બીરબલ અને બાદશાહ/ચારમાંથી ચોર કોણ ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  અમારા બેમાંથી ખાનદાન કોણ ? બીરબલ અને બાદશાહ
ચારમાંથી ચોર કોણ ?
પી. પી. કુન્તનપુરી
ફુલમાં કયું ફુલ મ્હોટું ? →


વારતા ૫૩ મી.
-૦:૦-
ચારમાંથી ચોર કોણ ?
-૦:૦-

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, મંદ મંદ વાયુ ચાલી રહ્યો છે, મેઘ ગર્જના થઇ રહી છે, એવા શાંત સમયે શાહ 'આલમ બાગમાં' તમામ દરબારીઓને બોલાવી બીરબલની સાથે રાજ રંગની વાતો ચલાવી રહ્યો છે. એ સમયનો લાભ લઇ સુંદરી, ગંગા, તારા અને ચંદરી નામની ચાર નાયકાઓ આવી મુજરો કરી ઉભી રહીઓ. અને તે ચારે જણીમાંથી એકે કહ્યું કે, 'ખલેકે ખાવીંદ ! અમે ચારે સગી બેનો થઇએ, અને સાથે રહી ગાયનનો ધંધો કરીએ છીએ. અને જે કાંઇ કમાણી કરીએ છીએ તે પણ ભેગું રાખીએ છીએ. આમ કરતાં કરતાં અમે બે લાખ રુપીઆ પેદા કીધા. આ મોટી રકમ અમારાથી સચવાઈ શકાય એમ ન હોવાથી, તથા તે રકમને બીજાને ત્યાં વ્યાજે મુકવાની હીંમત નહીં ચાલવાથી, અમે તે રકમનું એક રત્ન વેંચાતું લીધું. તે રત્નને એક પટારામાં મુકી તેને જુદી જુદી જાતના ચાર તાળા મારી તેની અકેક ચાવી અમે અકેક જણીઓ રાખીએ છીએ. અને જ્યારે પટારો ઉધાડવો હોય છે ત્યારે ચારે જણીઓ સાથે મળીને ઉઘાડીએ છીએ. હમણાં તપાસ કરતાં રત્ન ગુમ થયેલું જણાયું. હવે તે રત્ન અમારામાંથી કોણ લઇ ગયું તે ખબર નથી. તે રત્ન અમારામાંથી કોઈનું નામ જો છતું ન થાય તો તેને ખચીત મરવું પડે. માટે અમારામાંથી કોઇનું નામ છતું ન થાય, અને અમારૂં રત્ન અમને મળે એવા પ્રકારનો ઇન્સાફ આપવાની મહેરબાની કરશો.' શાહના હુકમથી બીરબલે આ ચારે જણીઓની મુખ જબાની લીધી તો મળતી આવી, પછી તે ચારે જણીઓને પંદર દિવસ સુધી રહેવાનો હુકમ કીધો. અને તેણીઓ દરેકને રહેવા માટે જુદા જુદા ઓરડા આપ્યા. તે એવા કે તેમના ઓરડાની પાછળ જાળીઆં હતાં, અને તે જાળીઆં એવાં હતાં કે તે ઘરમાં શું થાય છે, તે બહારનો માણસ જોઈ શકે, પણ ઘરનો જોઇ શકે નહી.

