બીરબલ અને બાદશાહ/કીયા ન હોતો કર દેખો ?

વિકિસ્રોતમાંથી
← કાં પુતળું બાંધો કાં પુતળાં લો બીરબલ અને બાદશાહ
વગર વિચાર્યું કરનાર પસ્તાય છે
પી. પી. કુન્તનપુરી
ઈનસાફની ખુબી →



વારતા એકસો ચાર
-૦:૦-


કીયા ન હોતો કર દેખો ?
-૦:૦-

એક માલખાઉં ગામમાં હરગોવન કરીને એક મહા ઠગ રહેતો હતો. તે કોઇ વખતે જુગારી બની જુગાર રમાડી પોતાનો શોક પુરો કરતો હતો. જુગાર રમતા ને રમાડતા ભાખરીના વાંધા પડતા તો કોઇ નવીન નીશાની વસ્તુઓ વેહેંચી લોકોને ફસાવી પૈસા હરણ કરતો હતો. પણ તેના મનની મુરાદ પુરી થતી ન હોતી. પોતાની મુરાદ પુરી પાડવા માટે એક સારા ધનવાનને શોધતો હતો. થોડાજ દિવસમાજ તેજ ગામમાંથી મોહન નામનો એક ધનવાન તેના સપાટે ચડી ગયો. પછી જોઈ લીઓ તેની મજા ! એક બાજુ જુગારખાનું ! બીજી બાજુ નીશાનીઓ વહેંચવાનું ખાતું ધમધોકાર ચાલવા લાગ્યું. રાત ને દીવસની કમાણી ઉછળવા લાગી. એટલામાં મોહન મૃત્યુ પામ્યો તે જોઇ હરગોવન ખુશી થયો. તે ગામમાં ધમાશા કાકા કરીને એક માણસ રહેતો હતો તે હરગોવન અને મોહનની બધી વાતો જાણતો હતો. એક દીવસે હરગોવન ગાડીમાં બેસી રસ્તેથી જતો હતો તે જોઇને ધમાશા કાકાએ કહ્યું કે, ' શું હકનો માલ હરામખોરો ખાશે ?' આ સાંભળતાંજ હરગોવીન મનમાં ગભરાયો અને તરત ઘેર આવી તેનો ઘાટ ઘડ્યો. જો આ માણસને લાંબે રસ્તે મોકલાવીશ નહીં તો તે જરૂર મારૂં ભોપાળું ફોડી નાખશે. તે ભોળા સ્ત્રી પુરૂષોને ફસાવવામાં હમેશા ઉન્મદ બનતો. આવો વીચાર કરીને એકદમ દીલ્લીમાં આવ્યો અને અકબરની સમીપ આવી ફરીયાદ કરી કે, ' સરકાર ! ધમશા કાકા કરીને એક રખડતો બીનરોજગારી માણસ અમારા ગામમાં રહે છે તે મારે ઘેર આવી મારી સાથે વાતો કરવા લાગ્યો. આ તેની વાતો ધન કેવી રીતે પ્રાપ્ત કરવું તે સંબંધીની હોવાથી હું તેનો હાથ પકડી મારા ઓરડામાં લ‌ઇ જ‌ઇ ગાદી પર બેઠા. મેં ચા મંગાવી તેને પાઇ; પાન ખવરાવ્યું અને તેની વાતમાં વધારે તેજ લાવવા માટે મે તેને એક સફેત દવા ખવરાવી. જેનો નીશો આવતા તેણે તે વાતને આગળ ન ચલાવતા બંધ કરીને ચાલતો થયો. આ સમે રાતના દસ વાગ્યા હતા. તપાસ કરતાં જણાયું તો પેટી ઉપર રત્ન નથી. તેથી મને ધમાશા કાકા ઉપર શક ગયો, કે રખેને તે ચોરી ગયો હોય ! એમ ધારીને હું તેને ઘેર ગયો તે વખત તે પોતાના ઓરડામાં બેસીને મારૂં રત્ન તપાસતો હતો તે મેં જોયું. તે ઓરડો રસ્તે જતા માણસની નજરે પડે એવો છે.

