બીરબલ અને બાદશાહ/ભાટનો દીકરો જન્મથીજ ભાટ
← દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ | બીરબલ અને બાદશાહ ભાટનો દીકરો જન્મથીજ ભાટ પી. પી. કુન્તનપુરી |
સવા ગજની ચાદર → |
થોડા દિવસ પહેલાં શાહ આગળ વાત થઈ હતી કે, ભાટનો દીકરો માતાના ગર્ભમાંજ શીખીને ભાટ થાય છે અને તે ઉપર ગંગ કવીએ સરત પણ કીધી હતી. તે પ્રમાણે ગંગની પુત્રી ગર્ભવતી હતી તેને શાહે પોતાના જનાનામાં રાખી હતી. થોડા દિવસ વીત્યા પછી ગંગની છોકરીને પાલખીમાં બેસાડીને તેને ઘેર મોકલી દીધી અને તેના છોકરાને ત્યાં રાખી તેની સારી રીતે બરદાસ્ત લેવા માંડી. એમ કરતાં તે છોકરો સાત વરસનો થયો. પણ શાહ આ વાત ભૂલીજ ગયો હતો.
એક સામે શાહ મહેલમાં બેઠો હતો તે વખતે બીરબલ, ગંગ વગેરે પાંચ સાત દરબારીઓ આવી ચઢ્યા. ગંગને જોઈ જરા ગમત કરવાના વીચારથી બીરબલે કહ્યું કે, ‘કેમ બારોટજી હવે પેલું પારખું ક્યારે બતાવો છો?’
ગંગ – ખુદાવીંદના હુકમનીજ ખોટી છે.
શાહ – ત્યારે આવતી કાલે જ એ બાબતનું આપણે પારખું જોઈશું.
ગંગ – એમ નહીં, એને માટે તો આઠ દિવસ પહેલાં તૈયારી થવી જોઈએ.
શાહ – તેમ કબુલ છે. આજથી આઠમે દિવસે આપણે એ માટે ઠરાવીએ. બીરબલ બાદશાહી બાગમાં એ માટે મોટો માંડવો નખાવો અને તે દીવસ જાહેર રજા તરીકે પળાવો.
બીરબલે તે માટેના જોઈતા હુકમ અમલદારોને આપી દીધા. આઠમો દિવસ થતાં સહવારના રાજબાગમાં ખૂબ ધામધુમ મચી રહી. લોકો સારાં કપડાં પહેરી ટોળાબંધ ત્યાં જવા નીકળ્યા. એક બાજુ શાહ અને તેના દરબાર માટે ગોઠવણ કરવામાં આવી હતી. બીજી બાજુ જનાના માટે પરદાઓ બાંધી લીધા હતા. તેમાં બાદશાહી જનાનાની સ્ત્રીઓ ઉપરાંત દરબારીઓ તથા શ્રીમંતોની સ્ત્રીઓ આવીને બેઠી હતી. એક તરફ શહેરના અમલદારો માટે બેઠકો હતી. પ્રજાને માટે સઉથી વધારે જગા રાખવામાં આવી હતી ત્યાં લોકો કીડીની પેઠે ઉભરાઈ જતાં હતા. વચ્ચે રાખેલા ચોકમાં અઢાર ભાટોને લઈને ગંગ બેઠો હતો. ગંગની છોકરીનો છોકરો જે સાત વરસનો બાળક હતો તેને લાવીને તેમની સામે બેસાડયો. આ બાળક બાદશાહી જનાનામાં ઉછરી મોટો થયો હતો તેથી તે બધી મુગલાઈ રીત શીખ્યો હતો.
બાદશાહ અને દરબારીઓ આવી બેઠા પછી બાદશાહે ગંગને કહ્યું કે, ‘ ગંગ ! હવે ભાટનો છોકરો જન્મથી જ ભાટ જન્મે છે એ વાત ખરી કે ખોટી, તે હવે પ્રત્યક્ષ પુરાવા રૂપજ થશે.’ ગંગે કહ્યું કે, ‘ હજુર ! આ છોકરાને અમારી નાતના કાંઇ પણ સંસ્કાર થયા નથી. માટે પ્રથમ એના સંસ્કાર કરી અમે અમારી નાતમાં લઈએ તોજ સરસ્વતી દેવી પ્રસન્ન થઈ એની જીભે આવી બેસે.’
