લખાણ પર જાઓ

બંસરી/માનસિક ઘેલછા

વિકિસ્રોતમાંથી
← કોનું ઘર? બંસરી
માનસિક ઘેલછા
રમણલાલ દેસાઈ
૧૯૩૧
આપઘાત →


૧૮
માનસિક ઘેલછા

નથી નથી મુજ તત્વો
વિશ્વથી મેળ લેતાં;
હૃદય મમ ઘડાયું
અન્ય કો વિશ્વ માટે.
કલાપી

હું ખરેખર કેદખાનામાં જ હતો. એની મને પ્રતીતિ થઈ. કેદીનો પોશાક પહેરીને મારે સારુ દૂધ મૂકી જનારનો દેખાવ અને તેના નંબર ઉપરથી મને ઉત્પન્ન થયેલી શંકા બીજાં અનેક કારણોથી દૂઢ થઈ; અને છેવટે વ્રજમંગળાએ જ જણાવ્યું કે આ કેદખાનાનું દવાખાનું છે. એકબે દિવસ તો તેમણે મને જણાવ્યું નહિ, પરંતુ મેં એ પ્રમાણે ખાતરીથી માનવા માંડયું, એટલે તેમણે મારી થયેલી ખાતરીને પુષ્ટિ આપી.

આનો અર્થ એટલો જ કે મારી તબિયત સારી થાય એટલે મારા ઉપર પોલીસ કેસ ચલાવે, મને સાજો કરી ફાંસીને લાકડે લટકાવે ! તો પછી મને મારી બેશુદ્ધિમાં જ મરવા કેમ ન દીધો ?

પરંતુ સુધરેલી રાજ્યવ્યવસ્થા ગુનેગારને સુખે મરવા દેતી નથી. હું ડાળી ઉપરથી પડ્યો, એક પોલીસના માણસે વચ્ચે હાથ ધરી મારા વેગને નરમ પાડી દીધો ન હોત તો હું કદાચ જીવતો પણ રહ્યો ન હોત. પરંતુ તેની આ સહાયને લીધે હું બેભાન થઈને પણ જીવ્યો. પડવાથી મારું શરીર અશક્ત બની ગયું હતું; અને ચોવીસ કલાકની તીવ્ર માનસિક વેદનાએ મનને પણ બેભાન બનાવી દીધું હતું. મને ઊંચકીને પોલીસચોકી ઉપર લઈ જતાં મારી ગંભીર સ્થિતિનું ભાન હિંમતસિંહને થયું. હું આરોપી તો હતો જ; ભયંકર ગુનાનો મારે માથે આરોપ હતો; એટલે કાચા કામના કેદી તરીક કેદખાનું તો મારે માટે ઠરેલું જ હતું પરંતુ હું વચમાં દર્દી બની ગયો એટલે કેદખાનાની સાથે સાથે જ રાખવામાં આવતા દવાખાનામાં મને દાખલ કરી દીધો, ડૉક્ટરને પણ મારી સ્થિતિ ગંભીર લાગી; તેમણે એ બિના હિંમતસિંગને જણાવી; હિંમતસિંગે કમિશનરને ખબર આપ્યા. તેઓ દવાખાને આવી મારી બેભાન સ્થિતિ જોઈ ગયા. જ્યોતીન્દ્રને મારે માટે ઘણી જ લાગણી હતી અને તેને લીધે જ મને અત્યાર સુધી કમિશનરે છૂટો રહેવા દીધો હતો, એટલે તેમણે જ્યોતીન્દ્રને ટેલિફોન ઉપર બોલાવ્યો. પરંતુ એ તો અદ્દશ્ય થઈ ગયો હતો. રાત્રે ગયા પછી એ પાછો ફર્યો જ નથી એવા તેનાં પત્નીએ ખબર આપ્યા એટલે કમિશનરે ખાસ કહ્યું કે મારી સંભાળ માટે કોઈ અંગનું માણસ મૂકવાની જરૂર છે. વ્રજમંગળાએ પોતે જ કેદખાનાના ઔષધાલયમાં આવવાનું કહ્યું અને પોલીસ કમિશનરે તેમને માટે સગવડ કરી આપી, તેમ જ મને એક સારામાં સારો ઓરડો આપ્યો.

