બંસરી/ખૂનની કબૂલાત

વિકિસ્રોતમાંથી
← ખૂનની વધુ વિગત બંસરી
ખૂનની કબૂલાત
રમણલાલ દેસાઈ
૧૯૩૧
મારું ઘર →


ખૂનીની કબૂલાત

હું તો મૃત્યુ તણો મુસાફર બની
દોરાઈ જાનાર છું,
એ મીઠો દિન આજથી નજરે
પ્રેમે જોનાર છું.
 કલાપી

‘કેમ, શંકર ! મને ઓળખે છે કે ?’ પાસે આવતા એક નોકરને સંબોધી જ્યોતીન્દ્રે પૂછ્યું.

‘ના.’ ચઢેલે મુખે શંકરે જવાબ આપ્યો. તે કાળો મજબૂત અને ક્રૂર મુખમુદ્રાવાળો માણસ લાગતો હતો.

‘એટલામાં મને ભૂલી ગયો ? ત્રણ દિવસ ઉપર આપણે રાત્રે ક્યાં મળ્યા હતા, યાદ આવે છે ?’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

શંકરે ઝડપથી આાંખની પાંપણો મટમટાવી અને જ્યોતીન્દ્ર તરફ ધારીને જોયું. પછી તે બોલ્યો :

‘ચાર દિવસથી તો હું ઘરની બહાર નીકળ્યો નથી. પછી તમને ક્યાં જોયા હોય ?'

'દિવસની હું વાત નથી કરતો; હું તો રાતની વાત કરું છું. કાલે ઊઠીને તું તો એમ કહીશ કે ગઈ રાત્રે સુરેશભાઈને તેં જોયા જ નથી !’

‘જોયા હોય તો હું શી રીતે ના કહું?' શંકરે જણાવ્યું.

'કેટલા રૂપિયા આપું તો તું ના કહે ? માગી લે, જોઈએ એટલા !’ પછી રહીશ એમ ને એમ.’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

શંકર આ પ્રશ્ર સાંભળી સ્તબ્ધ બની ગયો. જ્યોતીન્દ્રે ખિસ્સામાંથી એક, બે, ત્રણ, ચાર એમ નોટો કાઢવા માંડી. આ જોઈ શંકર માથા ઉપર હાથ ફેરવવા માંડ્યો. રૂપિયા લેવાનું તેને હૃદયમાં કોઈ ભારે ખેંચાણ થતું લાગ્યું. તે કદાચ હાથ લાંબો કરી નોટો લઈ લેત, પરંતુ એકાએક ઘરમાં પોલીસના કેટલાક માણસો દાખલ થયા. કમિશનરને ત્યાં જોયેલા બે હિંદી અમલદારો પણ સાથે આવતા દેખાયા. બંને અમલદારોએ જ્યોતીન્દ્રની સાથે હાથ મેળવ્યો. તેમાંના એક જણે પૂછ્યું :

‘તમે અહીં જ આવવા નીકળ્યા હતા કે શું ?’

‘હા.. પણ હું સહેલે રસ્તે આવ્યો, અને તમારે તો માણસો ભેગાં કરવાનાં હતાં.' જ્યોતિન્દ્રે કહ્યું.

‘હવે સ્થળનો પંચક્યાસ કરવાનો છે. મેજિસ્ટ્રેટ અને પંચો પાછળ આવે છે.’ બીજા અમલદારે કહ્યું.

