બીરબલ વિનોદ/બીરબલ અને તાનસેનની પરિક્ષા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પરિક્ષકની બલિહારી બીરબલ વિનોદ
બીરબલ અને તાનસેનની પરિક્ષા
બદ્રનિઝામી–રાહતી
ઢેડ પંચનો ન્યાય →


વાર્તા ૧૫૪.
બીરબલ અને તાનસેનની પરિક્ષા.

દિલ્હી શહેરમાં તાનસેન નામનો પ્રખ્યાત ગવૈયો હતો. તે ગાયન અને વાદન કળામાં અદ્વિતીય હતો. તેને ગંધર્વની ઉપમા આપીયે તો પણ અતિશયોક્તિનો સંભવ નથી. ચાતુર્ય માટે જેમ બીરબલ વિખ્યાત હતો, તેમ સંગીત કળામાં તાનસેન એક્કો હતો. તેની ખ્યાતિ સાંભળી, દેશ દેશથી ગવૈયાઓ તેને મળવા આવતા અને તેઓ પણ તેની અદ્‌ભુત ગાયન કળાથી આશ્ચર્ય પામતા. અને જ્યારે તેઓ પોતાને દેશ પાછા ફરતા, ત્યારે ત્યાંના રાજા આગળ તેનાં વખાણ કરતા. ગવૈયાઓને મોઢે વખાણ સાંભળી રાજાઓ પણ કાંતો તાનસેનને પોતાને ત્યાં જ બોલવતા અથવા ખુદ દિલ્હીમાં આવી તેનું ગાયન સાંભળતા. બીચારા તાનસેનને પોતાની ઉત્તમતા અને વિખ્યાતી વિષે સ્હેજ પણ અભિમાન ન હતું, પરંતુ મુસલમાનો તેને માટે મગરૂર હતા. તેઓ બીરબલ કરતાં તાનસેનની ઉત્કૃષ્ટતા લોકો આગળ વર્ણવી બતાવતા, કેમકે બીરબલની પદ્વિ એકદમ ચઢી જતાં, તેઓ તેના પ્રત્યે દ્વેષભાવ ધરાવતા હતા. ધીમે ધીમે તેઓએ બાદશાહ આગળ પણ તાનસેનનાં જોઈયે તે કરતાં વિશેષ પ્રમાણમાં વખાણ કરવા માંડ્યાં. બાદશાહ પેલાઓની મતલબ સમજી ગયો હતો અને બીરબલ પ્રત્યેનો તેમનો દ્વેષભાવ તેનાથી ગુપ્ત રહેવા પામ્યો ન હતો. હદ ઉપરાંતની તાનસેનની પ્રશંસા અકબર સાંખી ન શક્યો. એક દિવસ દરબાર ભરાયો હતો, ત્યાં બીરબલના વિરોધીઓએ તાનસેનના અતિશયોક્તિ મિશ્રિત વખાણ કરવા માંડયાં. એટલે બાદશાહ બોલી ઉઠ્યો “તમે લોકો તાનસેનના આટલા બધા વખાણ કરો છો, એટલે તે મહા ગુણવાન હોવો જોઈએ, છતાં બીરબલની બરાબરી કરી શકે એમ નથી.”

બાદશાહનો આ ઉત્તર સાંભળીને પેલા ચુપ જ થઈ ગયા. દરબાર બરખાસ્ત થયા પછી પેલા બધા દરબારીયો એક મોટા ઉમરાવના મહેલમાં એકઠા થયા, અને શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. તેમણે એવો ઠરાવ કર્યો કે, ‘એજ મહેલને ઉત્તમ રીતે શણગારી તાનસેનની મજલિસ મુકરર કરવી અને બાદશાહને પણ આમંત્રણ આપવું.’

બીજે જ દિવસે મજલિસ નક્કી કરી, બધા અમીર ઉમરાવો, દરબારીયો અને બાદશાહને આમંત્રણ આપવામાં આવ્યું. મહેલને એવી ઉત્તમ રીતે શણગારવામાં આવ્યો હતો કે થોડીક પળ સુધી તો માણસ સ્વર્ગમાંજ પોતાને વિચરેલો ગણે. રાત્રે મુકરર સમયે બધા માણસો આવી પહોંચ્યા અને તાનસેન પણ હાઝર થઈ ગયો, એટલે થોડાક અમીર ઉમરાવો જઈને બાદશાહને તેડી લાવ્યા.