હું ત્રણ દિવસ બેભાન રહ્યો ત્યાં સુધી વ્રજમંગળા સતત મારી પાસે જ રહ્યા અને તેમની સારવારને પરિણામે હું જીવતો રહ્યો. ડૉક્ટરે ત્રણ દિવસ સુધી તો મારી આશા મૂકી જ દીધી હતી. પરંતુ જ્યારે મારામાં ભાન આવ્યું. ડૉક્ટરોને અને વ્રજમંગળાને ખાતરી થઈ કે હવે મૃત્યુ પાછું હડસેલાયું છે. મને તેનો આનંદ જરા પણ થયો નહિ. જયોતીન્દ્રને પણ સપડાવનાર ભયંકર કર્મયોગીએ જ મને આ જાળમાં સપડાવ્યો હતો. બંસરીનું ખૂન કરનાર તરીકે હું જ પુરવાર થઈશ, અને પાછો જીવ્યો તો ફાંસીએ ટીંગાઈ મરીશ, એવી મારી હવે ખાતરી થઈ ગઈ. એ ખાતરી થતાં મારા સાજા થવાનો આનંદ ક્યાં રહી શકે ?

મને ન સમજાયું એટલું જ કે મારે માથે બંસરીના ખૂનનો આરોપ લાવવાનો હેતુ શો હશે ? મેં કોઈકનું એટલું બધું બૂરું કર્યું નહોતું કે જેથી મારે માથે દુશ્મનો ઊભા થાય. બંસરીએ કોઈને એવું કશું જ કારણ આપ્યું નહોતું કે જેથી કોઈ તેનું ખૂન કરવા ઉશ્કેરાય. મારી સાથે તેનું લગ્ન કરવાનું છે એ વાત લાંબા વખતથી જાણીતી થઈ ગયેલી હતી; લગ્નનો પ્રસંગ લંબાવવાનો આગ્રહ પણ મારો જ હતો. પછી આવી રીતે બંસરીનું ખૂન થાય જ શી રીતે ? અને કદાચ તેમ થયું તો તેમાં મારું નામ શા માટે આવે?

પહેલે દિવસે તો જ્યોતીન્દ્ર સાથે હતો; જ્યારે એ સાથે નહોતો ત્યારે શરીરમાં બળ હતું. પરંતુ હવે ? માથે આવેલા આરોપને ઘણી રીસ સાથે દૂર કરવા હું મથ્યો અને ચોવીસ કલાકના અનેક વિચિત્ર અનુભવો કરી, છેવટે અશક્ત બની હું કેદી થયો અને કેદીઓના દવાખાનામાં પડ્યો. મારું મન તદ્દન નરમ બની ગયું. શરીરમાં તો જોર હતું જ નહિ; એટલે માત્ર મારી આ સ્થિતિ થવાનાં કારણોની કલ્પના કર્યા કરી હું સમય ગાળતો. એક્કે વિચાર, એક્કે કલ્પના મારી ગૂંચવણનો સંતોષકારક ઉકેલ કરી શકતા નહિ.

હું રોજ જ્યોતીન્દ્રની ખબર પૂછતો પરંતુ જરા દિલગીરી બતાવી વ્રજમંગળા પોતાને કશી માહિતી ન હોવાનું જણાવતાં. મારી તો ખાતરી જ થઈ ગઈ કે જ્યોતીન્દ્ર છત સાથે કચડાઈ ગયો છે. અને ખબર પૂછવાનું કારણ મુખ્ય તો એ જ કે મારી ભીતિ ખરી પડે છે એવો ભય રહ્યા જ કરતો. મને ભાન આવ્યા પછી મારી તંદુરસ્તી સારી રીતે સુધરતી ચાલી. પેલા ચીડિયા ડૉક્ટર સાહેબ પણ મારી સાથે જરા વાતો કરવા લાગ્યા હતા. હવે વ્રજમંગળા રાતદિવસ મારી પાસે રહેતાં નહોતાં, આખો દિવસ મારી સારવારમાં રહી રાત્રે તેઓ પોતાને ઘેર ચાલ્યાં જતાં. એકબે વખત પોલીસ કમિશનર પણ મને જોવા આવી ગયા.

હું મારા ઓરડામાં જરા જરા ફરવા લાગ્યો. નાનું બાળક પગ માંડતાં શીખે અને જે મુશ્કેલીઓ અનુભવે તે જ મુશ્કેલીઓ હું અનુભવતો હતો. પગ સ્થિર રહે જ નહિ, કેદી પરિચારકોના હાથ અને ખભાનો ટેકો લેવો પડે, અને કવચિત્ ખાટલાને ઝાલીને ફરવું પડે. હું જાણતો હતો કે સાજા, થઈને પણ પરિણામ તો કેસને અંતે મોતમાં જ આવવાનું હતું. પરંતુ જીવન એક એવી મોહિની છે કે છેલ્લી ક્ષણે પણ તેના ભણી લોલુપતાભરી નજર પડે જ.

