ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૯ મું
← પ્રકરણ ૮ મું | ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર પ્રકરણ ૯ મું શારદા મહેતા ૧૯૧૮ |
પ્રકરણ ૧૦ મું → |
મિસ નાiટીંગેલને સ્ક્યુટેરાઇની હોસ્પીટલમાં કેટલી સખત મહેનત
કરવી પડતી હતી, તેનો ખ્યાલ તે સમયની લડાઈના સમાચાર જાણ્યાથી
યથાર્થ રીતે આવશે. તેમણે લંડન છોડયું ત્યાર પછી ચોથે દિવસે
ઓકટોબરની પચીસમીએ બાલાક્લાવાની લડાઈ થઈઃ નવેમ્બરની પાંચમી
તારીખે ઈન્કરમેનની લડાઈ થઈ. તેને આગલે જ દિવસે તે સ્ક્યુટેરાઈમાં
આવી પહોંચ્યાં હતાં. પોતાનાં કપડાં લત્તાં ગેાઠવવાનીએ પુરી ફુરસદ મળી
નહિ તે પહેલાં તો તેમને ધુંસરીમાં જોડાવું પડયું. બન્ને ઇસ્પીતાળો
ઘીચેાધીચ ભરાઈ એટલા ઘાયલ થયેલા સિપાઈઓ આવ્યા. વખતે ફ્લૉરેન્સ
નાઇટીંગેલને કેાઈ કેાઈ વાર તો દિવસના વીસ કલાક ખડે ને ખડે
પગે રહીને કામ કરવું પડતું. નવા આવેલા દરદીઓને માટે જગ્યા કરવી,
તે લોકેાને કાંઈ વહાડકાપ કરાવવાની હોય તે ઉભા રહીને દીલાસો
આપવો, એ સર્વ એ કરતાં. કેાલેરા કે તાવથી કોઈ પીડાતા હોય તો તેમની
પાસે કલાકોના કલાકો બેસીને માથાકુટ કરતાં, જેમ વધારે વિકટ ને ધાસ્તી
ભરેલાં રેાગ ચિન્હ લાગે ત્યાં તો તે ખસુસ પાસે રહેતાં, અને છેક અંતની
ઘડી સુધી પોતાનાથી બનતા પ્રયાસ કરતાં. દરેક સિપાઈઓ તેમના આટલા
દયાળુ સ્વભાવને લીધે તેમને મિત્ર તરીકે ગણતા હતા. દાક્તરો આવીને
જે માણસોની બચવાની મુદ્દલ આશા નહોતી તેવાઓને જુદા જ કહાડી
મુક્તા. એક વખતે એવા પાંચ માણસોને માટે મિસ નાઇટીંગેલને બહુ
જ દયા આવવાથી દાકતરને પુછયું કે, "દાકતર શું કાંઈ પણ ઇલાજથી
આ માણસ બચી શકશે નહિ ? ત્યારે દાક્તરે જવાબ દીધો કે, પહેલાં તો
જેમની કાંઈકે આશા હોય તેવાઓ ઉપર મારે તો લક્ષ આપવું જેઈએ."
ત્યાર પછી તેમણે પોતે તે પાંચ માણસની સારવાર કરવાનું માથે લીધું, દાક્તરોએ તો તેમને માટે આશા છોડી હતી. પરંતુ મિસ નાઇટીંગેલ કદી
પ્રયાસ કર્યા વગર નિરાશ થઈને બેસી રહે તેવાં નહોતાં. તેથી રાત્રે એક
નર્સને મદદે લીધી, અને બન્ને જણે આખી રાતનો ઉજાગરો વેઠીને તેમને
મલમ પટા કરીને તેમનો જીવ ઉગાર્યો.
