બીરબલ અને બાદશાહ/શાહ અને વાણીઆઓ
← વણીક કળા -૨ | બીરબલ અને બાદશાહ શાહ અને વાણીઆઓ પી. પી. કુન્તનપુરી |
રૂપનું પુતળુ → |
એક સમે શાહ અને બીરબલ હાંક સલેમાન ગાંડાની પેઠે વાતો હાંકી રહ્યાં હતાં ઉનાળાના દહાડા હતા પણ બગીચામાંના ઝાડોને લીધે મંદ માદ વાયુની લહેરો આવતી હતી. ઉનાળાને લાયકના બારીક લુગડાઓ બંનેએ પહેરેલાં હતાં. વાત ઉપરથી વાત નીકળતાં શાહે પુછ્યું કે, 'બીરબલ ! વાણીઆઓ ડાહીમાના દીકરા કહેવાય છે તે વાત ખરી કે નહીં ?
બીરબલ--ગરીબ પરવર ! ખરેખર વાણીઆઓ જેવા ડાહીમાના દીકરા બીજા કોઈકજ હશે.
શાહ--બીરબલ ! મને એનો પુરાવો બતાવીશ !
બીરબલ--નેક નામદાર ! હમણાંજ એમાં તે શું !
એટલું કહીને બીરબલે થોડાક મગ મંગાવીને દરબારમાં રાખીને પછી શહેરમાંથી ચાર શહુકાર વાણીઆઓને બોલવી મંગાવી માનસહીત આસન પર બેસાડ્યા. પછી બીરબલે પુછ્યું કે, ' શેઠજી ! આ અનાજનું નામ શું ?'
ડાહીમાના દીકરા વિચારમાં પડી ગયા કે, આજ આ જાણીતા અનાજનું નામ શાહ પુછે છે માટે તેમાં કાંઇ ભેદ હોવો જોઇએ. માટે કાંઇ વીચાર કરીને જવાબ આપવો. જો શહેનશાહને આપણો ખરો જવાબ આપીશું તો તે કાંઇ વાંકમાં લાવી આપણને હેરાન કરશે. તેઓને આવી રીતે વીચારમાં પડેલા જોઈ શાહે પુછ્યું કે, ' કેમ શેઠજીઓ ! વીચારમાં પડ્યા ? આનું નામ શું તે કહોની !'
એક વાણીઓ થોડાક હાથમાં લઇને કહ્યું કે ' સરકાર ! આતો અડદ જણાય છે !'
બીજાએ કહ્યું કે, ' આ તો મરી જેવું જણાય છે ખરૂં !'
તીજો--વટાણાથી કાંઇ નાનું અનાજ છે એનું નામ શું તે મને યાદ આવતું નથી ?
આ પ્રમાણે તેમની વાતો સાંભળી શાહે કહ્યું કે, ' અરે વાણીઆઓ ! તમે તો દીવાના થયા છો ? આ તો મગ છે મગ !
વાણીઆ--સાહેબ ! હા. એજ એજ.
શાહ--એજ એટલે શું ? નામ દોની ?
વાણીઆ--આપે હમણાં જે કહ્યું તે ?
શાહ--પણ તેનું કંઇ નામ ?
વાણીઆ--આપે હમણાં નામ દીધું તેનું નામ તો અમે ભુલી ગયા સરકાર માબાપ !
શાહ-શું મગ ? વાણીઆ--હા માલીક એજ !
આટલું થતાં પણ વણીકોએ મગનું નામ પાડ્યું નહીં. તેની આવી ચતુરાઈ જોઇ શાહ અજાયબ પામ્યો. પછી તેઓને જવાની રજા આપી.