ્યો.