કોલેરા ને પ્લેગના કેસથી એ દૂર નાસતાં નહોતાં; ત્યાંના દરદીઓને પણ તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ હતી, અને સર્વ તેમને દેવી સમાન ગણતાં હતાં. એમનું કામ આ પ્રથમના દિવસેામાં તો ઘણું જ ભારે હતું. ઘણી બાબતોમાં અધિકારી વર્ગના મતથી ઉલટે માર્ગ વર્તવું પડતું હતું, દર્દીઓની સંખ્યા પણ બેશુમાર હતી, અને વળી ઇસ્પીતાળમાં પુરાં સાધનો પણ નહોતાં. સંજોગ એવો બન્યો કે ઈગ્લંડથી મોકલેલો સામાન આવી પહોંચતાં ધાર્યા કરતાં ઘણા જ દિવસ વીતી ગયા, અને ત્યાં જુજ સામાન હતો તેથી આટલા સેંકડો દરદીએાનું શું પુરૂં થાય. ઘણા માણસો ફક્ત અશક્તિને લીધે જ મરી જતા. જો તે ઠેકાણે થોડી ઘણીએ પુષ્ટી આપી શકે તેવી દવા હોત તો જરૂર તેએાના જીવ બચત. લડાઈનો ખરો ત્રાસ કેવો હોય છે તેનો તો આપણાથી ક્યાસ કરી શકાય જ નહિ.
એક નર્સે તે વખતે સ્કયુટેરાઈથી પત્ર લખ્યો હતો, તેમાં લખે છે કે, "કાલનો આખો દિવસ તો બિછાનાં શીવવામાં ગયો, ત્યાર પછી તે બિછાનાનું લુગડું સ્વચ્છ ન હોવાથી ધોવું પડયું, પછી દરદીઓના ઘાને ધોઈને પાટાપટી કરવા પડયા. "
"મિસ નાઈટીંગેલ ખરેજ અમારાં ઉપરી થવાને સંપૂર્ણ રીતે યોગ્ય છે, કેમકે તેમણે ઘણી વખત ઈસ્પીતાળોમાં ઉપરીપણું કરેલું છે, તેથી તેમને બધી ખબર છે. કાંઈ પુષ્ટિકારક દવા કે ખેારાક તમે ત્યાંથી ( ઈંગ્લંડથી ) મોકલી આપો તો બહુ ઉપયોગમાં આવે. દૂધ તો અહીં આવીને અમે નજરે નથી જોયું, અને રોટલી પણ બેસ્વાદ હોય છે. માખણે ઉતરી ગએલું હોય છે, બટાટા ફ્રાન્સથી આવવાના છે, એમ સાંભળ્યું છે, પણ કોણ જાણે કયે ભવે આવી પહોંચશે?" આ ઉપરથી સમજાશે કે કેટલી તરેહની વિટંબનાએા હતી. પણ ચતુર મિસ નાઇટીંગેલની બુદ્ધિ શક્તિની તો બલિહારીજ છે. તેમને આવે, દસ દિવસ તો પુરા થયાં નહોતા એટલામાં તો એક સાધારણ સગવડવાળું રસોડું ઉભું કર્યું. તેમાંથી લગભગ ૮૦૦ માણસોને સારો ખેારાક તથા અન્ય સાધનો મળતાં થયાં. મિસ નાઇટીંગેલે ખાનગી રીતે પાતાની સાથે દરદીઓને યોગ્ય થોડો ઘણો ખોરાક આણ્યો હતો. તેમાંથી તે લોકેાને ખોરાક પ્રથમ તો મળ્યો. કાંઈ કાંઈ તરેહની કાંજી, ફળ, મેવા, જેની બિચારા સિપાઈઓએ સ્વપ્ને પણ આશા નહોતી રાખી તે આ ભલી બાઈઓને હાથે તેમને મળ્યું. એવી ચીજો જોઈને એ ભલા સિપાઈઓ તો બિચારા ગળગળા જ થઈ જતા હતા. મિસ નાઇટીંગેલના આવ્યા પહેલાં ખોરાકની તંગી હતી એટલું જ નહિ પણ જેટલું મળતું તે એવું કાચું પાકું કે સાજા માણસને પણ પાચન થાય નહિ.
