બીરબલ વિનોદ/પરિક્ષકની બલિહારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અપ્સરા અને ચુડેલ બીરબલ વિનોદ
પરિક્ષકની બલિહારી
બદ્રનિઝામી–રાહતી
બીરબલ અને તાનસેનની પરિક્ષા →


વાર્તા ૧૫૩.
પરિક્ષકની બલિહારી.

એક સમયે મલ્યાલના રાજા રોહસેને અકબર બાદશાહને પત્ર લખી મોકલ્યો કે “કમ અસલનો અસલ, અસલનો કમ અસલ, ગાદીનો ગધેડો અને બજારનો કૂતરો. એ ચારે ચીજોને શોધીને મોકલી આપો, કાંતો ચુદ્ધને માટે તૈયાર થઈ જાવ.”

બાદશાહ એ પત્ર વાંચી મનોગત્ કહેવા લાગ્યો કે “ આમાં લખેલી ચીજો મળી શકે એમ નથી. અને જ્યારે એમજ છે, એટલે યુદ્ધ કર્યા વગર છૂટકો નથી. પણ તેમ થતાં લાખો માણસો અને કરોડો રૂપીયાનું બલિદાન આપવું પડશે. એનું કેમ ?!”

આમ વિચાર કરી તેણે બીરબલને બોલાવી મંગાવ્યો. બીરબલે આવીને બાદશાહનો ઉદાસ ચહેરો જોયો એટલે તેના પેટમાં ફાળ પડી. પણ જ્યારે અકબર બાદશાહે તે પત્ર બતાવ્યો, ત્યારે તેણે વિચાર કરી કહ્યું “જહાંપનાહ ! આમાં જણાવેલી ચીજો હાલ તરત તો મળી શકે એમ નથી, છતાં આપ એ રાજા પાસેથી એક વર્ષની મુદ્દત માંગી લો અને પછી જુઓ કે આપણા પોબાર પડે છે કે નહીં ?!”

બીરબલનો એ પ્રત્યુત્તર સાંભળી બાદશાહની ઉદાસિનતા નાશ પામી અને તેણે તરતજ મુન્શીને બોલાવી પેલા રાજાને નામે પત્ર લખાવી એક વર્ષની મુદ્દત માંગી. પત્ર રવાના કર્યા પછી બીરબલે કહ્યું કે “જહાંપનાહ ! હવે ઢીલ ન કરતાં તે ચારે વસ્તુઓ જેમ બને તેમ તાકીદે મેળવવાની જરૂર છે, કેમકે વખતને વહેતાં વાર નહીં લાગે.”

બાદશાહે કહ્યું “ ત્યારે તુંજ આ કામ માથે લઈ લે.” બીરબલે હામ ભીડી, પણ તે કાર્ય માટે રૂપીયા એક લાખની રકમ બતાવી. બાદશાહે તરતજ ખજાનચીને એક લાખ રૂપીયા બીરબલને ઘેર મોકલી આપવાનો હુકમ આપ્યો. બીરબલે બાદશાહ પાસેથી એક માસની રજા માગી લીધી અને જોઈતાં સાધનો સાથે લઈ શાહુકારનો વેષ ધારણ કરી બીજેજ દિવસે મલ્યાલ તરફજ રવાના થયો. દેશ દેશની ચર્ચા જોતો, ફરતો ફરતો બીરબલ મલ્યાલ નગરીમાં પહોંચ્યો અને ત્યાંના મુખ્ય રમણીય બઝારમાં એક મ્હોટું આલીશાન મકાન ભાડે રાખી રહેવા લાગ્યો, અને ભારે ઠાઠમાઠથી સરાફીનો વહેપાર પણ શરૂ કરી દીધો.