‘મારે પણ સ્થળ જોવું છે. જ્યોતીન્દ્રે કહ્યું. એટલામાં યુરોપિયન પોશાક પહેરેલા એક હિંદુ મેજિસ્ટ્રેટ તથા ગૃહસ્થ સરખા દેખાતા ચાર માણસો આવ્યા. જે ખંડમાં ખૂન થયું હતું તે ખંડમાં બધા ગયા. ઓરડો બંધ હતો, અને બે પોલીસના માણસો ત્યાં પહેરો ભરતા હતા. મુકુંદપ્રસાદ પણ તે સ્થળે આવ્યા; પરંતુ તેમના મુખ ઉપર આખી દુનિયા માટેનો કંટાળો તરી આવતો હતો. આટલાં બધાં માણસો ભેગાં થયાં હતાં, પરંતુ ખંડ ઉઘાડવાનો મેજિસ્ટ્રેટે હુકમ કર્યો એટલે એકદમ વાતાવરણ શાંત બની ગયું. કોઈ ભારે ગમખ્યાર બનાવ જોવાને હૃદય તૈયાર થતું હોય એમ સઘળાનાં મુખ તંગ બની ગયાં.

ઓરડો ઊઘડ્યો. બારણાં ઉઘાડતાં મૃતદેહને ઓછામાં ઓછી અશાંતિ થાય એવો પ્રયત્ન પોલીસે કર્યો, તોપણ મુકુંદપ્રસાદે મુખ બગાડી દાંત કચડ્યા, અને જરા સરખા અવાજ માટે પણ નાપસંદગી બતાવી.

'આ સ્થળમાં કાંઈ ફેરફાર થયો છે ?’ મેજિસ્ટ્રેટે પૂછ્યું.

‘ના, રે ના. મુકુંદપ્રસાદે જણાવ્યું. ‘અમે કોઈ અંદર આવ્યા જ નથી.’

‘એ બહુ નવાઈ જેવું ! બૂમ પડ્યા પછી તમે કશી તપાસ પણ ન કરી?'

‘એમ નહિ. તમે જરા સમજો. બંસરીની બૂમ સાંભળી કુંજલતા બહાર આવી. તેણે શંકરને અહીં ઊભેલો જોયો. એણે પૂછ્યું : 'અલ્યા શંકર! શું થયું ?' 'મને ખબર નથી. અંદર જતાં બીક લાગે છે; પણ મેં સુરેશભાઈને જતા જોયા.' આમ શંકરે કહ્યું. પછી કુંજલતાએ દીવો ધર્યો અને શંકરને અંદર જોવા માટે કહ્યું. શંકરે અને કુંજલતાએ ગભરાતાં ગભરાતાં અંદર જોયું. ઓરડામાં કોઈ હતું નહિ, પણ એક મોટી કટાર પડેલી દેખાઈ અને જાજમ ઉપર લોહીના ડાઘા દેખાયા, એટલે એ બંને જણે અમને જગાડ્યાં. અમે પણ આવીને બારણાં આગળ ઊભાં રહીને અંદર જોયું અને પાછા વળી પોલીસને ટેલિફોનથી બધી ખબર આપી. તત્કાળ પોલીસના બે માણસોએ આવી આ ઓરડાનું બારણું બંધ કરી પહેરો શરૂ કર્યો. તે હજી એમનો એમ છે.' મુકુંદપ્રસાદે હકીકત કહી. પોલીસ અમલદારો, મેજિસ્ટ્રેટ, મુકુંદપ્રસાદ તથા જ્યોતીન્દ્ર અને પંચના ગૃહસ્થો ઓરડાની અંદર ગયા. મોટો ઓરડો પુસ્તકો તથા ફર્નિચરથી ભરેલો હતો. કાચનો દીવો ફૂટી ગયેલો. તેના કટકા વેરણછેરણ ચારે પાસ પડ્યા હતા. એક લોહીથી ખરડાયેલી છરી પડેલી હતી. જાજમો ઉપર પુષ્કળ લોહી રેડાયેલું દેખાયું એટલું જ નહિ, પણ લોહીના છાંટા આસપાસ ઊડેલા જણાયા. તે ઓરડાની બીજી બારી સુધી પડેલા હતા. બારી ઉઘાડી હતી; બારીના કઠેરાનો એક લાકડાનો સળિયો ભાંગી ગયેલો હતો. નીચે પથ્થરનો ચોક અને તેની આગળ બગીચો આવેલો હતો. સ્થળનું તેમ જ સ્થળમાં પડેલી વસ્તુઓનું વર્ણન પંચોએ યથાસ્થિત લખાવ્યું. બારી આગળ જાજમ ખસી ગઈ હોય અને ત્યાં કાંઈ ઝપાઝપી થઈ હોય એવો પણ દેખાવ હોવાનો પંચોને ભાસ થયો. નજીકમાં એક હાથરૂમાલ લોહીના ડાઘાવાળો અને કાગળના ટુકડા પડ્યા હતા. પંચો એ કાગળના અક્ષરો ઓળખતા ન હતા. એવું એમણે લખાવ્યું.