ખોરાક ઉપરાંત બીજી અનેક ચીજો નર્સોના રસોડામાંથી (ખાનગી રીતે ) દર્દીઓને અપાતી. કાંઈ મણ મણ બબે મણ તો એરોરૂટની કાંજી થતી હતી. અને પ્રથમ તો આ સર્વ મિસ નાઇટીંગેલના પોતાના ભંડારમાંથી મળતું. પછી જ્યારે ઈંગ્લંડના લોકેાને ખરી બાતમી મળી ત્યારે ત્યાંથી પણ સામાન આવવા લાગ્યો. કારણ કે સરકાર તરફથી જે માલ અપાતો તે પુરતો પણ નહોતો થતો, ને વળી સારી જાતનો પણ નહોતો મળતો.
સરકારી મોદીખાનાનો બંદોબસ્ત પણ કાંઈ જ બરાબર નહોતો કઈ વખતે કઈ ચીજ મળશે તેનો નિયમ જ નહિ, સવારે માગેલી ચીજ કોઇ વખત સાંજ પડતા સુધી પણ મળે નહિ. મળે ત્યારે રસોડામાં પુરો દેવતાએ રહેલો હોય નહિ. કાયદાસર જ્યારે અમુક માણસ તપાસી લે, માપ લે, ત્યારે જ બધી ચીજ અપાય. બીજી બાબતોમાં તો એવા કાયદા ચાલે પણ જ્યાં મોતની સામે ટક્કર ઝીલવાની ત્યાં શી રીતે ચાલે. માણસ ખેારાક વગર ને દવા વગર માત્ર અશક્તિ ને થાકનો ભોગ થઈ પડતાં. એક વાર તો એવે પ્રસંગે મિસ નાiટીંગેલે હુકમ કર્યો કે સરકારી અમલદારે ખેારાકની વસ્તુઓ તપાસી હોય કે ન તપાસી હોય છતાં વાપરવા માંડવી. તે સર્વની જુમેદારી પોતાને જ શીર રાખી. નહિ તો જુજ પગારના નોકરો તેમની ઈચ્છાને આધીન થવાને લીધે વ્યર્થ માર્યા જાય. 'લેડી ઈન ચીફ'ના હુકમથી કોઠાર ખુલ્લો મુક્યો અને ભૂખને લીધે અશકત થઈ ગએલા સિપાઈઓને ખોરાક મળ્યો.
સરકારી નિયમની વિરૂદ્ધ ચાલ્યાથી મિસ નાઇટીંગેલને કેટલાક મનુષ્યો સાથે શત્રુતા થઈ, અને સરકારી કાયદાને ચીલે ચાલનારા માણસો બબડવા મંડ્યા, કે લેડી ઈન ચીફ તો માગી વસ્તુ માટે થોડીવાર પણ રાહ જોઈ શકતાં નથી અને સર્વ કામ આપ અખતિઆરથી કરે છે.
જયારે આ પ્રમાણે રસોડાની યોજના ટયુમગુ ચાલતી થઈ ત્યારે મિસ નાઇટીંગેલે કપડાં ધોવાની તથા દવા નાખીને તે સ્વચ્છ કરવાની ગોઠવણ કરવા માંડી. કારણ કે તાવ અને કેાલેરામાં વાપરેલાં ચેપી કપડાં દવાથી સાફ કર્યા વગર તો છુટકો જ નહોતો. આ બાઈ આવ્યાં ત્યાર પહેલાં તો કપડાં કાંઈ જ ધોવાતાં નહિ. સરકારી નોકરોએ કાંઇક સાતેક ખમીસ ધોવડાવ્યાં હતાં, અને ચેપી રોગવાળાં કપડાં અને સાદાં મેલાં કપડાં સર્વ એકઠાં ઝબોળી કઢાતાં હતાં. ધેાવાના ઈજારા લોકેાએ રાખ્યા હતા પણ કાંઈ ઉપયોગી કામ થતું નહોતું. જેટલું બરાબર ધોતા હતા તેમાં કાંઈ ઝાઝી ખામી નહોતી પણ ઈજારાવાળા એટલી ચોરી કરતા કે જો કેાઈએ ભોગજોગે એકાદ કપડું ધોવા આપ્યું તો તે પાછું આવશે કે નહિ તેને કેાઈને ભરૂંસો પડતો નહિ, અને તેથી બિચારા માંદા માણસો પોતાનાં કપડાં ધોવા આપતાં ઘણું જ ડરતા.