બીરબલના આલીશાન મકાનની સ્હામેજ આવેલા સરકારી ચબુતરામાં શહેરનો કોતવાલ રહેતો, તેની સાથે બીરબલે મિત્રતા સાંધી અને દિવસાનુદિવસ તેમાં વૃદ્ધી થતી ગઈ. અકબર બાદશાહ જેવાને વશ કરનાર રમુજી પૂતળાંને કોણ વશ ન થાય ? અને વળી પાછી કહેવત છે કે ‘હાથ પોલો એટલે જગત્‌ ગોલો’ ‘લક્ષ્મી શત્રુને પણ મિત્ર બનાવે !’ પોલિસ અધિકારીને વશ કરવો એ કાંઈ મ્હોટું કામ ન ગણાય. થોડા દિવસમાં તો કોતવાલ સાહેબ બીરબલનોજ ઓટલો રાત દિવસ ઘસતા થઈ ગયા. બીરબલ તો એટલું ઈચ્છતોજ હતો, તેણે નવા નવા પ્રકારના આનંદ અને મોજશોખના મેળાવડા પોતાને ત્યાં ભરવાનો આરંભ કર્યો. ગાનતાનના પણ જલ્સા થવા લાગ્યા અને તેમાં કોતવાલ સાહેબને ખાસ આમંત્રણ થતું; એટલુંજ નહીં બલ્કે, ખુદ કોતવાલ સાહેબની તે કામોમાં સહાયતા પણ લેવાતી. નગરમાં જો કોઈ નવો ગવૈયો આવ્યો હોય અથવા કોઇ નાયિકાની પધરામણી થઈ હોય કે કોતવાલ સાહેબ તેને પાધરી બીરબલ પાસે તેડી લાવે, રંગ રાગની મજલિસો થાય અને કોતવાલ સાહેબ કહે તે રકમ બીરબલ આપે.

એક સમયે એક નવયૌવના, અપૂર્વ સૌંદર્ય મંડિત, લાવણ્યમયી, ગાયનકળા તેમજ નૃત્યશાસ્ત્રમાં અતિ પ્રવીણ નાયિકા રંભાને એક રથમાં બેસાડીને કોતવાલ સાહેબ શેઠ પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા “શેઠ ! આ કોકિલાના કંઠને પણ લજવનારી અત્યંત સ્વરૂપવાન નાયિકાને આજે લઈ આવ્યો છું, માટે આજે એનોજ મુજરો કરીયે.” શેઠે કહ્યું “થવા દો, મ્હારી ક્યાં ના છે ?”

શેઠનો હુકમ મળતાંજ તે કામણગારી નાયિકાએ નાચ અને ગાયનની શરૂઆત કરી અને ત્યાં બેઠેલા સર્વને છક કરી નાંખ્યા. ગાયન સમાપ્ત થતાં, શેઠે ઘણા જ આનંદપૂર્વક કોટવાલને પૂછ્યું “કોટવાલજી ! આ નાયકાને કેટલા રૂપીયા આપીયે તો સંતોષ પામે ?” કોટવાલે કહ્યું “શેઠજી ! બસો રૂપીયા બસ છે.”

બીરબલે તરતજ બસો રૂપીયા ગણી આપ્યા. નાયકા અત્યંત ખુશ થઈ મોઢું મલકાવી, શેઠને કટાક્ષ બાણ મારી મનોગત્ કહેવા લાગી “અત્યાર સુધીમાં મ્હને કોઈએ પણ આટલી મોટી રકમ ઈનામ આપી નથી. ખરેખર ગાયન કળાની ખૂબીને માત્ર આ શેઠજ પારખનાર છે. માટે એવા મ્હોટા કદરદાન શેઠને મૂકીને પાંચ પચીસની નજીવી રકમ માટે શા સારૂ આમ તેમ આથડવું જોઈએ ? મૂર્ખાઓના તાબેદાર થવા કરતાં આવા એકાદ કદરદાન ઉદાર ગૃહસ્થની સેવા કરવામાંજ આબરૂ જળવાય એમ છે.” એવો સંકલ્પ કરી તેણે શેઠજીને સંબોધી કહ્યું “શેઠજી ! હું પૈસાની ભૂખી નથી, માત્ર આપ જેવા કદરદાન ગૃહસ્થની ચરણ સેવાનીજ ભૂખી છું. માટે જો આપ મ્હને આપના દાસી થવાનું માન આપો, તો હું મ્હને મહાન્‌ ભાગ્યશાળી ગણીશ.”

