બીરબલ અને બાદશાહ/મરતાને બચાવે તે બહાદુર

વિકિસ્રોતમાંથી
← જેવી વાત તેવી રીત બીરબલ અને બાદશાહ
મરતાને બચાવે તે બહાદુર
પી. પી. કુન્તનપુરી
હાનિકારક હાંશી →


વારતા છત્રીસમી
-૦:૦-
મરતાને બચાવે તે બહાદુર
-૦:૦-
ચતુર તણી ચતુરાઈ તે છુપી રહે ન છેક.

એક સમે બાદશાહે લુહારને બોલાવી કહ્યું કે, 'મારે માટે એક મજબુત બખ્તર બનાવી લાવ.' લુહારે પોતાની શક્તી મુજબ ઉંચામાં ઉંચુ બખ્તર બનાવી શાહની પાસે લાવ્યો. શાહે તેની પરીક્ષા કરવા સારૂ જમીન પર મુકી ગોળી મારી તેથી બખ્તર ભાંગી ભુકા થ‌ઇ ગયું. તે જોઈ શાહ રીસે ભરાઇ કહ્યું કે, 'જો આ પ્રમાણે ફરીને બનાવી લાવીશતો તારૂં ગરદન કાપી નાખવામાં આવશે.' રાજાનો આ કરપીણ હુકમ સાંભળતાજ લુહાર કંપવા લાગો. મહેનત ફોકટ ગઈ તેની ચીંતા ન કરતાં હવે શી રીતે કરવું ? મરતાને કોણ બચાવે ? આમ વીચાર કરતો કરતો બીરબલ પાસે જ‌ઇ રડી પડી કહ્યું કે, દુખીયાના દુખમાં ભાગ લેનાર કદરદાન બીરબલ ! મને કોઇ કૃપા કરી એવી એક યુક્તી બતાવો કે જેથી મારી મહેનત સફળ થાય અને મોતથી બચું !' લુહારની દયાજનક કહાણી સાંભળીને બીરબલે કહ્યું કે, બીજુ બખ્તર બનાવી તારા, શરીર પર ધારણ કરી દરબારમાં આવજે, જ્યારે પરીક્ષા કરવા કહે ત્યારે તારે કહેવું કે જમીન પર રાખી બખતરની પરીક્ષા લેવાતી નથી. પણ શરીરે પેહેરી પરીક્ષા લેવાય છેમ, જેથી જણાશે કે શરીરનું કેટલું સંરક્ષણ કરે છે ? માટે હું પહેરીને ઉભો છું. જોઇએ તેટલી ગોળીઓનો પ્રહાર કરી પરીક્ષા લો. આમ કહીશ તો તારૂ કામ સફળ થશે.' બીરબલના કહેવા મુજબ કરી લુહાર દરબારમાં જ‌ઇ શાહને સમજાવ્યો. લુહારનું કહેવું ખરૂં છે ? પણ આ યુક્તી એની નથી ? એમ ધારી શાહે લુહારને પુછતાં જણાયું કે, આ યુક્તી બીરબલની બતાવેલી છે, તેમ જાણી શાહ ખુશી થયો. અને લુહારને ઇનામ આપી વીદાય કીધો.

-૦-