બૅરેક હેરપીટલમાં પણ ધોવાનું કામ એક માણસ કરતો હતો પણ તે વારંવાર કામ બંધ કરી દેતો હતો, અને તેથી દર્દીઓને કદી સ્વચ્છ કપડાં પહેરવાને વારોજ આવતો નહિ. તે માટે તેઓ કેાઈ કેાઈવાર સિપાઈઓની સ્ત્રીઓ પાસે પોતાનાં કપડાં ધોવરાવતા. હોસ્પીટલમાં બે ત્રણ હજાર માંદા અને ઘાયલ થએલા માણસો પડયા હતા ત્યાં આવી સ્થિતિ હતી.
મિસ નાઇટીંગેલે હોસ્પીટલની પાસે એક ઘર ભાડે લીધું અને ઉપયોગમાં આવે એવી રીતે કપડાં ધોવાની યોજના કરી. તેનો ખર્ચ અર્ધો પોતે આપ્યો અને અર્ધો ઇંગ્લંડમાં 'ધી ટાઈમ્સ' વર્તમાન પત્રે સિપાઇઓને માટે જે ફંડ કહાડયું હતું એમાંથી બાકીનો ખર્ચ આપ્યો. આ ધોવાની જગ્યાએ આરોગ્યતાના સર્વ નિયમ સાચવવામાં આવતા. અને દરેક અઠવાડિએ પાંચસે ખમીસ અને દોડસો બીજા કપડાં ધોવાતાં હતાં.
વળી એક બીજી અડચણ નડી કે, દર્દીઓ જ્યારે પોતાનાં મેલાં કપડાં ધોવા આપે ત્યારે પહેરવાને બીજાં ક્યાંથી લાવવાં ? તે લેાકેાનો સામાન તો તેમની પાસે હતો જ નહિ; અને જે અંગ ઉપર બગડેલાં વસ્ત્ર હતાં તે સિવાય ફાટેલું ચીંથરૂં પણ તેમની પાસે નહોતું. પહેલા ત્રણ મહિના તે મિસ નાઇટીંગેલે પોતાના ખર્ચે દસ હજાર ખમીસ પુરાં પાડયાં. ઉપર બાંધવાના પાટાપટીની પણ એટલી જ ભીડ હતી. નર્સોને જેટલો વખત મળતો તેટલામાં તેઓ પાટા, બિછાનાં અને ઓશીકાં બધું તૈયાર કરતી.
દવા દારૂમાં પણ તેટલા જ ગુંચવાડો હતા. સ્ક્યુટેરાઈમાં દવાનો જે ભંડાર હતો તે સર્વ પણ અસ્તવ્યસ્ત હતો. દવા આપનારને પણ ખબર નહિ કે, દવા કેટલી છે અને કઈ કઈ છે. એક વખત એવું બન્યું કે મિસીસ બ્રૅસબ્રીજે અમુક દવા માગી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે દવા તો નથી, પછી મિસ નાઇટીંગેલે ફરી બરાબર તપાસ કરાવી ત્યારે માલુમ પડયું કે તે દવાનો ભરેલો અઢી મણનો કોથળો જેમનો તેમ પડેલે હતેા.
