બીરબલ અને બાદશાહ/રંડીયોકા યાર સદા ખુવાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← દુરીજનની દુષ્ટતા બીરબલ અને બાદશાહ
રંડીયોકા યાર સદા ખુવાર
પી. પી. કુન્તનપુરી
શીપાઈ રૂપ શીશી →


વારતા એકસો સત્તરમી
-૦:૦-
રંડીયોકા યાર સદા ખુવાર
-૦:૦-

એક વખત શાહ અને બીરબલ બાગમાં બેસી આનંદની વાતો ચલાવી રહ્યા હતા. વાતપર વાત નીકળતાંજ શાહે બીરબલને પૂછ્યું કે, 'હે બીરબલ ! માણસ પોતાના મન પર કાબુ ન રાખતા વિષય વાસનામાં લપટાઈ જાય છે તે સમે તેને પોતાના શરીરનું પણ ભાન રહેતું નથી; અને તેની સાથે પોતાની તમામ માયા મીલકતનો નાશ કરી નાખે છે.

બીરબલ - સરકાર ! ઇશક આંધળો છે. આસપાસની ચીજો જોઇ શકતો નથી. ઇશ્કને વશ થયેલો માણસ સારા નરસાનો વીચાર કરી શકતો નથી. તેનો એક દાખલો થોડા સમય ઉપર મારા દીઠામાં આવ્યો હતો તે જો આપ રજા આપો તો કહી સંભળાવું.

શાહ-ખુશીની સાથે સંભાળવ.

બીરબલ-સાંભળો ત્યારે સરકાર ! ચંચલ નગરીમાં કરમચંદ કરીને એક ધનાઢ્ય રહેતો હતો, તે પોતાની પાછળ અનેક દોલત જગુ નામનો એક પુત્ર વારસ મુકી ગયો હતો. બાપના મરણ બાદ તેના હાથમાં બધી દોલત આવી એટલે તેણે વેપાર રોજગાર ઉપર ધ્યાન આપવાને બદલે રાંડના નાચ ગાયન અને તમાસા ઉપર મોહીત પડીને બાપના ચાલતા રોજગારને તજી દીધો. સંગ તેવો રંગ તે પ્રમાણે તેણે મીત્ર પણ તેવા મળ્યા હતા. તે રંગમાં ભમતાં ભમતાં તે એક વેશ્યા ઉપર આશક પડ્યો. તે ઈશ્કમાં એવો લીન થઈ ગયો કે, તેના વગર તેને જરા પણ ચહેન પડે નહીં. થોડે થોડે કરીને તેની તમામ માયા મીલકત તે ધુતારી રાંડે હરી લીધી, તે એટલા સુધી કે એક વખતના ખાધા જેટલું પણ તેની પાસે રહ્યું નહીં. તે ધુતારી રાંડે જોયું કે, હવે પાસે રાતી પાઇ પણ રહી નથી તેથી હવે તેને પોતાને ત્યાં રાખવામાં લાભ નથી ત્યારે તેને કાઢી મુકવા માંડ્યો.

શાહુકારની હવે આંખો ઉઘડી, પોતાનું કેવું સત્યાનાશ વળ્યું હતું તે તેણે હવે જ જોયું. તેણે તે ગુણકાને કાલાવાલા કરી કહ્યું કે, ' અરે ! તેં મારી તમામ દોલત અને માયા પુંજી હરી લઈને તું મને કાઢી મુકે છે તો હવે હું ક્યાં જાઉં?'

ગુણકા - તેમાં હું શું કરૂં ? તને ગમે ત્યાં જા.

શાહુકાર - તારા વગર મારે બીજું એકે ઠેકાણું રહ્યું નથી.

ગુણકા - નથી તો જહાનમમાં જા.

શાહુકાર - અરે ! મેં તને આવી દગાબાજ ધારીને મારી દોલત આપી દીધી નથી, પણ તું મને સદા તારી પાસે રાખશે એવું ધારીને આપી દીધી છે તેથી તું મને કાઢી મુકવાને તત્પર થઈ છે.

ગુણકા - વેશ્યા તે કોઈની સગી થતી હશે ? વેશ્યા તો માત્ર એક પૈસાનીજ સગી છે. માટે ચાલ હવે બહુ થયું. અહીંથી જતો રહે.

શાહુકારે તે રાંડના બહુ કાલાવાલા કર્યા ત્યારે તે રાંડે તેને કહ્યું કે, 'જો મારે ત્યાંજ રોટલો ખાઇને પડ્યા રહેવું હોય તો સરત કબુલ કરે તો રાખું.'

શાહુકાર - કહે જોઈએ.

વેશ્યા - હું જ્યાં જાઉં ત્યાં મારા જોડા સંભાળીને તારે બેસવું. આ સરત જો તારે કબુલ હોય તો રોટલો ખાઈને પડી રહેજે.