તે રમણિક રંભાનું આવું મૃદુતામય વાક્ય સાંભળી શેઠે કહ્યું “જો તું વિશુદ્ધ પ્રેમની પ્રતિમા બની પ્રેમપંથની પ્રતિજ્ઞા પાળવા ઈચ્છતી હોય તો મ્હારી ના નથી ! તું ખુશીથી મ્હારે ત્યાં રહે, અને જે જોઇયે તે લે.”

રંભાએ તરત જ બીરબલનો હાથ ઝાલ્યો અને નીચે ઉતરી તેને પોતા સાથે રથમાં બેસાડી પોતાને ઘેર લઈ ગઈ અને નાના પ્રકારની કોકકળા વડે શેઠનું મન પ્રસન્ન કરી, આખી રાત્રિ રતિરંગમાં વ્યતીત કરી. સ્હવાર થતાંજ શેઠે ઘેર જવાની ઈચ્છા દર્શાવી એટલે તે નાયિકા ગદ્‌ગદ્‌ કંઠે કહેવા લાગી “હે ભાગ્ય આધાર ! હું તમને અહીંથી જવા દેવા ચાહતી નથી. છતાં, આપ તરછોડી ચાલ્યા જશો તોએ હું અબળા શું કરી શકું એમ છે ?!”

શેઠે કહ્યું “પ્રિયે ! હું તને તરછોડીશ નહીં. તને હંમેશા મળતો રહીશ, માટે કાં ફીકર ન કરતાં મોજશોખમાં રહે.”

રંભાએ રજા આપી એટલે શેઠજી ઘેર આવ્યા. તે દિવસથી વખતો વખત શેઠજી રંભાને ઘેર જવા લાગ્યા અને ખૂબ રંગરાગમાં દિવસે વીતાડવા લાગ્યા.

એક દિવસ કોતવાલે આવી પૂછ્યું “શેઠજી ! આપ પરણેલા છો કે કુંવારા ?” બીરબલે કહ્યું “જો ઉંચા કુળની ખાનદાની કન્યા મળે તોજ લગ્ન કરવું, નહી તો જન્મજન્માંતર કુંવારા રહેવું, એવો મ્હેં નિશ્ચય કરેલો છે.”

કોતવાલે કહ્યું “શેઠ ! જો એમ જ છે તો હું આપને માટે એવીજ કોઈ ખાનદાની કન્યા શોધી કાઢવાની બનતી મહેનત કરીશ.” આ પ્રમાણેની ગોઠવણ કરી કોતવાલ સાહેબ ત્યાંથી વિદાય થયા.

થોડાક દિવસ પછી તેણે એવીજ મનોરમા નામની એક ઉંચા કુળની કન્યા શોધી કાઢી શેઠની સાથે વીધી યુકત પાણી ગ્રહણ કરાવી આપ્યું. શેઠે એવા ઉચ્ચ કુળની કન્યા મળવા બદલ ઘણોજ આનંદ પ્રદશિત કર્યો. પરંતુ શેઠે એવો નિયમ બાંધ્યો કે કોઈ પણ કામ માટે ઘરની બ્હાર જતાં પહેલાં મનોરમાના વાંસા ઉપર એક કોરડો મારવો અને ત્યાર પછી કામે જવું. આ પ્રમાણે કેટલાક દિવસો વીતી ગયા.

એક દહાડે બીરબલ બજારમાંથી એક પાકેલું તરબુજ ખરીદી, તેના બે કકડા કરી, કાચા લાલ રંગના રૂમાલમાં તેને બાંધી દોડતો દોડતો ઘેર આવ્યો અને મનોરમા જુવે તેમ આંખની ભ્રમરો ચઢાવી, તેને પણ બે રોકડા સટકાવી દઈ કહ્યું “જો આ રાજકુમારનું માથું કાપી લાવ્યો છું, તે આ પેટીમાં મૂકું છું. પણ ખબરદાર, કોઈને આ વાત કહીશ નહીં; નહીંતો, તારા પણ આવી રીતેજ કટકા કરી નાંખીશ.” એમ કહી પેલી પોટકી એક પેટીમાં મૂકી, તેને તાળું વાસી બીરબલ બ્હાર ચાલ્યો ગયો.