સિપાઈઓ દરવાનોમાં પણ કાંઈ બંદોબસ્ત નહોતો છતાં મિસ નાઇટીંગેલની સુશીલતાની છાપ એટલી બધી પડી હતી કે કેાઈ પણ નોકર એક અપશબ્દ વાપરતો નહિ, તેમજ કેાઈ ઉંચે અવાજે બોલતું નહિ. સર્વે અદબ રાખીને નીતિથી વર્તતા હતા, દર્દીએ તો મિસ નાઇટીંગેલની વાસ્તવિક પૂજા કરતા હતા. વ્હાડ કાપના ઓરડામાં જ્યારે મિસ નાઈટીંગેલ ઉભાં રહેતાં ત્યારે તે આશ્ચર્યકારક અસર થતી. તેમની હાજરીથી ડાકટર ઘણી જ સહેલાઈથી કાપકુપ કરી શકતા હતા. દર્દીઓને બેભાન થવાની દવા પણ બહુ આપવી પડતી નહિ, શાંત અને સ્થિર ચહેરા રાખીને તેઓ નસ્તરનું દરદ સહન કરી શકતા.
મિસ નાઇટીંગે ને આટલી બધી સત્તા સોંપવાને માટે જે લોકો સરકાર વિરૂદ્ધ બબડતા હતા તેઓને પણ દિવસે દિવસે લાગ્યું કે આ મહાન કાર્ય માટે તો સુશીલ, ધૈર્યવાન અને નેક મિસ નાઇટીંગેલ શિવાય કેાઈ પહેાંચી વળત નહીં.
માંદા થએલા સિપાઈઓ ઉપરાંત સિપાઈએાની સ્ત્રીઓને પણ મિસ નાઇટીંગેલ મદદ કરતાં હતાં. જ્યારે તે સ્ક્યુટેરાઈ આવ્યાં ત્યારે સંખ્યાબંધ સ્ત્રીઓ જેમના વર લડાઈમાં ગએલા હતા અને જેઓના વર રણમાં મૃત્યુ પામ્યા હતા તે સર્વ અથાગ સંકટમાં હતી. બૅરેક હોસ્પીટલને ખુણેખાંચરે તેઓ પડી રહેતી. પોતાના પતિથી વિખુટી થએલી તેથી સરકાર તરફથી તેમને ખોરાક કે રહેવાની જગા મળતી નહિ, તેમને માટે કાંઈ પણ બંદોબસ્ત તે વખતે કરવામાં આવ્યા નહોતા. ઉપરીના હુકમ આવે ત્યારે વિધવા થએલી સ્ત્રીઓને ફક્ત ઈંગ્લંડ મેકલી દેવામાં આવતી. પણ જેમના પતિ હયાત હતા-જેઓ માંદા હતા કે લડાઈમાં ગએલા હતા તે સ્ત્રીઓ પોતાના પતિને મુકીને પોતાને દેશ જવા કબુલ નહોતી થતી.
મિસ નાઇટીંગેલે જોયું કે આમાંની ઘણી સ્ત્રીઓ ગૃહસ્થ વર્ગમાંની હતી. તેમને પહેરવાને પુરતાં કપડાં પણ નહોતાં. કારણ કે જેટલાં સાથે આણ્યાં હશે તેટલાં વપરાઈ ચુકયાં હતાં. તાપ તડકામાં તેઓ બુટ અને ટોપી વગર ફરતાં હતાં. ગમે તેવી રીતે તેઓ પોતાનો નિર્વાહ કરતાં હતાં. એક ખુણેથી બીજે ખુણે એમ અનેક વાર રખડયાં પછી છેવટ સરકાર તરફથી તેમને હોસ્પીટલમાંની ત્રણ ચાર અંધારી કોટડીઓ રહેવા મળી. મલાજો પાળવા ખાતર લુગડાંઓ લટકાવીને પડદા કરવા પડતા કેમકે બંધીઆર એારડા તો ક્યાંથી જ લાવે ! ઘાસના ભડકાના પ્રકાશમાં તેઓ જમતાં, માંદાની સારવાર કરતાં અને સુવાવડો પણ તેજ જગ્યાએ થતી. નવેંબર અને ડિસેંબર મહિનામાં જ વીસ બાળકોનો જન્મ થયો હતો અને શીયાળામાં બીજાં ઘણાં જન્મ્યાં હતાં.
