બીરબલ વિનોદ/અકબરી રામાયણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હથેલીમાં હાથી ડૂબ્યો બીરબલ વિનોદ
અકબરી રામાયણ
બદ્રનિઝામી–રાહતી
ધુંધચીની માળા →


વાર્તા ૫૮.

અકબરી રામાયણ

એક દિવસે બાદશાહ અને બીરબલ એકાંતમાં વાતો કરતા હતા. વાત પરથી વાત નીકળતાં બાદશાહે "અકબરી રામાયણ” રચાવવાની ઈચ્છા પ્રકટ કરી. બીરબલે પણ એ કાર્ય પુરૂં કરવાનો સ્વિકાર કર્યો. બાદશાહની ઈચ્છા જાણીને બીરબલ બોલ્યો “દયાસિંધુ ! એ પુસ્તક રચવામાં ઓછામાં ઓછા બે માસ જેટલો લાંબો સમય વીતી જ જવાનો, તેમજ તેની પાછળ કેટલો ખર્ચ કરવો પડશે એનું બરાબર અનુમાન અત્યારથી જ કરી શકાય એમ નથી. પરંતુ, હાલ તરતને માટે દસ હઝાર રૂપીયા યોગ્ય સાધનો એકઠા કરવા પાછળ જોઈએ જ, એટલે આપ એ રકમ અપાવો તો આજથી જ કાર્ય આરંભ કરી દઉં.”

બાદશાહે દસ હઝાર રૂપીઆ અપાવી દીધા. બીરબલે એ રકમનો વ્યય એવા પ્રકારે કર્યો કે જ્યાં જ્યાં કુવા, તળાવ વગેરે ખોદાવવાની આવશ્યકતા હતી ત્યાં તે ખોદાવ્યા. જ્યારે બે માસ વીતવા આવ્યા ત્યારે પોતાના એક નોકરને માથે કોરા પાનાનું એક મોટું પુસ્તક ચઢાવી બીરબલ બાદશાહ સમિપ હાજર થયો અને જણાવ્યું "હુઝૂર ! અકબરી રામાયણ હવે શીઘ્રજ સમાપ્ત થશે, પણ એમાં માત્ર એક જ વાતની ન્યૂનતા રહેવા પામી છે અને તે વિષે બેગમ સાહેબ પાસેથી ખુલાસો મેળવવો પડશે. પ્રથમ તો, આપ એટલું બતાવો કે જેવી રીતે રામાયણમાં એક નાયક અને એકજ નાયિકા હતી, પણ આપને ત્યાં તો એથી તદ્દન વિપરિતજ છે. આ૫ (નાયક) તો એકજ છો પણ નાયિકાઓ ઘણી છે, માટે આપ જેને મુખ્ય ગણતા હો તેની પાસેથી ખુલાસો મેળવવો રહ્યો.

બાદશાહે કહ્યું “મોટી બેગમને નાયિકા બનાવો.”

આ સાંભળી બીરબલ પુસ્તક ઉપડાવી બેગમ પાસે ગયો અને થોડીક સાધારણ વાતચીત કર્યા બાદ પૂછવા લાગ્યો “જેવા પ્રકારે રામચંદ્રજીના રામાયણી નાયિકા સીતાજીને ચૌદ વર્ષ સુધી રાવણના ઘરમાં રહેવું પડ્યું હતું. તેવી રીતે આપ કોને ત્યાં રહ્યા છો ! એ ઉત્તર મળતાં “અકબરી રામાયણ” સંપૂર્ણ રીતે લખાઈ જશે.”

આ વાત સાંભળી બેગમ ઘણીજ ગુસ્સે થઈ તેણે દાસીને પેલું પુસ્તક બાળી નાંખવાની આજ્ઞા આપી દીધી. દાસીએ બેગમના દેખતાંજ તે બાળી નાંખ્યું. આ બનાવ બન્યા પછી બીરબલ નિરાશ થતો ત્યાંથી બાદશાહ પાસે ગયો અને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું "જહાંપનાહ ! હવે આપની શી આજ્ઞા છે ? જો ફરીથી એ પુસ્તક લખાવવાની ઈચ્છા હોય તો તે થઈ શકે તેમ છે.”

બાદશાહ બોલ્યો “બીરબલ ! ખેર, જે બનવાનું હતું તે બની ગયું, હવે બીજી વાર લખાવવાની આવશ્યકતા નથી. રામચન્દ્રજીની સમતા હું ક્યાંથી કરી શકું? મેં તો કેવળ તારી પરિક્ષા લેવા ખાતર એ કામ કર્યું હતું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રૂપીયા તને આપવામાં આવે છે તેનો વ્યય તે સારા સારા કામોમાં કરે છે, એટલા માટે જ હું ગમે તે બ્હાને તને રૂપીયા આપ્યા કરું છું”*< [૧]

  1. *આવાજ મતલબની એક વાર્તા "શાહી મહાભારથ"