હજીતો તે ઘણે દૂર પહોંચ્યો પણ ન હતો, એટલામાં તો શેઠાણીએ મોટેથી રાડો પાડવા માંડી. આ બૂમો કોતવાલ સાહેબને કાને અથડાતાં તે ચબુતરામાંથી કેટલાક સિપાહીઓને લઈ શેઠના મકાનમાં દોડી ગયા અને શેઠાણીને ૨ડવાનું કારણ પૂછ્યું. તેણે રડતાં રડતાં કહ્યું “ભાઈ ! શું કહું ? તમેજ મ્હને આ મહા પાપી કસાઈના હાથોમાં સોંપી છે. હું, શું કહું ? કહેતાં જીભ અચકાય છે, હૃદય કંપે છે; છતાં, કહ્યા વગર ચાલે તેમ પણ નથી. તમારા શેઠે રાજકુમારનું ખૂન કરી, તેનું માથું કાપી લાવી આ પેટીમાં મૂક્યું અને મ્હને પણ બે કોરડા સટકાવી, કોઈને એ વાત ન કહેવાની સખત તાકીદ કરી છે. પણ (કોરડાના સોળ દેખાડી) આ સખ્ત મારને કારણે મ્હને રડવું આવે છે.”

આ વિચિત્ર વાત સાંભળી કેતવાલ અત્યંત ખેદ પામી કહેવા લાગ્યો “આ ઉપરથી તો જણાય છે કે એ ઘણોજ ભયંકર પાપી છે, માટે એને પકડીને એના પાપોની શિક્ષા અપાવવીજ ઘટે છે. શું, મ્હેં આવી સારા કુળની કન્યા શોધી આપી તે આવા નિર્દય૫ણે મારવા માટે ? ધિકકાર છે એ ચાંડાલને !” આમ કહી તેણે શેઠને પકડી લાવવા સિપાહીઓને મોકલ્યા. કોતવાલ સાહેબનો હુકમ મળતાંજ કાળી કફનીવાળા હડકાયલા કુતરાઓની પેઠે શેઠની શોધમાં દોડયા. થોડીક તપાસ કરતાં શેઠ સપડાઈ ગયા. કશી પણ પૂછગછ ન કરતાં સિપાહીઓ ભસવા લાગ્યા “શું જુઓ છો, ફટકાવો ? એ હરામખોર, ચંડાલ, પાપીને જકડી લો ! ? અરે, નીચ હરામખોર ! આવી રીતે ખૂન કરી, તેં પોતાને હાથેજ મોત માગી લીધું છે. હવે તું ક્યાં સટકી શકે એમ છે ? લો બચ્ચાજી, આ તમારા કર્મનાં ફળ ચાખો !!” એમ કહી સિપાહીઓએ તેને બાંધી લીધો અને મારતા મારતા કોતવાલ સાહેબની હજુર હાઝર કર્યો. માર ન સહન થવાથી બીરબલે કહ્યું “અરે દુષ્ટો ! મુજ નિરપરાધીને શા માટે આવી રીતે ખોખરો બનાવો છો ? મ્હેં એવો તે કયો અપરાધ કર્યો છે, જેને માટે આવી શિક્ષા કરાય છે ?”

કોતવાલ સાહેબનો પિત્તો ઉછળી આવ્યો, તેમણે રાતાચોળ બની કહ્યું “છાનો મર, હરામખોર ! એતો જાણ્યું બધું તારું ડહાપણ ! ! તેં જે અપરાધ કર્યો છે એ અત્યારેજ જણાઈ આવશે. અરે, નાપાક, હરામખાર ! તેં આવાં નીચ કર્મો કરવા માંડ્યાં છે, એની મ્હને તો સ્હેજ પણ ખબર ન હતી. ખેર, તારી કરણીનાં ફળ અબ ઘડીયેજ તને ચખાડું છું !!” આમ શેઠને ધમકાવીને સિપાહીઓના મઝબુત પહેરા હેઠળ રાજા સમક્ષ હાઝર કર્યો અને અરઝ કરી “નામદાર ! આ પાપીએ આપના કુંવરનું માથું કાપી પોતાના ઘરની પેટીમાં મૂકયું છે. અને બાયડી એ વાત કોઈને જણાવી ન દે, એટલા માટે તેનો પણ કોરડા મારી વાંસો ફાડી નાંખ્યો છે.”