આમ એક અઠવાડિયું વીતી ગયું હશે. એક દિવસ સવારમાં નિત્યક્રમ પ્રમાણે વ્રજમંગળા આવ્યાં, તેમની સાથે હિંમતસિંગ પણ હતા. તેમના મુખ ઉપર ચિંતાની ઊંડી છાપ પડેલી મારા જોવામાં આવી. મને પણ તેમનું મુખ જોઈ એકદમ જ્યોતીન્દ્ર માટે ચિંતા ઉદ્દભવી. મેં એકાએક પૂછ્યુઃ

‘જ્યોતીન્દ્રના કાંઈ ખબર ?’

વ્રજમંગળાએ તેમની ચિંતાગ્રસ્ત આંખો બરાબર મારા તરફ ફેરવી. આંસુથી આંખો ભરાઈ ગયેલી મને દેખાઈ. મને ધ્રાસ્કો પડ્યો. જ્યોતીન્દ્ર કચરાઈ ગયાની બાતમી ચોક્કસ મળી હશે કે શું ?

જરા રહી હૂસકું ખાઈ તેમણે પૂછ્યું :

‘તમને કશા ખબર નથી ?’

મને કશા ખબર હતા કે નહિ ? હું શું કહું? મને જે ખબર હતા તે મેં કહ્યા હોત તો જ્યોતીન્દ્રની આશા પણ કોણ રાખત ? પરંતુ મેં કહ્યું હોત તે કોઈએ માન્યું હોત. ખરું ? મેં હિંમતસિંગને અને પોલીસના માણસોને વીનવી વીનવીને નહોતું કહ્યું કે જ્યોતીન્દ્ર થોડી ક્ષણોમાં કચરાઈ જશે ? તેમણે કોઈ મારું કથન માન્યું નહોતું એટલું જ નહિ, પણ મને એક ગાંડા ખૂની તરીકે ગણી કાઢ્યો હતો.' જરા ગૂંચવાઈને મેં જવાબ આપ્યો :

‘ના, મને કશા જ ખબર નથી.' 'તમે એમની સામે રિવોલ્વર ધરી હતી ?’

શિવનાથ વકીલની સાથે બંગલો જોવા હું ગયો હતો તે પ્રસંગ મને યાદ આવ્યો. બંસરીનો ખૂની તો હું ગણાતો જ હતો; તેમાં શિવનાથનું ખૂન કરવાની મેં કોશિશ કરી એવા હિંમતસિંગના સૂચનને હસતે હસતે જ્યોતીન્દ્રે ટેકો આપ્યો હતો. તે પ્રસંગે મને એવો ગુસ્સે ચડ્યો હતો કે મેં ભાન ભૂલી જ્યોતીન્દ્રની સામે રિવૉલ્વર તાકી હતી. હું શી રીતે ના પાડી શકું? છતાં મેં કહ્યું :

'તમને કોણે કહ્યું ?'

'હિંમતસિંગે.'

'હિંમતસિંગને કશી સમજ નથી. એક દિવસમાં જે જે પ્રસંગો બન્યા તેનો તેમને ખ્યાલ હોય તો તેઓ આવી વાત કરે જ નહિ !'

‘તો શું હું ખોટું બોલું છું?' હિંમતસિંગે મને જરા ધમકાવી પૂછ્યું

'રિવૉલ્વર તાકી એટલે રિવૉલ્વર મારી એવો અર્થ થતો હશે ?' મેં પૂછ્યું.

‘હું તો કહેતો નથી.’ પછી વ્રજમંગળા તરફ ફરી તેણે કહ્યું : ‘જુઓ, મેં શું કહ્યું હતું ?'

એટલામાં ડૉક્ટર આવ્યા. તેઓ પણ હિંમતસિંગની પાસે ઊભા રહી મારી સામે તાકીતાકીને જોવા લાગ્યા.

હિંમતસિંગે કહ્યું :

‘હવે હું બીજી વાત પૂછું છું. તમે છેલ્લા પકડાયા. તે વખતે ઝાડ ઉપર બેસી જાળીમાંથી તમે રિવૉલ્વર તાકતા હતા કે નહિ ?

‘હા.’ મેં જવાબ આપ્યો.

‘અંદર કોણ હતું ?’

'મેં તમને કહ્યું જ હતું કે અંદર કોણ છે. મને પકડવાની ઈંતેજારીમાં તમે એક ભયંકર ગુનો તમારી હાજરી તળે થવા દીધો છે એ તો હું કદી ભૂલીશ નહિ.' મેં જરા ગુસ્સે થઈ કહ્યું.