તે જ વખતે જ્યોતીન્દ્રે કહ્યું :

‘એ કાગળ, એના અક્ષરો અને પેલો રૂમાલ સુરેશનાં જ છે.’

જ્યોતીન્દ્રે કાંઈ તે બધું હાથમાં લઈ જોયું ન હતું; દૂરથી જ સૂચવ્યું. તથાપિ મેજિસ્ટ્રેટે પૂછ્યું :

‘શા ઉપરથી કહો છો ?’

‘હું ખરું કહું છું. કુંજલતાએ બંસરીની ચીસનો છેલ્લો શબ્દ “સુરેશ” એવો સાંભળ્યો, શંકરે સુરેશને જતાં જોયો. એટલે મારી ખાતરી છે કે આ રૂમાલ અને કાગળ પણ તેના જ હોવા જોઈએ. એ અહીં હાજર છે એટલે પંચો રૂબરૂ તેની ખાતરી કરાવી લઈએ.’ જ્યોતીન્દ્રે કહ્યું.

મારો મિત્ર મારો જ દુશ્મન છે એવી હવે મને સંપૂર્ણ ખાતરી થઈ. મને તેના વર્તન વિષે માત્ર શક હતો તે હવે પૂરી રીતે ખરો પડ્યો. હવે બીજો શો પુરાવો બાકી હતો ? પંચોએ અને મેજિસ્ટ્રેટે મને રૂમાલ તથા કાગળ બંને બતાવ્યા. એ બંને મારા જ હતા એમ કહ્યા વગર ચાલે એમ હતું જ નહિ. છરી મારી નહોતી એમ મેં કહ્યું તે પંચોએ લખ્યું, પરંતુ તે મારી નહિ હોય એમ માનવા કોઈ તત્પર થયું નહિ. કાગળના ટુકડા ગોઠવતાં તે પૂરો વંચાય એવો રહ્યો નહોતો. કોઈ અસંબદ્ધ શબ્દરચના તેમાંથી નીકળી આવી, પરંતુ તેમાં નીચેના શબ્દો ઉપર સહુનું ધ્યાન ખેંચાયું.

‘કફન વીણ લાશ...જલ્લાદની તલવાર...ખૂની...હાથ...ખતમ થઈ જા ખંજર...' આ બધી ડાકુ કે બહારવટિયાની શબ્દાવલિમાં કલાપીની એક કવિતા છુપાઈ રહેલી છે એમ હું આ ક્ષણે કહેવા જાઉં તો કોણ માને ?

અધૂરામાં પૂરું એક દોરડું તથા નિસરણી પણ ચોકમાં પડ્યાં હતાં. તેનો પણ પંચક્યાસમાં ઉલ્લેખ થયો. મેજિસ્ટ્રેટે પંચોથી વધારે ખાતરી કરાવી લઈ પંચક્યાસમાં ઉમેરાવ્યું કે દોરડા તથા નિસરણીની મદદ વડે આ ખંડમાંથી ચોકમાં સરળતાથી ઊતરી શકાય એમ હતું. એટલું જ નહિ, પરંતુ કોઈ હલકો ભાર લઈ ઊતરવું હોય તો તે મુશ્કેલ નહોતું. બંસરી ઘણી નાજુક હલકી હતી; તેને જોતાં મને પારિજાતક કે જાઈજૂઈનાં ફૂલ યાદ આવતાં. યુવતીને લઈને કોઈ મજબૂત માણસ ઊતરી શકે કે નહિ, એમ પૂછતાં પંચોએ મારા શરીર તરફ દૃષ્ટિ કરી ચોખ્ખી હા પાડી.