કોતવાલનું આવું બોલવું સાંભળી રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો અને તેણે કાંઈ પણ પૃચ્છા ન કરતાં ખૂનીને એકદમ સૂળીએ ચઢાવી દેવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ મળતાંજ કોતવાલ શેઠને સ્મશાન ભૂમિ તરફ લઈ ચાલ્યો. રસ્તામાં શેઠનો નોકર મળ્યો, એટલે શેઠે તેને કહ્યું “તું દોડતો તારી શેઠાણી પાસે જઈને કહે કે તારો સ્વામી સૂળીયે ચઢે છે, અને તે જે ઉત્તર આપે તે મ્હને તરતજ કહી જા.” ચાકર દોડતો દોડતો ઘેર ગયો અને બનેલી હકીકત શેઠાણીને કહી સંભળાવી. પરંતુ, શેઠાણીએ સ્હેજ પણ દિલગીરી ન દર્શાવતાં ગુસ્સામાં કહ્યું “ભલે, ચઢવા દે, જેવું કરે તેવું પામે, એમાં હું શું કરવાની હતી ?!!”

શેઠાણીના આવા કઠોર શબ્દો સાંભળી નોકરે તુરત આવી શેઠને બધી વાત કહી સંભળાવી. શેઠે ચાકરને કહ્યું “હવે તું રંભાને ત્યાં જઈ કહે કે, શેઠ હમણાં આવે છે.” ચાકરે જઈને રંભાને તે પ્રમાણે કહ્યું, એટલે તે તરતજ ઉઠી અને ઝરોખામાં આવી શેઠના આગમનની વાટ જોતી ઉભી રહી.

શેઠે ધીરજથી કોતવાલને કહ્યું “લગાર રંભાના ઘર આગળ થઈને મ્હને લઈ જાવ. તો તમારો મોટો ઉપકાર થશે,” કોતવાલનો એ વખતે મીઝાજ કાંઈ ઠેકાણે હોવાથી, તેણે તે વાત માન્ય રાખી અને રંભાના મકાન તરફ ચલાવ્યું. ઝરોખામાં રાહ જોતી ઉભેલી રંભાએ જ્યારે શેઠને આવી દશામાં જોયા એટલે તેનું હૈયું ભરાઈ આવ્યું. તેણે નીચે ઉતરી આવી કોતવાલને કાલાવાલા કરી કહ્યું “હું આપને બસો રૂપીયા પાન સોપારીના આપું છું, તે આપ લો. અને માત્ર બે ઘડી સુધી શેઠને આ ઝાડની છાયા નીચે બેસવા દેવાની કૃપા કરશો, તો હું આપનો ઉપકાર માનીશ. હું અત્યારેજ રાજાજી હજુર જાઉં છું. જો એ અપરાધ માફ કરી, એમને મૂકી દેવાનો હુકમ કરશે તો ઠીક; નહીં તો પછી આ૫ ખુશીથી લઈ જજો.” પૈસો પાણીમાંએ ઘર બનાવે અને લક્ષ્મીને જોતાં મહા મુનીવરનું મન પણ ચંચળ થઈ જાય, એટલે પછી કોતવાલ જેવાના શા ભાર ? તેણે બસો રૂપીયા ખીસામાં મૂકી તેમ કરવાની હા પાડી.

રંભા પોતાના શેઠને છોડાવી લાવવા માટે ઉત્તમ પ્રકારના અલંકારો સજી ઝાંઝરનો રણકાર કરતી ઘણાજ ઠાઠમાઠથી દરબારમાં હાઝર થઈ અને વિચિત્ર પ્રકારના ઉત્તમોત્તમ હાવભાવ અને ગાનતાનથી રાજાને તેણે આંજી નાખ્યો. રંભાના અદ્‌ભુત નાચથી રાજા મોહિત બની કહેવા લાગ્યો “માગ ! માગ ! તારી મરજીમાં આવે તે માગ !” નાયકાએ રાજાનું વચન લઈ, હાથ જોડી અરઝ કરી “દયાનિધાન ! આપે જે શેઠને સૂળીએ ચઢાવવાનો હુકમ આપ્યો છે, તેને આપ છોડી દો.”

