બીરબલ વિનોદ/હથેલીમાં હાથી ડૂબ્યો

વિકિસ્રોતમાંથી
← ચાર પ્રશ્નો બીરબલ વિનોદ
હથેલીમાં હાથી ડૂબ્યો
બદ્રનિઝામી–રાહતી
અકબરી રામાયણ →


વાર્તા ૫૭.

હથેલીમાં હાથી ડૂબ્યો.

એક દિવસે એક બેગમ (રાણી) સ્હવારે ઉઠી મોઢું ધોવા બેઠી. પોતાને કપાળે ચાંદલો ચોડેલો છે એ વાત તે ભૂલી ગઈ હતી એટલે મોઢું ધોતાં તે ચાંદલો તેના હાથમાં આવી પડ્યો. એ ચાંદલામાં હાથીનું ચિત્ર હતું એથી જાણે હથેલીનાં પાણીમાં હાથી ડૂબી ગયો હોય એવો ભાસ થવા લાગ્યો. રાણીએ તે વાત બાદશાહને કહી સંભળાવી.

બપોરે દરબારનું કાર્ય સમાપ્ત થતાં બાદશાહે ગંગને પૂછ્યું “કવિજી હથેલીમાં હાથી કેમ ડૂબ્યો?”

ગંગે હાથ જોડી કહ્યું “હુઝૂર આમાં તો કાંઈક રસાલંકાર જણાય છે. સાંભળો:—

સવૈયા.

સોલ સિંગાર સજી અતિ સુંદર, રેન રમીયોં પિયા સંગરાની;
ઉઠ પ્રભાત કમલમુખ ધોવત, ટીક ખસી હથેલી લિપટાની;
તામેં ચિત્ર હતો ગજરાજ, અજીવક બૂબક કાહુ પિછાની;
કવિગંગ કહે સુન શાહ અકબર, ડૂબત હાથી હથેરીકે પાની.

ગંગનું બોલવું સાંભળી, આનંદ પામી, બાદશાહ બોલ્યો “ બારોટજી ! તમે ય ખૂબ કરી?! વારૂ, કોઈ બીજું કવિત પણ સંભળાવો.”

ગંગે હાથ જોડી કહ્યું “જેવી ખુદાવિંદની આજ્ઞા ”

સવૈયા

જ્ઞાન ઘટે કોઇ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાએ;
ત્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ;
શોક ઘટે કોઇ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓસઢ ખાએ;
કવિ ગંગ કહે સુનશાહ અકબર, દારિદ્ર કટે હે હરિગુણગાએ.

બાદશાહે અત્યંત આનંદ પામી શાબાશી આપી. બીરબલ વધુ વાણી વિનોદ કરાવવાના હેતુથી બોલ્યો “ જહાંપનાહ ! ગંગ બારોટ તે કાંઈ જેવા તેવા છે ? ! એ તો બારોટમાં શિરોમણિ છે.”

ગંગે હાથ જોડી કહ્યું “એ સૌ નામદાર શહેનશાહના પ્રતાપ છે! ”

બીરબલ બોલ્યો “પણ એમાંયે પોતામાં રતિ જોઈયે, રતિ વિનાનું કાંઈજ નથી.”

ગંગ બોલ્યા “પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો:—”

સવૈયા.

રતિ બિન રાજ, રતિ બિન પાટ,
રતિ બિન છત્ર નહીં એક ટીકો;
રતિ બિન સાધુ, રતિ બિન સંત,
રતિ બિન જોગ ન હોય જતીકો;

રતિ બિન માત, રતિ બિન તાત,
રતિ બિન માનસ લાચત ફીકો;
કવિ ગંગ કહે સુન શાહ અકબર,
નર એક રતિ બિન એક રતીકો.

આ સવૈયો સાંભળી બાદશાહ ઘણો જ આનંદ પામ્યો. થોડીકવાર કેટલાક વિનોદ થયા પછી બાદશાહે પુછ્યું કવિજી!--

દુહો

સબ નદીઅનકે નીર હે, ઉજ્વલ રૂપ નિધાન;
શાહ પૂછે કવિ ગંગકો, જમુના ક્યું ભઈ શ્યામ?

ગંગે હાથ જોડી નમ્રતાથી જવાબ આપ્યો “ ખુદાવિંદ! સાંભળો:—

સવૈયા.

જા દિન તેં જદુનાથ ચલે,
બ્રજ ગોકુલસેં મથુરા ગિરિધારી;
તા દિનતેં બ્રજનાયિકા સુંદર,
રંપતિ, ઝંપતિ, કંપતિ પ્યારી,
ઉનકે નેનનકી સરિતા ભઈ,
(જેસે) શંકર શીષ ચલે જલભારી;
કવિ સંગ કહે સુન શાહ અકબર
તા દિન તેં જમુના ભઈ કારી.

બાદશાહ અત્યંત આનંદ પામ્યો અને એક કીંમતી સરપાવ કવિને આપ્યો; તેમજ બધા દરબારીયોએ પણ ગંગને “ વાહવાહ ” “ શાબાશ, શાબાશ,” ના ઉદ્‌ગારોથી વધાવી લીધો.