બીરબલ અને બાદશાહ/રાજાના માથાનો મલ્યો
← ઓરમાન ભાઈઓનો ઝઘડો | બીરબલ અને બાદશાહ રાજાના માથાનો મલ્યો પી. પી. કુન્તનપુરી |
ખરા નામની ખુબી → |
જન્મી આપે કુજાતીમાં, કરે સુજાતીનાં કામ,
વીષ મુખમાં મણી નીજી છતાં કરે વીષ શ્યામ.
એક વખતે એક મુસલમાનનો છોકરો જુવાનીના જોરથી મસ્ત બની સાન ભાન ભુલી જઈને કાંઇક કારણસર પોતાના બાપના માથામાં પાંચ સાત ખાસડાં માર્યાં. આ ખાસડાંના મારથી ઘરડો બાપ મહોટે રડવા લાગ્યો આ રડારડનો અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થઇ જઇને અવીચારી છોકરાને પકડી લીધો. તો પણ હાથમાં ન રહેતાં બાપને મારવાને વારંવાર હુમલા કરતો હતો. તરત તેને પકડી શાહ હજુર લઇ તેની હકીકત જાહેર કરી તે સાંભળતાં વેંતજ શાહ અત્યંત કોપાયમાન થઇ ગયો અને તે દુષ્ટ છોકરા પ્રત્યે કહ્યું કે "કેમ રે ! મુર્ખા જે આપણને પાળીપોષિ કેટલાં દુઃખો વેઠી ઉછેરે છે (પ્રતીપાલન કરે છે) તેનેજ આ પ્રમાણે માર મરાય કે ? એવો કોઈ બેવકુફ હશે કે પોતાના પોષણ કરનારને મારે અગર આવું અપમાન કરે ! ?) ઉદ્ધત પણ સમજુ છોકરો દાવ ઉપર સોગઠી મારવાનો લાગ આવ્યો જાણી હાથ જોડી બોલ્યો કે " નામદાર ! આપ ફરમાવો છો તે કેવળ સત્ય છે એમ કરવાથી મહાપાપ થાય છે એમ હું માનું છું, પરંતુ આપણી આંખનું કુશળ ચાહી પારકાની આંખમાં મુશલ પહેરાવવા જવું એ શું આપ સરખા નામદારને વ્યાજબી છે ? આ પ્રમાણે તે છોકરાનું બોલવું સાંભળી શાહ વિશ્મયસહ બોલ્યો કે "તે શી રીતે મારી ગેરવ્યાજબીપણાની વારતા છે ? તો તું જણાવ. તે ઉદ્ધત છોકરો બોલ્યો "ગરીબપરવર ! જ્યારે પાલન કરનારને મારવા કીંવા અપમાન કરવા માટે આપને દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે હજારો બાળકો અને મનુષ્યોનું જે બીનસ્વારથે પાલન પોષણ કરે છે તેવી નિરદોષ ગરીબ મોઢામાં ઘાસને ધારણ કરનારી ગાયોને મારવી કીંવા તો અપમાન કરવું એ ઠીક છે ? શુરા લોકોનો એ ધરમ છે કે જેના હાથમાં શસ્ત્ર નથી તથા જેણે દાંતમાં તરણું ધારણ કર્યું હોય તેવા દુશ્મનને પણ મારવો નહિં, પરંતુ અભયદાન આપવું તો તે રીતીથી આપ ઉલટી રીતે વર્તો તો તેનું કશું નહીં અને મેં મારા પીતાને માર્યો તો તે વીષે આપ ગુસ્સે થાઓ છો તેથી એમ ચોખું જણાઈ આવે છે કે એ ખુદાનો કાયદો ગરીબોને માટેજ હશે પણ આપ જેવાઓને માટે નહીં હોય, અને જો હોય તો હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા તેનું કારણ શું ?'
આ પ્રમાણે નીશંકપણાનાં નીતીયુક્ત વચનો સાંભળી શાહે વીચાર્યું કે "આ છોકરાનું કેવું સત્ય છે તથા મારા અમલમાં એ નિરઅપરાધી ગૌમાતનો વધ થાય છે એ ખરેખર અઘટીત પ્રકાર છે એમાં જરાપણ ખોટું નથી, માટે આજથી તે અઘોર કૃત્ય મારા રાજ્યમાં ન બને તેમ અવશ્ય બંદોબસ્ત કરવો એ દ્રઢ સંકલ્પ છે.' એમ નીત્ય ગૌવધ થતો અટકાવવા સખ્ત હુકમ સાથે ઢંઢેરો ફેરવ્યો અને નીદ્ય કઠોરઘાતકપણું બંધ પડી-સકળ પ્રજાની પ્રીતિ સંપાદન કરી.
સાર--મોટા માણસનું લક્ષણ એજ છે કોઇના બોલવાપર રીસ ન ચઢાવતાં તેની વાતમાં શું તત્વ છે તે તારવી લેઇ પોતાની ઉદારવૃત્તિ બતાવવી.