રાજાએ કહ્યું “એને તો ક્યારનોએ સૂળીએ ચઢાવી દીધો હશે, માટે કાંઈ બીજું માગ.” રંભાએ કહ્યું “પૃથ્વીનાથ ! જો જીવતો હોય, તો છોડી મૂકવા હુકમ ફરમાવો, મ્હારે એ શિવાય અન્ય કોઈ માગણી કરવાની નથી.”

રાજાએ સિપાહીને તાકીદનો હુકમ આપ્યો કે “જો શેઠને સૂળીએ ચઢાવવામાં ન આવ્યો હોય, તો તેને એકદમ મૂકી દો.” રાજાએ હુકમ કરતાંજ સિપાહી દોડ્યો અને તપાસ કરીને, જ્યાં કોતવાલ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાનો હુકમ કહી સંભળાવી બધો વૃત્તાંત સુણાવ્યો. એટલે કોતવાલ શેઠને છોડી મૂકી, નીચું ઘાલી રસ્તે પડ્યો. એવામાં તો રંભા પણ ત્યાં આવી લાગી અને શેઠને પોતાના મકાનમાં લઈ જઈ, આસના વાસના કરવા લાગી. તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ જોઈ બીરબલે તેને આશ્વાસન આપી કહ્યું “પ્રિયે ! તું લેશ માત્ર પણ ગભરાઈશ નહીં. આ ખટપટ મ્હેંજ એક ગુપ્ત કારણસર ઉભી કરી છે. હવે, હું મારે દેશ જઈશ, ત્યાંથી થોડાક દિવસ પછી પાછો અહીં આવીશ. અને પછી તેને પણ મ્હારે દેશ લઈ જઈશ. તું સ્હેજ પણ ચિંતા ન કરજે.”

આ પ્રમાણે રંભાને ધીરજ આપી, અન્ય આડી અવળી વિનોદની વાતો કરી, બીરબલ ત્યાંથી વિદાય થઈ ઘેર આવ્યો અને વહેપાર વગેરે આટોપી લઈ, દિલ્હી તરફ રવાના થયો. થોડાક દિવસની મુસાફરી પછી બીરબલ દિલ્હી આવી પહોંચ્યો અને બાદશાહ આગળ હાઝર થઈ કહેવા લાગ્યો “જહાંપનાહ ! મલ્યાલના રાજાએ માગેલી ચારે વસ્તુઓ મ્હેં મેળવી લીધી છે.”

બીરબલનું આવું બોલવું સાંભળી બાદશાહ ઘણોજ ખુશ થયો અને તે વસ્તુઓ ક્યાં છે ? એમ પૂછવા લાગ્યો. બીરબલે કહ્યું “હુઝૂર ! એ ચારે વસ્તુઓ એ રાજાના ગામમાંજ છે, માટે આપ મ્હને એક પત્ર સહી સિક્કા સાથે લખી આપો.”

બાદશાહે તરતજ સહી સિક્કા સાથેના પત્રમાં લખી આપ્યું કે “આપની મંગાવેલી ચારે ચીજો બીરબલ સાથે મોકલેલ છે, તે તપાસી લઈ, પાછો ઉત્તર આપશો.” એ પત્ર લઈ બીરબલ ભારે દબદબા સાથે મલ્યાલ જઈ પહોંચ્યો અને અનુચર દ્વારા રાજાને કહી મોકલાવ્યું કે “દિલ્હીથી બીરબલ આપને ભેટવા આવ્યો છે.”