મિસ નાઇટીંગેલે આવીને તેમને પુરતાં વસ્ત્ર આપ્યાં, અને પોતાના ખાનગી ભંડોળમાંથી તેમને ખોરાક આપ્યો. જે નવાં છોકરાં જન્મતાં તેમની બરાબર સંભાળ લેવા માંડી. બેશક આથી સર્વે દુ:ખી સ્ત્રીઓના મનમાં મિસ નાઇટીંગેલને માટે ગણી જ ઉપકારની વૃતિ થઈ.
જાન્યુઆરી મહિનાની આખરે આ સ્ત્રીઓના રહેઠાણમાં ઝેરી તાવ દાખલ થયો. તેથી તેમને ખસેડવાને મિસ નાઈટીંગેલે ઉપરીને કહ્યું. ત્યાર પછી એક જુદું ભાડાનું ઘર રાખ્યું. તેને મિસ નાઇટીંગેલે પોતાના ખર્ચે સ્વચ્છ કરાવ્યું અને બધા સરસામાન પુરા પાડ્યા. શીયાળો પુરો થયો ત્યાં સુધી સર્વ સ્ત્રીઓને પૈસા, ખોરાક, કપડાં અને સર્વે જરૂરીઆત ચીજો પુરી પાડવામાં આવી, અને વિધવા સ્ત્રીએાને દેશ જતાં કપડાં સીવડાવી આપવામાં આવ્યાં. જે સ્ત્રીઓ કામ કરી શકે એવી હતી તેમને અઠવાડીઆના દસ બાર શીલીંગ આપવાના કરીને ધેાવાના કામ પર રાખી. કેટલીએક આબરૂદાર સ્ત્રીઓ માટે કેાન્સ્ટેટીનોપલમાં સારા કુટુંબમાં નોકરી શેાધી કહાડી. છોકરાંઓ માટે એક નિશાળની પણ શરૂઆત કરી. મિસ નાઇટીંગેલના પ્રયાસથી સ્કયુટેરાઈમાં લગભગ પાંચસો સ્ત્રીઓ દુઃખના સાગરમાંથી ઉગરી. મિસ નાઈટીંગેલે પાછળથી લખાણ કર્યું કે “હવે જ્યારે લશ્કરી કાયદામાં કાંઈ સુધારા દાખલ કરવાનો પ્રસંગ આવે ત્યારે સિપાઈઓની સ્ત્રીએાને ને બાળકોને વિસરશો નહિ.” જયારે મિસ નાઇટીંગેલ સ્ક્યુટેરાઈની હોસ્પીટલમાં મરકી, મૃત્યુ અને બીજાં અનેક અનિવાર્ય સંકટની સામે આટલી હિંમતથી ટક્કર ઝીલતાં હતાં અને ઘમસાણ અને ગુંચવાડામાંથી વ્યવસ્થા લાવવાને પ્રયત્ન કરતાં હતાં ત્યારે ઈંગ્લેંડમાં કેટલાએક નીચ મનના માણસો તેમના ધર્મ સંબંધી મત માટે ટીકા કરે જતા હતા. કેટલાએક કહેતા કે એ તો રોમન કૅથલીક ધર્મનો પ્રચાર કરવા ગયાં છે. કેટલાંએક કહેતાં કે એ તો હવે પ્રૉટેસ્ટંટ રહ્યાં નથી અને એકેશ્વરવાદી (યુનીટેરીઅન) થયાં છે. કેટલાંકે કહ્યું કે એ તો નાસ્તિક જ થઈ ગયાં છે.
દરેક પ્રસંગે મિ. અને મિસીશ સિડની હર્બર્ટ પોતાના મિત્રનો બચાવ કરતાં.
નામદાર મહારાણી વિક્ટોરીઆ અને તેમના ભલા પતિ પ્રિન્સ આલ્બર્ટ પ્રથમથી જ મિસ નાઇટીંગેલના કાર્યમાં હોંસથી ભાગ લેતાં હતાં. અને મિ. સિડની હર્બર્ટ ઉપર નામદાર મહારાણીએ એક પ્રસંગે પત્ર લખ્યો હતો તેથી ફ્લૉરેન્સ નાઇટીંગેલની વિરૂદ્ધ જે ટીકાઓ થતી હતી તે ઘણે અંશે બંધ થઈ. તે પત્ર નીચે પ્રમાણે હતો.