પછી મેં તેને કહ્યું કે આ રત્ન મારૂં છે, અને તે તમે ચોરેલું છે, માટે મને આપો. નહીં તો હું તમારા ઉપર ફરીઆદ માંડીશ. ત્યારે ધમશાએ કહ્યું કે જાઓ સુખેથી ફરીઆદી કરો. તે વખતે તેના ઓટલા પર બેસીને ચાર જણા મીઠાઇ ખાતા હતા તેમને મારૂં રત્ન બતાવીને સાક્ષી રાખ્યા છે. માટે મહેરબાની કરી ને મારૂં રત્ન રૂ ૫૦૦૦ નું છે તે અગર રૂપીઆ અપાવશો.

જેવો પોતે હતો તેવાજ સાક્ષીઓ હતા. તે ચારે સાક્ષીઓ એકમેકને કહેવા લાગા કે આપણે હવે ચોરી કરવાની કાંઇ જરૂર નથી. દરબારમાં જ‌ઇ સાક્ષી પૂરી આવીશું એટલે આપણા અસલ ભાઇબંધ જે હમણા નવા લીબાસમાં છે તે આપણને રૂ ૫૦૦ આપશે પછી આપણે પણ અસલ જુગારીઓને ઘડીક ઝુકાવશું ! સાક્ષીઓને સમજાવીને હરગોવન પોતાને ઉતારે ગયો.

અંતે સત્યની જય છે. સત્યજ તરે છે. પાપ છાનું રહેતું નથી, છાપરે ચઢીને પોકારે છે. અને તે દુરગંધની વાસ છે. માટે જેમ દુરગંધ લેવા ચહાતું નથી. તોપણ તે સ‌ઉના નાક સુધી જ‌ઇ પહોંચે છે; તેમજ પારકા પાપની વાત જ‌ઇ પહોંચે છે, છાની રહેતી નથી. તો શું બીરબલ જેવો ન્યાયધીશ આ સફેત ઠગની ઠગારી બાજીને ઉઘાડી કરી નહીં નાખે ?