હવે મારે માટે શું બાકી હતું ? પુરાવાની સઘળી સંકલના મને જ ગુનેગાર ઠરાવ્યે જતી હતી.

પંચક્યાસ પૂરો થયો એટલે પોલીસે પુરાવામાં જરૂરની થઈ પડે એ ચીજો પોતાને હસ્તક લઈ લીધી. સહુએ જવા માંડ્યું. ઘરમાં રુદન શરૂ થઈ ગયું. જ્યોતીન્દ્રે બેમાંથી એક પોલીસ અમલદારને કહ્યું :

‘હિંમતસિંહ ! સાંજે જરા મળજો ને !’

'હા,જી.'

‘સાથે કંચનલાલને પણ લાવજો.'

‘ઠીક.'

કહી પોલીસના માણસો ચાલ્યા ગયા. હિંમતસિંહ તથા કંચનલાલ બંને બાહોશ પોલીસ અમલદાર તરીકે ગણાતા હતા અને તેમની કુનેહને લીધે તેમને પોલીસખાતામાં ભારે પગારના જવાબદારીવાળા હોદ્દા ઉપર નીમ્યા હતા. હું નસીબને આધીન થતો ચાલ્યો. મનમાં બળ રહ્યું નહોતું; વિચાર પણ બળહીન થતા ચાલ્યા. જ્યોતીન્દ્રને માટે મારો તિરસ્કાર વધ્યો જતો હતો. પરંતુ તેની સાથે રહેવાથી હું પોલીસનો બંદીવાન થતો અટક્યો હતો. એટલો મને ખ્યાલ હતો. જ્યોતીન્દ્ર અને હું નીચે મોટરમાં બેઠા. પરંતુ મોટર ત્યાં આગળથી ચાલતી નહોતી. શૉફર બહુ પ્રયત્ન કરતો તથાપિ ઘરઘરઘર અવાજ કરી એક હાથ આગળ કે પાછળ જઈ મોટર બંધ પડી જતી. આજુબાજુએ થોડા લોકોનું ટોળું હતું તે ઓછું થયું નહિ. ચાર માણસો જાય અને ચાર માણસો આવે, મને બહુ કંટાળો આવ્યો. પગે ચાલીને જવાની ઇચ્છા મેં દર્શાવી. પરંતુ જ્યોતીન્દ્ર ત્યાંથી ખસ્યો નહિ. મોટર ન ચાલવાથી સામાન્ય રીતે કંટાળો આવવો જોઈએ તે પણ તેને આવતો લાગ્યો નહિ, હસતે મોંએ તે લોકોના ટોળા ભણી જોયા કરતો, અને શૉફરને ધીરજ આપતો કે 'હરકત નહિ. ધીમે ધીમે ચલાવાશે.'

ટોળું જોઈને બંસરીના બંગલામાંનો કોઈ માણસ બહાર નીકળ્યો હશે તેને જ્યોતીન્દ્રે ઓળખ્યો, અને પાસે બોલાવી કહ્યું :

‘પેલા શંકરને પાણીનો એક ઘડો લઈને મોકલજે. એન્જિન બહુ ગરમ થઈ ગયું છે.’

એટલું કહી તેના હાથમાં તેણે રૂપિયો મૂકી દીધો. નોકરે ખુશ થઈ જણાવ્યું :

‘અરે, એમાં શંકરનું શું કામ છે ? હું જ ઘડો લઈ આવું.’

