બીરબલ અને બાદશાહ/મને મારો માલ અપાવો
← ખરા નામની ખુબી | બીરબલ અને બાદશાહ મને મારો માલ અપાવો પી. પી. કુન્તનપુરી |
ચાર પહેલવાનોની માંગણી → |
એક સમે શાહ અમીર ઉમરાવોની સાથે દરબાર ભરીને બેઠો હતો. એટલામાં કરશનદાસ નામનો એક કાપડની ફેરી કરનાર ભાટીઓ આવી અરજ કરી કે હજુર ? આ બપોરના બાર વાગેથી કાપડ વેહચવા નીકળ્યો છું, તે બે વાગ્યા સુધીમાં દશ રૂપીઆનો માલ વેહચ્યો છે. બપોરનો સખત તાપ લાગવાથી માણેકચોકમાં આવેલા લીંબડાની છાયા નીચે મારા કાપડની ગાંસડી મારા પડખામાં રાખીને સુઇ ગયો હતો. બે કલાક પછી ઉંઘમાંથી ઉઠ્યો અને જોયું તો ગાંસડી ગુમ થયેલી જણાઇ માટે કરીને તે માલની ગાંસડી લઈ જનારને પકડી, મને મારો માલ અપાવો' આ સાંભળી બીરબલ જે ઠેકાણેથી માલની ગાંસડી ગુમ થઇ હતી, તે ઠેકાણે કાપડની ફેરી કરનાર તથા કેટલાક સીપાઈને લઈને આવ્યો. અને ફેરી કરનારને પુછ્યું કે, 'તમે શી રીતે ગાંસડી મુકી સુતો હતો તે મુજબ સુઇ બતાવ્યું આ જોઇ ઘણા માણસો એકઠા થયા. તે જાણી બીરબલે લીંબડાના થડને પાંચ ફટકા ખેંચી કહાડ્યા અને પોતાનો કાન લીંબડાના થડને અડાડીને જરા ઉભો રહ્યો. આ જોઇ સઘળા માણસો અરસપરસ વાતો કરવા લાગ્યા કે વળી આ શું ! બીરબલ કાંઇ ગાંડો તો થઈ ગયો નથી ને ? કદી ઝાડ તે બોલતું હશે કે તેને કાન દઇને ઉભો છે, આમ પંદર મીનીટ સુધી બીરબલ લીંબડાના થડની સાથે કાન રાખીને કરસનદાસને કહેવા લાગ્યો કે, આ લીંમડાનું ઝાડ એમ કહે છે કે, જેણે ગાંસડી લીધી હશે તેની પાગડી હમણાં સળગી ઉઠશે, જેવો બીરબલ બોલતો બંધ થયો કે કાનજી સુતાર પોતાની પાઘડી તરત તપાસવા લાગ્યો. આ જોઇને બીરબલે તેને ધ્યાનમાં રાખીને મનમાં બોલ્યો કે, ચોર તો તેજ છે, પણ એટલા ઉપરથીજ તેને ચોર ઠેરાવવો એ ઠીક કહેવાય નહીં.' પછી તે ફરતો ફરતો કાનજી પાસે આવીને જોયું તો કાનજીના ડાબા પડખા ઉપર જનાવરની ચરકનો તાજો ડાઘ જોઇઓ. ફરીથી લીંબડાના ઝાડને બે ફટકા ફટકાવીને પાંચ મીનીટ કાન રાખીને બીરબલે કરસનદાસને કહ્યું કે, ' આ ઝાડ એમ કહે છે કે જે કાપડની ગાંસડી લઇ જનારની ઉપર મારા ઉપર જે જનાવરો બેઠાં હતાં, તેમાંથી એકે ડાબી બાજુના પડખા ઉપર ચરક નાંખીને ડાગ પાડેલો છે.' આ વાત સાંભળતાંજ કાનજીના મનમાં સાત પાંચ થવા લાગ્યું. કારણ કે એવો કુદરતી નીયમ છે કે જેના પેટમાં જે બીક હોય, તે તેવુંજ દેખે છે, કાનજી સુતાર એક તો જોણે ચોર, વળી કાપડની ગાંસડી લઇ જતી વખતે જનાવરની ચરક પડેલી એ વાત પણ તેને યાદ આવી. બીરબલે તે શક ઉપરથી કહ્યું. પણ કાનજી સુતારને તો એમ જણાયું કે ઝાડ સઘળી હકીકત બીરબલને કહે છે, પણ તેને ભાગી જવાનો ઇલાજ ન હોવાથી હીંમત રાખીને ઉભો રહ્યો. વળી બીરબલે ઝાડને બે ફટકા મારી બે મીનીટ સુધી કાન રાખી કરસનદાસને કહ્યું કે ' આ લીમડાનું ઝાડ એમ કહે છે કે કાપડની ગાંસડીની ચોરી કરનાર માણસ આ એકઠા થએલા માણસોમાંજ ઉભેલો છે, વળી તેની છાતી ધડકતી હશે, એમ કહીને સીપાઇને હુકમ કર્યો કે, જોવાને મળેલા માણસોમાંથી કોઈ પણ માણસને જવા દેશો નહીં.' બીરબલનો હુકમ સાંભળતાંજ ચોતરફ ફરી વળ્યા. પછી બીરબલ ચોથી વાર લીમડાના ઝાડને ચાબુકથી મારીને બે મીનીટ સુધી ઝાડના થડ સાથે કાન અડાડી રાખીને કરશનદાસને કહ્યું કે, 'આ ઝાડ ચોથી નીશાની એ આપે છે કે જેણે તમારી ગાંસડી ચોરી છે, તે ઇસમે આ સાથે પાંચમી વાર ચોરી કરી છે તે માટે તેને ફાંસી દેવાની છે.' એમ કહી તરત બીરબલે કાનજી સુતારનો હાથ પકડ્યો. તે જોઇ કાનજીએ કહ્યું કે, 'સાહેબ મને ફાંસીએ લટકાવશો નહીં, હું કસમ ખાઇને કહું છું કે આ ચોરી સીવાય મેં બીજી ચોરીઓ કીધી નથી.' પછી કાનજી સુતાર પાસેથી ગાંસડી લઈને બીરબલે કરશનદાસને સોંપી અને કાનજીને શીક્ષા કરી.