મારા તરફથી મહેરબાની કરીને મિસીસ હર્બર્ટને કહેજો કે મિસ નાઇટીંગેલ તરફથી જે સમાચાર આવે તેનાથી મને વારંવાર વાકેફ કરતાં રહે, કારણ કે સિપાઈઓની લશ્કરની છાવણીમાં શી સ્થિતિ છે, તેની મને વિગતવાર હકીકત મળતી નથી. અને સ્વભાવિક રીતે મને સિપાઈઓ પ્રત્યે લાગણી વધારે છે.
મિસીસ હર્બર્ટને એટલું પણ કહેજો કે તે મિસ નાઇટીંગેલને લખે કે તેઓ સિપાઈઓને કહે કે હું તેમની હીંમત અને બહાદૂરીની કદર બરોબર જાણું છું, અને તેમના સંકટોની દયા પણ મને તેટલી જ છે, રાત દિવસ મને તેમની ચિંતા રહે છે. મારા પતિ પણ તેટલી જ લાગણી ધરાવે છે. મહેરબાની કરીને આટલું લખવા જરૂર મિસીસ હર્બર્ટને કહેજો. કારણ કે હું જાણું છું કે બહાદુર સિપાઈઓને અમારી લાગણીથી બહુજ અસર થશે.
આ નામદાર મહારાણીનો હસ્તલિખિત પત્ર જ મિસીસ હર્બર્ટે મિસ નાઇટીંગેલ તરફ રવાના કર્યો. મિસ નાઇટીંગેલે દરેક કોટડીની અંદર જઈને દર્દીઓની સમક્ષ વંચાવ્યો. અને દરેક વખત 'ઈશ્વર મહારાણીનું રક્ષણ કરો' એવી પ્રાર્થના કરી, અને તેમાં દરેકે ઘણાજ ઊત્સાહથી ભાગ લીધો. પાછળથી આ કાગળના ઉતારા કરીને હોસ્પીટલની ભીંતો ઉપર ચોંટાડવામાં આવ્યા હતા.
જો કે મિસ નાઇટીંગેલની વિરૂદ્ધ હવે ઝાઝી લાગણી રહી નહોતી, તે છતાં મહારાણી સાહેબના પત્રથી તો તેમને ઘણોજ ટેકો મળ્યો. કારણ કે સર્વને માલૂમ પડયું કે મહારાણીજી પણ મિસ નાઇટીંગેલ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે છે અને સર્વ સમાચાર તેમની જ પાસે મંગાવે છે.
જ્યારે ઇ. સ. ૧૮૫૪ ના શીયાળામાં નાતાલની શરૂઆત થઈ ત્યારે બૅરૅક હોસ્પીટલના દર્દીઓ સ્વચ્છ બિછાનામાં સુખ અને સંતુષ્ટ ચિત્તથી સુતેલા માલૂમ પડયા. કારણ કે તેમનાં રહેવાનાં અને ખાવાનાં સાધનમાં ઘણો જ સુધારો થયો હતા. સ્ત્રીઓથી જેટલી બને તેટલી મદદ તેમને કરી હતી. આ સર્વ વ્યવસ્થા ફક્ત બે મહિનાના અરસામાં કુશળ મિસ નાઇટીંગેલે જ કરી હતી.
દર્દીઓને શારીરિક પીડા હતી છતાં તેમનાં ચિત પ્રફુલ્લિત હતાં. મિસ નાઇટીંગેલ અને તેમની નર્સોના આવ્યાથી તેમને ઘણોજ સંતોષ થયો હતો એમ લાગતું હતું. કારણ કે જયારે મહારાણીના રક્ષણ માટે પ્રાર્થના થઈ ત્યારે સર્વે મહારાણીના નામ સાથે મિસ નાઇટીંગેલ અને તેમની ટૂકડીના રક્ષણ માટે પણ પ્રાથના કરી.