કાંઇ પણ યુક્તી કીધા વગર રત્નનો પતો લાગનાર નથી. એવો વીચાર કરી બીરબલે પોતાની દાસીને કહ્યું કે, તે ચારે નાયકાને ઉતારે તારે નીત જઇ તેણીઓનો પ્યાર મેળવવો.' દાસીએ તે મુજબ કીધું. પછી ચૌદમા દિવસની રાતે બીરબલ પોતાની દાસી સાથે ગયો. અને દાસીને કહ્યું કે, તે ચારે જણીને તારે એમ કહેવું કે તમારૂં રત્ન મળ્યું છે, તે તમને કાલે આપવામાં આવશે. પછી પા કલાક બેસીને તું તરત ઉઠી નીકળજે.' બીરબલને આમ કરવાનું કારણ એટલુંજ કે, જેની પાસે જે વસ્તુ હોય, અને તેને કહીએ જે બીજી જગાએ મેં તે વસ્તુ જોઇ હતી તો તે માણસ પોતા પાસેની વસ્તુ તપાસવા વગર રહે નહીં. હવે બીરબલની દાસીના કહેવા મુજબ તો ત્રણે જણીઓ ખુશી થઇ પણ ચોથીની આગળ દાસીએ રત્નની વાત કહી, તેથી તેનો ચહેરો તરત ફીકો પડી ગયો, અને મન સાથે વિચાર કરવા લાગી કે, 'રત્ન તો મારી કને છે, અને ત્યાં કેવી રીતે ગયું. જો દાસી જાય તો તપાસી જોઉં.' એવો મનસુબો કરીને દાસીને કહ્યું કે, 'આજતો મને બહુ ઉંઘ આવે છે, માટે સુઇ જઇશ.' એમ કહી દાસીને રજા આપી. આ સમે બીરબલ તે ચંદરીના ઓરડાના પછવાડેના ભાગમાંથી બધી વાત સાંભળતો હતો, અને જોતો હતો. દાસી ગઇ.ચંદરીએ તરતજ ઓરડાનું બારણું બંધ કરી, પેટી ઉઘાડી રત્ન બહાર કાઢી બરાબર તપાસીને પાછું મુકી દીધું. આ જોઇ બીરબલ અને તેની દાસી પોતાને ઘેર ગયાં. પછી તરત તે ચારે જણીઓને કહી મોકલાવ્યું કે, 'શાહને તમારૂં ગાયન સાંભળવાની ઇચ્છા થઇ છે માટે તરત આવવું.' હુકમ થતાંજ આ ચારે જણીઓ આવીને પોતાનું ગાયન સંભળાવી શાહ અને બીરબલને છક કરી નાખ્યા. બીરબલે આ ત્રણેને કેફ વગરની ચાહ પાઇ અને પાનની પટી ખવરાવી. અને ચંદરીને કેફ ચઢે એવી પાઇને ઉપરથી પાનની પટી ખવરાવી બેભાન બનાવી. તે ત્રણેને જુદી ગાડીમાં બેસાડી રવાના કરી. અને ચંદરીની સાથે પોતાની દાસીને મોકલીને કહ્યું કે, 'ચંદરીને ખુબ કેફ ચઢે ત્યારે તેની કમરેથી ચાવી લઇ તેની પેટી ઉઘાડી તેમાંથી રત્ન કાઢી લઇ પેટી પાછી બંધ કરી નાંખી, પછી ચાવી તેની કમરે લટકાવી ઝટ તેના ઓરડાના બારણા બંધ કરીને પાછી તું આવતી રહેજે.' બીરબલના કહેવા મુજબ કરી દાસી તરત પાછી આવીને તે રત્ન બીરબલને આપ્યું. રત્ન હાથમાં આવતાંજ બીજા દિવસના બાર વાગે કચેરીમાં ચારે નાયકાઓને બોલાવીને બીરબલે સર્વની સમક્ષ ડાબલામાંથી રત્ન કાઢીને ટેબલ પર મુકીને કહ્યું કે, 'જુઓ આ રત્ન તમારૂં છે ?' તે બોલીઓ કે, 'હા તે અમારૂં છે.' એટલે બીરબલે તેણીઓને તેમનું રત્ન આપી દીધું. તે લઇને ચારે જણીઓએ ગુપચુપ પોતાનો માર્ગ લીધો. ચારે જણીઓમાં કોઇને દુઃખ ન લાગે, અને કોઇ કોઇને કંઇ કહી ન શકે, અને પોતાના મનમાં સમજી બેસી રહે તેવા પ્રકારનો ઇન્સાફ બીરબલે આપવાથી શાહ સમેત તમામ દરબાર ગર્વ રહીત બની બીરબલની બુદ્ધિને ધન્યવાદ આપવા લાગી.

સાર - કોઇની વાત કોઇ ન જાણી શકે, અને તેની ગયેલી વસ્તુ તેને પાછી મળે. એવી પ્રકારનો તોલ કરી ન્યાય કરનારજ ખરો ન્યાયાધીશ કહેવાય. બાકીના તો કેસુડાના રંગ જેવા સમજવા.


-૦-