‘નહિ નહિ, શંકરને જ મોકલ. એને મોટર ચલાવતાં પણ આવડે છે.’ જ્યોતીન્દ્રે કહ્યું.

'તે એને મોકલું; પણ હજી શંકરને મોટર ચલાવતાં ભાળ્યો નથી. એટલું કહી નોકર અંદર ગયો. જરા વારમાં એક ઘડો પાણીનો લઈ શંકર બહાર આવ્યો, અને મોટરની પાસે આવી ઊભો. જ્યોતીન્દ્રે કાંઈ ઇશારત કરી એટલે શૉફર આજુબાજુ ભેગા થયેલા લોકોને દૂર કર્યા, અને ઘડામાંથી પાણી લઈ એન્જિનમાં ઉમેર્યું.

જ્યોતીન્દ્રે દરમિયાન શંકરને પાસે બોલાવ્યો અને પૂછ્યું : 'તને મોટર ચલાવતાં આવડે છે, ખરું ?’

'ના ભાઈ !'

‘પછી પેલી વાત યાદ છે ને ?’

'શી ?'

‘સુરેશનું નામ તારે દેવું જ નહિ. શું લઈશ ? બોલ.' કહી પછી જ્યોતીન્દ્રે ખિસ્સામાંથી નોટો કાઢી. શંકાની ઝીણી આંખો ચારે પાસ ફરી, જાણે કોઈની શોધ શંકર કરતો હોય એમ લાગ્યું. જ્યોતીન્દ્રે નોટોવાળો હાથ શંકર તરફ લંબાવ્યો. પાસે કોઈ હવે હતું નહિ. શંકરે પછી ખાતરી કરી જેવો પોતાનો હાથ લાંબો કર્યો તેવો જ તેણે તે પાછો ખેંચી લીધો. એક જણ મોટરની પાછળથી નીકળી આવ્યો અને શંકરને વાંસે હાથ લગાડી જરા ગુસ્સામાં બોલી ઊઠ્યો :

‘શંકર ! ઘરમાં કામ નથી ? આ વખતે બધાંને નવડાવવાં મૂકી અહીં શું કરે છે ?’

શંકર નોટો લેવાનું ભૂલી જઈ એકદમ ઘડો લઈ બંગલામાં ચાલ્યો ગયો. પેલો માણસ ઉપર શૉફર એકદમ તૂટી પડ્યો, અને બંને વચ્ચે ઝપાઝપી થઈ. જ્યોતીન્દ્રે બૂમ મારી :

‘અરે કેમ લડે છે ? બેવકૂફ ! કોઈ રસ્તે જતા ગૃહસ્થની સાથે આમ થાય ? ચાલ, છોડી દે.’

પેલો શંકરને બોલાવી જનાર માણસ ગૃહસ્થ જેવો લાગતો હતો. જ્યોતીન્દ્રે નીચે ઊતરી એની માફી માગી પૂછ્યું :

‘વાગ્યું તો નથી ને ? આ હાથે શું થયું ?' તેની આંગળી ઉપર પાટો હતો. તેણે કહ્યું 'કાંઈ નહિ. એ તો જરા કાચ વાગ્યો.' કહી ઝડપથી તે ચાલ્યો ગયો.

‘ક્યારનો મોટર પાછળ સંતાયો હતો !' શૉફરે લડવાનું કારણ બતાવ્યું.

જ્યોતીન્દ્ર હસ્યો અને અંદર બેસી ગયો. એટલામાં મારા દુર્બળ મને અનેક તકવિતર્ક કરી એક નિશ્વય કર્યો હતો તે મેં જ્યોતીન્દ્રને કહ્યો :

‘જ્યોતિ ! એક ખરી વાત કહું?'

‘કહે.’

મોટર હવે અટકી નહિ અને ચાલવા માંડી. મેં ધીમેથી કહ્યું :

‘બંસરીનું ખૂન મેં જ કર્યું છે, હો !’