બીરબલે તરત માણસ મોકલીને ધમાશાને બોલાવી મંગાવીને પુછ્યું કે, તમારી ઉપર તમારાજ ગામના રહીશ હરગોવને રત્ન ચોરી જવાનો આરોપ મુક્યો છે. અને તે આરોપ સાબીત કરાવવા માટે તેણે ચાર સાક્ષીઓ રજુ કરેલ છે. તે સાક્ષીઓની મુખ જુબાની ઊપરથી એમ સાબીત થાય છે કે તમે ખરેખર રત્ન ચોરેલું છે. તે રત્ન તમે લીધું નથી એનો કાંઇ પુરાવો તમારી પાશે છે. ધમાશા કાએ કહ્યું કે, ' બીરબલજી ! આ માણસ કેવો છે ! તેના સાક્ષીઓ કેવા છે ! તેનો વીચાર કરીનેજ ન્યાય આપજો. મારો પુરાવો સત્ય છે. તે સત્ય પ્રત્યક્ષ અંહી પ્રકાશી નીકળશે. તે સીવાય મારી પાશે પુરાવો નથી.' તે સાંભળી શાહે કહ્યું કે, ' ન્યાયધીશ સાક્ષીઓની જુબાની ઉપરથી ખરા ખોટાની તુલના કરીને ન્યાય આપે છે. પણ તમે તેના સાક્ષીઓને તોડનારી સાક્ષી રજુ નથી કરી તેથી તેના સાક્ષીઓની જુબાની ઉપરથી તમને અપરાધી ઠેરવવામાં આવે છે.' આ સાંભળી બીરબલે કહ્યું કે, ' હજુર ! ન્યાયધીશોએ જુબાની ઉપર આધાર રાખી ન્યાય આપવાનો નથી. પણ સાક્ષીઓના લક્ષણ ! સાક્ષીઓની રીતભાત ! સાક્ષીઓની બુદ્ધિ ! સાક્ષીઓની જાત ભાત ! સાક્ષીઓનો ધંધો રોજગાર તપાસીને ન્યાય આપવાનો છે. હું આ વખતે એવા અનુમાન ઉપર આવ્યો છું કે જે માણસ જણસ જણસ ચોરી જાય છે, તે ઘરમાં એકદમ હાથ આવે એમ મુકે નહીં. માટે આમાં હરગોવનની કાંઇ ઠગાઇ છે, આ ઠગાઇ પકડી પાડવા માટે ફરીથી સાક્ષીઓને તપાશવાની જરૂર છે.' શાહે કહ્યું કે, ' સાક્ષીઓને બરાબર તપાસવાથી સત્ય શું છે તે તરત જણાયા વગર રહેનાર નથી એમ મારી પણ ખાત્રી થ‌ઇ છે. માટે ફરીથી તપાશ ચલાવો.' શાહનો હુકમ થતાંજ બીરબલે હરગોવન અને ધમશાને એક બાજુએ બેસાડીને પહેલા મોચીને બોલાવીને પુછ્યું કે, ' તું પ્રથમ કહી ગયો છે કે, મેં રત્ન જોયું હતું. પણ તે રંગમાં કેવું અને તે કેટલું મહોટું હતું ? તે કહે.' આ સાંભળતાજ મોચીતો વિચારમાં પડી ગયો, કેમકે રત્ન તો કોઈ દહાડે જોયેલું નહીં. અને પાંચસે રૂપીઆની આશાએ સાહેદી આપવા આવેલો; પણ મનમાં વીચાર કર્યો કે, ' મારો બાપ મને હમેશાં કહ્યા કરતો કે આ વીંગડો સાચવીને વાપરજે, કારણ કે, તે રત્ન જેવો છે.' માટે રત્ન મારા વીંગડા જેવડુંજ હશે. મારો બાપ કંઇ જુઠું બોલે નહીં. એમ ધારીને તેણે જવાબ આપ્યો કે, ' સાહેબ, તે રંગે કાળું અને મારા વીંગડા જેવડું છે.' આ સાંભળી તમામ દરબાર ખડખડ હસી પડી. મોચીને એક બાજુ બેસાડીને દરજીને બોલાવી પુછ્યું કે, બોલ, રત્ન રંગમાં કેવું અને કેવડું હતું.' દરજીએ વીચાર કરી ને કહ્યું કે, ' મારી કાતર જેવું છે.' હજામને બોલાવીને પુછ્યું કે, ' બોલ, રત્ન કેવા રંગનું અને કેવડું હતું.' હજામે પણ બીજાઓની પેઠે તરત કહી દીધું કે, ' મારા અસ્ત્રા જેવડું હતું.' તરત સુતારને બોલાવીને પુછ્યું તો તેણે કહ્યું કે, ' મારા વાંસલા જેવું હતું.' આ બનાવટી સાહેદોની મુખ જુબાની સાંભળીને તમામ દરબાર હસી પડી. પછી બીરબલે આ ચારે જણને ધમકાવીને કહ્યું કે, ' હરામખોરો સાચુ કહો કે તમને ખોટી સહેદી પુરવા આ હરગોવને કાંઈ લાલચ આપવા કહી છે.' આ મુવાલીઓએ તરત ભઠી ફોડી નાખી. બીરબલે તરત હરગોવન તરફ મોં ફેરવી કહ્યું કે, 'તું બડો બદમાસ છે, તારે માટે બહુ અરજીઓ આવી છે. તેની તપાસ કરવા માટે મેં એક ખાસ અમલદાર નિમેલો છે, ધમાસાની તરફ મોં ફેરવીને કહ્યું કે બદમાસ સ્ત્રીઓ માટે તમે જે કહ્યું છે તે અને તે સિવાયનો બીજો કાંઈ પુરાવો હોય તો તે તમારા ગામમાં આવનાર નવા અમલદારને બતાવી, તે અને તમે આ દરબારમાં હાજર થજો.' પાછું મોઢું ફેરવીને બીરબલે કહ્યું કે, 'ખોટી ફરીયાદ કરવા માટે હરગોવનને બસો રૂપીઆનો દંડ કરૂં છું. અને ખોટી જુબાની આપનાર આ ચાર હરામખોરોને આઠ આઠ દીવસની સખ્ત કેદની શીક્ષા કરૂં છું.' બીરબલનો આ ઈનસાફ જોઇ તમામ દરબાર છક થ‌ઇ ગ‌ઇ.

-૦-