રાજાએ તરતજ દરબારમાં તેને દાખલ થવા દેવાનો ચોબદારને હુકમ આપ્યો. બીરબલ રાજ્યરીતિ પ્રમાણે દરબારમાં પ્રવેશી રાજા સન્મુખ આવી યોગ્ય વિનયથી અભીવંદન કરી ઉભો રહ્યો. રાજાએ પણ તેનો યોગ્ય આદર સત્કાર કરી બેસવાને આસન આવ્યું. બીરબલે શાહના હાથનો લેખેલો પત્ર રાજાના હાથમાં મૂક્યો. રાજાએ પત્ર વાંચી આશ્ચર્યતાથી બીરબલને પૂછયું “તે ચારે વસ્તુઓ ક્યાં છે ?” બીરબલે કહ્યું “મહારાજ ! અહીંયાજ હાઝર છે.” એમ કહી, તેણે પોતાના પેલા જુના ચાકરને કહ્યું “જા, અને મ્હારી સ્ત્રીને તેમજ રંભાને તેડી લાવ.”

ચાકર દોડતો જઈ બન્નેને તેડી લાવ્યો. બીરબલે તે બન્નેને પોતા પાછળ ઉભી રાખી, કહ્યું “મહારાજ ! હું આપના નગરમાં શેઠ નામ ધારણ કરી, સરકારી ચબુતરાની સ્હામે એક બંગલો ભાડે રાખી રહેતો હતો. પ્રથમ મ્હેં આપના કોતવાલ સાથે મિત્રતા બાંધી. તેણે મ્હારી પાસેથી પુષ્કળ ધન સંપાદન કરી આ નાચકા રંભા સાથે મ્હારો સંબંધ કરાવ્યો અને ત્યારબાદ આ ઉચ્ચ કુળની કન્યા મનોરમા સાથે મ્હને પરણાવ્યો. આ પરણેતર સ્ત્રીને હંમેશ એક કોરડો મારવાનો મ્હેં નિયમ કર્યો. ત્યાર પછી એ સ્ત્રી અસલ છે કે કમઅસલ, એની ખાત્રી કરવા બજારમાંથી એક પાકેલું તરબુજ ખરીદી, તેના બે કકડા કરી, એક રાતા રૂમાલમાં બાંધી હું ઘેર ગયો અને મ્હારી સ્ત્રીને કહ્યું કે “આ રાજકુમારનું માથું કાપી લાવ્યો છું, પણ તું કોઈને કહેતી નહી.” એમ કહી તે પોટકી પેટીમાં બંધ કરી, મનોરમાને બે કોરડા જોરથી મારી બ્હાર જતો રહ્યો. હું બ્હાર નીકળ્યો કે તરતજ એ કુળવંતી નારીએ બૂમરાણ કરી મૂકી અને લોકોની ઠઠ મેળવી. એ કોલાહલ સાંભળી કોતવાલ સાહેબ તેની પાસે દોડી ગયા અને તેને શોર બકોર કરવાનું કારણ પૂછ્યું. પોતાની દાઝ કાઢવાનો યોગ્ય સમય હાથ લાગેલો જોઈ એ કુળવંતી નારીએ બધી વાત કોતવાલને કહી સંભળાવી. એટલે કોતવાલ સાહેબે મ્હને બાંધી આપની સમક્ષ હાજર કર્યો. અને કોતવાલના કહેવા પરથી આપે મ્હને સૂળીએ ચઢાવવાનો હુકમ આપી દીધો. મ્હેં મ્હારા ચાકર સાથે એ ખબર મનોરમાને કહેવડાવી, છતાં તેણે મ્હને ઉગારવાની કાંઈ પણ ચેષ્ટા ન કરતાં આનંદ પ્રદર્શિત કર્યો. એટલે એ અસલની કમઅસલ કહેવાય ને ? રાજાએ એ વાત કબુલ કરી, એટલે બીરબલે આગળ ચલાવ્યુ કે :—

“મહારાજ ! આ રંભા જાતે નાયકા હોવાથી કમઅસલ છે, છતાં મ્હારી સાથે ગાઢ પ્રેમ ધરાવતી હતી. જ્યારે તેણે મ્હને સૂળી ચઢાવવા લઈ જવાતો જોયો કે, તરતજ તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે હીંમત રાખી આપને રીઝવી મ્હારો પ્રાણ બચાવ્યો. માટે એ કમઅસલની અસલ ખરીને ?”

રાજાએ એ વાત પણ કબુલ રાખી એટલે બીરબલે આગળ ચલાવ્યું “મહારાજ ! લો, હવે આપની સ્હામે બેઠેલો આ કોતવાલ એજ બજારનો કૂતરો છે.”

