લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/અપ્સરા અને ચુડેલ

વિકિસ્રોતમાંથી
← હીંમતે મર્દા તો મદદે ખુદા! બીરબલ વિનોદ
અપ્સરા અને ચુડેલ
બદ્રનિઝામી–રાહતી
પરિક્ષકની બલિહારી →


વાર્તા ૧૫ર,
અપ્સરા અને ચુડેલ.

એક સમયે બાદશાહે બીરબલ આગળ અપ્સરા અને ચુડેલ જોવાની ઈચ્છા પ્રકટ કરી. બીરબલે કહ્યું “ હુઝૂર ! હમણાંજ આપને બતાવું છું.” એમ કહી તે ઘેર ગયો અને પોતાની સ્ત્રીને સાથે લીધી અને રસ્તામાંથી એક સુન્દરી વેશ્યાને પણ લીધી તથા બાદશાહ આગળ બન્નેને હાઝર કરી અરજ ગુજારી કે “ હુઝૂર ! આ મ્હારી સ્ત્રી અપ્સરા સમાન છે, તે મ્હારી સેવા ખરા અંતઃકરણથી બજાવે છે. એના સમાન આખા સંસારમાં કોઈ સુંદર સ્ત્રી નથી.”

બાદશાહે કહ્યું “બીરબલ ! એ તો શ્યામવર્ણી છે? અપ્સરા તો સુન્દર હોવી જોઈયે?”

બીરબલે હાથ જોડી ઉત્તર આપ્યો “નામદાર ! સુન્દરતા ગુણથી પારખી શકાય છે, માત્ર ગૌરવર્ણ સુન્દરતા ન કહેવાય. મ્હારી સ્ત્રી મ્હને સ્વર્ગના આનંદનો સાક્ષાત્કાર કરાવે છે.”

એટલે બાદશાહે સવાલ કર્યો “ ત્યારે હવે ચુડેલ કઈ? બીરબલે તરતજ પેલી પરમ સૌંદર્યમંડિત વેશ્યા પ્રતિ અંગુલી સંકેત કરી કહ્યું “ જહાંપનાહ ! આ ચુડેલ છે. જેને એ વળગે છે, તેનું સર્વસ્વ હરણ કરી તેને ત્યાગી દેગે છે.”

બદશાહ અત્યંત પ્રસન્ન થયો અને બધાને ઈનામ આપી બીરબલના ચાતુર્યના ભારે વખાણ કરવા લાગ્યો.