શાહ – એમ કરો.
ગંગે તે છોકરાનો સંસ્કાર કરી ભાટનો પોશાક પહેરાવી ચોતરફથી ઘેરી લઈને બધા ભાટો કવિત લલકારવા લાગ્યા. ગંગે સુર્યને નમસ્કાર કરી કહ્યું કે, ‘ હે સુર્યદેવ ! મારા વંશની લાજ રાખજો.’
કવિત લલકારવા પછી ગંગે શાહને કહ્યું કે, ‘ સરકાર ! થોડી સી સુનીયે ?’
સુનારે શાહ અકબ્બર દિલ્યનકો
યેહી હેત પ્રીત ક્રિયા ભાટનકી
એક ચંચલ આંક બસેહે વંશમે,
દેખા ગર્ભમે લડકે પઢ્યનકી;
પરનર પાસ ના રહે પરવસ્ત્રમેં,
દે ખુશબો જાત કલ્યનકી;
કવિ ગંગ કહે યેહી ભાટકો જાયો,
અસલ સ્વરૂપ જાત મન્યનકી.
આમ બોલતાની સાથે જ ગંગે પોતાના વંશની ધ્વજા છટાથી ઠેરવી અને પછી તેનો હાથ પકડી શાહ આગળ લઈ જઈ કહ્યું કે,’ બોલ બેટા તારી મરજીમાં આવે તે.’ આમ કહેતાંની સાથે તેના કંઠમાં માળા અરપણ કીધી.
તેજ ઘડીએ પહેલા સાત વરસના ભાટના છોકરાએ સભા ગજાવી મુકી.
ભાટા કે રંગણ , એક થોરાશા એક થોરાસા;
દો જંજર દે, દો પંજર દે, એક ચાંદીકા એક સોનેકા.
દો બેલ દે, એક તીસકા એક બતીસકા;
દો ઘોડા દે, એક કચ્છકા એક ભુજકા,
દો ઊંટા દે, એક લાહોરકા મુલતાનકા,
દો હાથી દે એક સંગલકા એક દીપકા,
દો મુરગે દે, વો બોલે રાત મુજારકા,
દો પોપટ દે, વો લેવે નામ કીતારકા,
દો કુત્તે દે, વો છોટે છોટે કાન કા,
દો ભાટણી દે, જેસા ફુલ ગુલાબકા,
દો ગઉવા દે, ગોવાલણ ગોવાલ લાલકા,
દો ભેંસા દે, હાંકનવાળા સાથકા,
દો કુનબી દે, વો ખેડે ગારા ભાત કા,
દો પલંગ દે, છત્તર આછા સંગાતકા,
દો ગોલી દે, કામ કરે ઘર સમાલકા,
સાત વરસના આ ભાટના છોકરાની વાણી સાંભળતાજ જોવા આવનારાઓએ શાબાશીના પોકારોથી વધાવી લીધો. આ જોઈ શાહે તરત પોતાના ગળામાંનો હાર કાઢીને તે ભાટ પુત્રને પહેરાવી દીધો. ભેટ સોગાદોનો વરસાદ વરસવા લાગ્યો. જ્યારે પોકારો કરતાં બધા બંધ થયા ત્યારે શાહે બીરબલને કહ્યું કે, ‘બીરબલ ! ગંગનું કહેવું સાચું છે. ભાટનો દીકરો માના પેટમાંથીજ ભાટ જન્મે છે.’ બીરબલે કહ્યું કે, ‘ એમાં જરાએ જૂઠું નથી.’ આમ કહી બીરબલે પોતાની સાલ ગંગને ઓઢાડીને માનથી તેને પાસે બેસાડયો. પછી મેળાવડો હસતો રમતો બરખાસ્ત થયો.
શાહ પણ તે દીવસથી ગંગ ઉપર પ્રસન્ન રહેતો અને તેની છોકરીના છોકરાને વારંવાર પોતાની પાસે બોલાવી, તેની માધુરી વાણી સાંભળી આનંદ પામતો અને તેને મહોટી બક્ષીસો આપતો.