લાચારીને લીધે સાહુકારે તેની આ શરત કબુલ રાખી. પોતાની આવી હાલતને લીધે તેને વેરાગ ઉત્પન્ન થયો હતો, જે ધણીએ સુખ જોયલું તે આવી હાલતમાં આનંદથી કેમ રહી શકે ? તેનું શરીર બગડતું ગયું, અને તેની સાથે તેના ચહેરાનો રંગ પણ ગયો.

એક દીવસે તે ગાનારી રાંડ આ નગરમાંથી આવી અને કોઈ બીજા શાહુકારને ત્યાં નાચવા ગઈ. તેની સાથે આ શેઠ પણ ગયો. વેશ્યાએ જોડા ઉતાર્યા તે લઈને તે એક બાજુએ બેઠો. પેલા શેઠને ત્યાં મ્હોટા મ્હોટા લોકો હાજર થયા હતા. તબલચીએ તબલા ઉપર થાપ મારી, સારંગીવાળાએ સારંગીના સુર મેલવવા માંડ્યા અને વેશ્યા નાચવા માટે ઉભી થઈ; એટલે આ ભીખારી થઈ ગયેલા શેઠે પોતાના હાથના જોડા વગાડવા માંડ્યા. બીજા શેઠની નજર આની ઉપર પડી એટલે તે મનમાં કહેવા લાગ્યો કે, 'અરે ! આ કેવો બેવકુફ છે? એને એવી તે શી ગમત પડે છે કે, એ જોડા વગાડીને ખુશી થાય છે?'

થોડી વાર પછી એક નાચ પુરો થયો અને ગાનારી બેસી ગઈ કે બીજા શેઠે જોડા વગાડનારને પોતાની આગળ બોલાવીને પૂછ્યું કે, 'અરે ભલા માણસ, તને એવી તે શી ગમત પડે છે કે, તું જોડા વગાડવા મંડી પડ્યો છે ?'

વેશ્યાના યારે કહ્યું કે, એ વાત જો તમને કહીશ તો મારો રોટલો જશે, માટે પુછશો નહીં. હું તે કહેનાર નથી.'

બીજા શેઠે કહ્યું કે, 'થોડા વખત ઉપર આ રાંડ ઉપર મોહીત પડી તેને આધીન થઈ ગયો. થોડા જ વખતમાં મારી તમામ માયા મીલકત મેં એને ખવરાવી દીધી. અને હું ભીખ માગતો થયો. આ ધુતારી રંડા મને પાળશે એમ હું માનતો હતો. પણ જ્યારે એક દીવસ શું પણ એક વખતના ખોરાકના ઢીંગલા મારી પાસે ન રહ્યા ત્યારે એણે મને કાઢી મુકવા માંડ્યો. જ્યારે મેં બહુજ આજીજી કીધી ત્યારે પોતાના જોડા ઉપાડવાની મારી પાસે કબુલાત કરાવી લઈ મને પેટવડીએ રાખ્યો. હમણા જ્યારે આ સારંગી તબલાનો અવાજ મેં સાંભળ્યો ત્યારે એક કવિનું કહેલું કવિત મને યાદ આવ્યું.'

શાહુકાર - તે શું છે?

ઈશ્કી ભીખારીએ કહ્યું કે, સાંભળો.

કવિત

પરી પુરણ પાપકે કારણ તે,
ભગવંત કથા ન રૂચે જીનકો,
તીન વેશ્યાકો પાસ બુલાય લઈ,
નચાવત હે દીનકો રેનકો,
મૃદંગ કહે ધીકહે, ધીકહે,
સારંગી કહે કીનકો, કીનકો,
તબ હાથ ઉઠાયકે નારી કહે,
ઈનકો ઈનકો ઈનકો ઈનકો.

જ્યારે પાપ બરાબર ભરાઈ રહ્યા હોય ત્યારે ભગવાનની કથા ગમતી નથી, એટલે રાંડને બોલાવી રાત દહાડો નાચ કરાવે છે. તે સમે તબલા કહે છે કે ધીક છે, ધીક છે, એટલે સારંગી વાગે છે કે કીનકો, કીનકો, એટલે કોને કોને, તે વખતે રાંડ લાંબો હાથ કરી પોતાનું ગાયન સાંભળવા બેઠેલા તરફ ફરીને કહે છે કે આલોકોને, આ લોકોને.

માટે આ બધું યાદ આવતાં હું જોડા વગાડીને કહું છું કે, મારી ગતી થઈ તેવી તમારી પણ થશે, આટલોજ મારો ખુલાસો છે.'

બીજા શાહુકારની ઉપર આથી ઘણી અસર થવાથી તરત તેણે તે રાંડને કાઢી મુકાવી અને આ ભાગ્યહીણ શેઠને પોતાની પાસે રાખી લીધો. તે સમેથી ત્યાં હાજર રહેલાઓએ રાંડની સોબત કરવી મૂકી દીધી.

આ વાત સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-