બાપુનાં પારણાં/બાપુનો બરડો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ખમા ! ખમા ! લખ વાર બાપુનાં પારણાં
બાપુનો બરડો
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
પરાજિતનું ગાન →


બાપુનો બરડો


('૪૦ની ગાંધીજયંતિ ટાણે મહાત્માજી વાઈસરોયની મુલાકાતમાંથી શૂન્ય હાથે પાછા ફર્યાં તે પ્રસંગે, પાછળની તસ્વીર ઓચીંતી નજરે પડતાં રચ્યું.)
–અંજનિ–

આ માણસને બોખે મુખડે
માંડ્યા છે લાખો મૂરખડે
કેમેરા ; ને કૈં કૈં રખડે
પેન્સીલ-કાગળ લૈ.

એ લાખોમાં એક જ ડાહ્યો, ૫
ચહેરાની છબીઓથી કાયો,
મુખ મેલીને જઈ મંડાયો
ઘરડે આ બરડે.

લાગણીઓ લહેરાય કલેજે,
બુદ્ધિખેલ રમાતા ભેજે, ૧૦
પણ ઓ ભાઈ કલાધર ! કે'જે
શીદ મોહ્યો બરડે ?

બરડામાં બંકી ન છટા છે,
માંસલતા કેરી ન ઘટા છે,

ગડગૂમડ ભાઠાં ચાઠાં છે ૧૫
ઝરડાયલ બરડે.

નહોતું જે મુખને મરકલડે
એવું શું દીઠું તે બરડે
કે બીજા પણ કાંડાં કરડે
ચીતરવા બરડો ! ૨૦

મારી એ સમસ્યાનો ખાસો
આાજ અચાનક જડે ખુલાસો,
વણજીભે બોલન્તો વાંસો
સમસ્યા સમજાવે.

ક્હે બરડો, “બાપુની લૂલી ! ૨૦
લોકપ્રશંસાએ મત્યભૂલી !
વિશ્વવશીકર ઓ વાંસલડી !
થાકી જીભલડી !

ને ગાંધીના મુખ-મરકલડા !
અસંખ્ય ઉપમાના લાડકડા ! ૩૦
તારાં નખરાં થૈ ગ્યાં ઠરડાં,
વખાણ-બગડેલી !

સંકેલી લો કળા તમારી,
વારી આવી પહોંચી મારી,
હું કાળો કુબડો, પણ કારી
ફાવે બસ મારી. ૩૫

કાકલુદી ને કાલાવાલા
તમે કરી રહિયાં નખરાળાં !
હું નવ જાણું એ કૈં ચાળા,
હું રીઢો બરડો. ૪૦

આવડતો એક જ એકડલો,
આખર ક્યમ થઈ જવું ઠરડો,
નિર્મમ, નિશ્ચલ, કાળો, કરડો
હું નાનો બરડો.' ૪૪