બીરબલ અને બાદશાહ/ભમરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← માટીમાંથી નીકળવું અને માટીમાં સમાવું બીરબલ અને બાદશાહ
ભમરો
પી. પી. કુન્તનપુરી
શું આ ધર્મશાળા છે ? →


વારતા એકસો તેવીસમી
-૦:૦-
ભમરો
-૦:૦-

વઇશાખ માસની ગરમી સખ્ત પડવાને લીધે એક દીવસે સાંજને સમે અકબર અને બીરબલ ઠંડી હવા ખાવા માટે બાગમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં બંને જણા કુદરતની અલોકીક લીલાની બલીહારી ગાતા હતા. બગીચામાં અનેક પ્રકારના મનહર સુંદર ફુલના ઝાડો એક બાજુ ફુલથી ઝુલી રહ્યાં હતાં. બીજી બાજુ ફળથી લચી રહેલી દાંખલીઓ છેક જમીન સુધી વાંકી વળી રહી હતી. એટલામાં શાહની નજર ફુલના ઝાડો ઉપર ગંજારવ કરી રહેલા ભમરાઓ ચંપાના ફુલ ઉપર ન બેસતાં બીજી બધી જાતના ફુલો ઉપર બેસતા હતા. જોકે ચંપાની સુગંધ ઘણીજ ખુશબોદાર હોય છે છતાં ભમરાઓ તેની નજદીક કેમ જતા નથી એવું જાણી શાહ અજાયબ પામ્યો. તેથી તેણે તરત પોતાના મનની તે વાત બીરબલને કહી કે, 'એ બીરબલ ! આ ભમરાઓ બધા ફુલોનો રસ ચુસે છે, કમળની અંદર તો એટલા બધા લીન થઇ જાય છે કે, રાતે કમળ બંધ થઇ જાય છે છતાં તેમાંથી બહાર ન નીકળતાં મરણને પસંદ કરે છે. પણ આવા ખુશબોદાર અને સુંદર ચંપા આગળ કેમ જતા નથી ? તેનું કારણ શું ? તે તું જાણે છે ?'

બીરબલ--માલીક ! એનું કારણ અમારા શાસ્ત્રમાંનું છે તેથી તે ઉપર એક કવીએ કવીતા બનાવી છે કેઃ-

ચંપા તુજમેં તીન ગુણ, રૂપ રંગ ઓર બાસ;
એક બડો અવગુણ હે કે, ભમર ન આવત પાસ.

કવી કહે છે કે, ચંપા તારામાં રૂપ, રંગ અને વાસ એ ત્રણે છે છતાં એક મહોટો અવગુણ એ છે કે, ફુલોની સુગંધીનો ભોગી ભમરો તારી પાસે મુદલ આવતો નથી. તેનું કારણ આ પ્રમાણે બીજી કવિતામાં છે કેઃ-

ચંપક વરણી રાધિકા, ઓર ભમર હરીકો દાસ;
ઇસ કારણ આવત નહીં, ભમર ચંપા પાસ.

એટલે કે, રાધા છે તેનો રંગ ચંપાના જેવો છે અને ભમર હરીનો દાસ છે. તેથી ભમરાઓ ચંપાના ફુલ આગળ આવતા નથી. ગરીબ પરવર ! કવીએ આ કારણ કલ્પનાથી બહુ સારૂં શોધી કાઢ્યું છે. પણ ખરૂં પુછાવો તો ચંપાની વાસ તેજ છે તેથી ભમરા તે સહન કરી શકતા નથી તેથી તે ચંપાથી દુર રહે છે.'

બીરબલનો આ ખુલાસો સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-