આ સાંભળી કોતવાલ બોલી ઉઠયો “મ્હને બજારનો કૂતરો શા માટે બનાવ્યો ?”

બીરબલે કહ્યું “કૂતરાનો જાતિ સ્વભાવ એ છે કે જ્યાં સુધી તેને રોટલાનો ટુકડો ખાવા મળે, ત્યાં સુધી ધણીની તાબેદારી કરી અનેક પ્રકારના લાડ લડે. તમે પણ એજ સ્ભાવવના છો. જુઓ, સાંભળો, જે વખતે મ્હારી બાયડીએ તમને રાજકુમારનું માથું પેટીમાં મૂકવા સંબંધીની વાત કહી, તે વખતે તમે કાંઈ પણ ખાત્રી કર્યા વગર મ્હને પકડી, મારી શકાય તેટલો માર મારી, આબરૂ લુંટવામાં કચાશ રાખી નહીં. અરે, એટલું જ નહીં, પણ હું કોણ છું ? મ્હારી રીત ભાત કેવા પ્રકારની છે, તે પણ ન વિચારતાં તમે તદ્દનજ બેશરમ બની ગયા. મ્હારી સાથે મ્હારે ખર્ચે તમે મોજ ઉઠાવી, છતાં મ્હારીજ ગરદન કાપવા તૈયાર થયા. મ્હારે માથે ઘેરાયલા આફતના વાદળને વિખેરી મ્હને બચાવવાને બદલે, મ્હારૂં લૂણ હરામ કરી, મ્હારી ઉપર અત્યાર ગુજારી, રાજા આગળ બહાદુરી બતાવી, ઈનામ મેળવવા ખાતર તું આવો અધમ બન્યો, માટે તું બજારનો કૂતરો કહેવાય કે નહીં ?” રાજાએ તે વાત માન્ય રાખી એટલે બીરબલે ધીમે સાદે કહ્યું “મહારાજ ! હવે માત્ર ‘ગાદીનો ગધેડો’ એ વસ્તુ બાકી રહી. પરંતુ બેઅદબી માફ કરજો, એ ઉપમા આપને જ લાગુ પડે છે.”

રાજાએ સહેજ ક્રોધે ભરાઈ પૂછ્યું “એ કેવી રીતે ?”

બીરબલે કહ્યું “મહારાજ ! આપે મ્હારા અપરાધની કાંઈ પણ તપાસ કર્યા વગર, એક હલકા અને નીચ વૃત્તિના માણસના વચનોમાં શ્રદ્ધા રાખી, મ્હને મારી નાંખવાનો હુકમ આપી દીધો, માટે જ એ ઉપમા આપને લાગુ પડે છે. લગાર આપ પોતે જ વિચાર કરી જુઓ. પ્રથમ તો આપે રાજકુમારની જ તપાસ કરી હોત તો કદાચ આવું પરિણામ આવવાને સંભવ રહેત જ નહીં, કેમ, એ ચારે વસ્તુઓ આપને પહોંચી ગઈ ને ? જો પહોંચી ગઈ હોય તો શહેનશાહ અકબર બાદશાહની ખાત્રી માટે પહોંચ લખી આપો.”

બીરબલની ચતુરાઈ, તેની અપાર બુદ્ધિ અને અદ્‌ભુત ખૂબી જોઈ રાજા અત્યંત પ્રસન્ન થયો અને કીમતી પોષાક અને અમૂલ્ય આભૂષણો મંગાવી તેને ભેટ આપી. અને ચારે વસ્તુઓ મળ્યાની પહોંચ ૫ણ લખી આપી, બીરબલને મોટા માન સહિત વિદાય કર્યો.

બીરબલ બન્ને સ્ત્રીઓને સાથે લઈ દિલ્હી આવી પહોંચ્યો. બીજે દિવસે સ્હવારે બાદશાહ આગળ હાઝર થઈ પેલી પહોંચ રજુ કરી. બાદશાહે તેનાં અત્યંત વખાણ કર્યો અને ભારે શિરપાવ આપ્યો.