'પણ એ ગુનો તમે જ કરતા હતા કે બીજું કોઈ ?' હિંમતસિંગ બોલ્યા. મારી આંખમાંથી ઝનૂન વરસી રહ્યું. ડૉક્ટરે ધારીધારીને મારી સામે જોવા માંડ્યું. બેસમજ એકમાર્ગી પોલીસ અમલદારને શું કહેવું એની મને સમજ ન પડવાથી હું પોકારી ઊઠ્યો :

‘હા, હા, ગુનો હું જ કરતો હતો. તમારાથી થાય તે કરી લેજો !’

'ઠીક; અને અંદર જ્યોતીન્દ્ર હતો કે નહિ ?’ હું આ પ્રશ્નની અંદર સમાયેલો અર્થ સહન કરી શક્યો નહિ. મારું શરીર અને મન અસ્વસ્થ હતું જ, તે આવા ગર્ભિત આક્ષેપોથી હજારગણું અસ્વસ્થ બની ગયું. ક્રોધથી હું કંપવા લાગ્યો અને મોટેથી બૂમ મારી ઊઠ્યો:

‘એટલે જ્યોતીન્દ્રનું ખૂન પણ મેં કર્યું છે એમ તમારે કહેવડાવવું છે, ખરું ને ? જાઓ. મેં બધાંનું કર્યું છે અને હજી તમારાં અને બીજા કંઈકનાં ખૂન કરવાનો છું ! બસ ?’

ડૉક્ટરે અને હિંમતસિંગે ફરી એકબીજાની સામે જોયું અને વ્રજમંગળાની તરફ તેઓ ફર્યા. તે તો આાંખે રૂમાલ દાબી રહ્યાં હતાં. મારા જીવને આ પ્રસંગે જેવો ક્લેશ થયો તેવો ક્લેશ કદી પણ થયો નથી. મારી તરફ ખૂની તરીકે જ તેમની હવે દૃષ્ટિ પડતી હશે ? હું શું કરું ? ક્યાં જાઉં ? કોને મારા મનનું દુઃખ કહું? કોઈનું પણ ખૂન મેં કર્યું નહોતું ને છતાં મારે માથે વારાફરતી આરોપો આવ્યો જ જાય છે !

મેં મારા કપાળે હાથ પછાડ્યો અને હતાશ થઈ હું ખાટલામાં પડ્યો. ડૉક્ટર અને હિંમતસિંગ પાછા ફરવા લાગ્યા. પરંતુ વ્રજમંગળા ત્યાં ને ત્યાં જ ઊભાં રહ્યાં.

હિંમતસિંગે કહ્યું :

‘આપ ચાલો, એની પાસે બહુ ઊભાં રહેશો નહિ.’

એટલે એમ કે હું ગાંડો ખૂની પાછો વ્રજમંગળાનું ખૂન કરીશ ! કેવો હૃદય ભેદક આક્ષેપ ?

‘મંગળાબહેન !’ મેં કહ્યું, ‘કોઈનું કશું જ સાચું માનશો નહિ. મારી આશાના સોગન જો મેં કોઈનું પણ ખૂન કર્યું હોય તો !’

હિંમતસિંગે અશ્રદ્ધાભર્યું હાસ્ય કર્યું. તેના હસતા મુખ ઉપર એક તમાચો મારવાનું મને મન થયું. એ મારું મન ડૉક્ટરે તેમ જ હિંમતસિંગે પારખ્ય હોય તે પ્રમાણે બંનેએ એકબીજાની સામે જોયું અને ડૉક્ટરે કહ્યું :

‘તમે કહો છો તેમ જ છે. કોઈ જાતનો mania - ઘેલછા તો છે જ.’

દર્દીની સમક્ષ દર્દીનો રોગ અને તેની ભયંકરતા ખુલ્લા દિલથી પ્રગટ કરનાર વૈદ-ડૉક્ટરો એક ભયંકર ગુનો કરે છે એમ હું માનતો. પરંતુ આવી રીતે નિષ્ઠુરતા દર્શાવ્યાથી દર્દીના ઉપર શી અસર થતી હશે તેનો મને અત્યારે અનુભવ થયો. મને એક વખત તો લાગ્યું જ કે મારું મન ખસી ગયેલું જ હશે ! મને એમ પણ લાગ્યું કે મને ખબર ન પડે એવી કોઈ બેભાન અવસ્થામાં મેં આરોપ મુકાયલાં ખૂનો ખરેખર કર્યા તો નહિ હોય ?