બીરબલ અને બાદશાહ/દીકરાની વાત માએ કબુલ રાખી
← અવગુણ ઉપર ગુણ | બીરબલ અને બાદશાહ દીકરાની વાત માએ કબુલ રાખી પી. પી. કુન્તનપુરી |
ઓરમાન ભાઈઓનો ઝઘડો → |
દાન માન શન્માનને, ખાવ પાન વરદાન;
પાત્ર પ્રમાણે હોય તો, શોભા લહે સુજાણ.
એક સમય કોઇ એક પારધી એક પંખીને પકડી તેને સોનેરી અને વીવીધ રંગથી રંગી ખુબ સુરત બનાવી જ્યાં નામદાર અકબર શાહનો પાટવી શાહજાદો કે જે જહાંગીર નામથી પ્રખ્યાત હતો તે પોતાના મીત્રો સહ દરબારગઢમાં ખેલ ખેલતો હતો ત્યાં તે પારધી પંખીને લઇ આવી પોહચ્યો અને અરજ કરી કે "નામદાર ! ઘણા પાહાડ જંગલોમાં રખડી બહુ મહેનતે આ સુંદર પંખી આપ માટે લાવ્યો છું માટે આપ લ્યો અને મહેરબાની કરી મને એક હજાર રૂપીઆ આપીદો તે અરજ સાંભળી સુંદર પંખીને ધારી ધારીને નીહાળ્યું અને શાહજાદાનું મન તે પંખીને માટે લલચાયું તેથી તે પાંજરૂં હાથમાં પકડી પારધીને ત્યાંજ ઉભો રાખી પોતે ખુશી થતો પોતાની દાદી મા અગાડી ગયો અને કહેવા લાગ્યો કે, " દાદી માજી ! આ પંખી કેવું ઉમદું છે ? એક ગરીબ માણસે નજરાણા દાખલ આપ્યું છે માટે તે ગરીબ માણસને એક હજાર રૂપીઆ આપો' આ પ્રમાણે શાહજાદાનું બોલવું સાંભળી હુરમ સાહેબ બોલ્યાં કે " ભાઇ ! હજુ તું બાળક છે માટે બનાવટી ચીજને પણ સાચી સમજે છે. શું આવું સોનેરી પાંખ અને વીચીત્ર મનોહર રંગવાળું પંખી તે કદી પણ દેખ્યું કે સાંભલ્યું હતું ? ભાઇ આપણે રાખવા લાયક નથી, આતો રંગથી રંગીને તને ફોસલાવવા માટે તે પારધી લાવેલ છે, માટે આ પંખી તેને પાછું આપ અને ગુપચુપ ખેલ ખેલો.
જ્યારે ઉપર પ્રમાણે દાદી દીકરાનો સંવાદ થયો ત્યારે ખુદ શાહ અકબર પણ ત્યાં હાજરજ હતો તેથી માતુશ્રીનું ઉક્ત પ્રમાણે બોલવું સાંભળી બોલ્યો કે " માજી સાહેબ ! આ શાહજાદો છે તેથી લોકો એની આશા રાખી ન ફોસલાવે અને ફાયદો ન મેળવે તો પછી બીજી કોની પાસે જઈ પોતાને ફાયદો થાય તેવી ઉમેદ રાખે ? જ્યાં ભરયું સરોવર હશે ત્યાંજ પશુ પંખી અને પંથી આવી તૃષા મટાડી આનંદ લેવાની આશા રાખશે પણ સુકાઇ ગયેલું સરોવર કે જ્યાં સંખલા ઉડતા હશે ત્યાં જવાની કોઇ પણ આશા રાખશેજ નહી માટે આપણી વડાઇ વીચારવીજ જોઇએ તેમ શાહજાદાને તેવાંજ નજરાણાં થવા લાયક છે માટે એક હજાર રૂપીઆ આપી દેવા યોગ્ય છે.' આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી માજી સાહેબે ફરમાવ્યું કે " હજાર રૂપીઆ મારી પેટીમાં નથી પણ સો સોના મ્હોર પડેલી છે માટે તે તેને આપી દો.' એમ કહી પેટી ઉઘાડી સો અસરફીઓ ( સોના મહોરો ) શાહજાદાને આપી અને શાહજાદાએ ઝડપ તે પારધીને તે મહોરો આપી વિદાએ કર્યો.
સાર--બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા જેવો શાહ ઉદાર હતો, તેવોજ જહાંગીર હતો. જહાંગીરની માંગણી દાદીએ સ્વીકારવા ના પાડી, પણ અકબરે પોતાની માતાને સમજાવી કે ગરીબ પ્રજાની હમેશાં રાજકરતાઓએ દાદ સાંભળી તેને તન મન ધનથી રીઝવવી એ રાજ કરતાનો ધર્મ છે. અકબરનાં આ નીતીબોધ વચનો સાંભળી રાજમાતાએ તરત હજારને બદલે અઢારસોની મતા આપી પારધીને રીઝવ્યો. મ્હોટાઓનાં મન સદા મ્હોટાં હોય છે.