બાદશાહ આવી પહોંચતાં સૌએ ઉઠીને પ્રણામ કર્યા. બાદશાહે જોયું કે આખા મહેલમાં માત્ર એક જ દીવો બળે છે, એટલે તેણે પૂછ્યું “મહેલને આવી ઉત્તમ રીતે શણગાર્યો છે, છતાં માત્ર એક જ દીવો કેમ સળગાવ્યો છે ?”

પેલા અમીરે કહ્યું “હુઝૂર ! હમણાં જ બધા દીવા સળગાવવામાં આવશે.”

અમીરે ઈશારો કરતાં તાનસેને ગાયન શરૂ કર્યું. પ્રથમ પગલે જ દીપક રાગ અલાપ્યો અને એવી તો ઉત્તમ રીતે ગાયો કે તેના પ્રભાવથી બધા દીવા સળગી ઉઠ્યા, ચારે તરફથી ‘વાહ વાહ’ના પોકારો સંભળાવા લાગ્યા.

ત્યારબાદ તેણે સંપૂર્ણ રાગ રાગણી ગાઈ સંભળાવી અને છેવટે મલ્હાર રાગ શરૂ કર્યો. મલ્હાર રાગ શરૂ થયો કે તરત જ વરસાદ વરસવા લાગ્યો. ગ્રીષ્મઋતુ વર્તમાન હોવાથી લોકો બફાઈ જતા હતા, પણ વરસાદ પડવાથી બધાનાં મન શાંત થયાં. જ્યાં સુધી મલ્હાર રાગ ચાલુ રહ્યો, ત્યાં સુધી વરસાદ પણ ચાલુ જ રહ્યો.

બાદશાહ પણ એ ચમત્કાર જોઈ ઘણો જ આનંદ પામ્યો. અમીરખાન નામના એક ઉમરાવે લાગ જોઈ બાદશાહને અરઝ કરી “હુઝૂર ! બીરબલ કરતાં તાનસેનની ઉત્કૃષ્ટતા આપે આજે નજરો નજર નિહાળીને ?? હુઝૂર ! તાનસેનને બીરબલની પદ્વિ આપવામાં કાંઈ વાંધો આવી શકે એમ છે ?” અન્ય અમીર ઉમરાવોએ પણ તેમાં પોતાની સંમતિ દર્શાવી. પરંતુ બાદશાહે ચોખ્ખા શબ્દોમાં કહ્યું “જો કે તાનસેન જોઈએ તેવો ગુણવાન છે, છતાં બીરબલની બરાબરીયે આવી શકે એમ નથી, પણ જ્યારે તમે આવી રીતે અતિશય આગ્રહ કરો છો, તો હું પણ તમને ખાત્રી કરાવી આપીશ કે, એ બન્નેમાં કોણ વધુ ગુણવાન છે ?”

ત્યારબાદ સૌને ફૂલપાન વગેરે આપી મજલિસ ખતમ કરવામાં આવી.

બીજે દિવસે બાદશાહે બ્રાહ્મદેશના રાજા ઉપર એક કાગળ લખી કાઢ્યો, તેમાં એવું લખ્યું હતું કે “આ પત્ર લાવનાર બન્ને માણસોને તરત જ ગરદન મારી દેજો. લગાર પણ ઢીલ કરશો નહીં.” પછી પોતાની મહોર વગેરે લગાવી બીરબલ અને તાનસેનને બોલાવી કહ્યું “આ પત્ર લઈ એક ઝરૂરનું કામ બજાવવા બ્રહ્મદેશના રાજા પાસે જાવ. બીજા કોઈથી એ કામ બની શકે એમ નથી, તમે જશો તો જલદીથી નિવેડો આવી જશે.”

સર્વ પ્રકારની તૈયારી કરી બીજે જ દિવસે બીરબલ અને તાનસેન રવાના થઈ ગયા. મહીનાઓની સફર કર્યા બાદ તેઓ બ્રહ્મદેશમાં જઈ પહેંચ્યા. શહેરની પાસે પહોંચતાં રાત પડી જવાને કારણે દરવાજા બંધ જોયા, એટલે રાતની રાત બ્હાર જ વીતાડવાનો નિશ્ચય કરી બીરબલે કહ્યું “ભાઈ તાનસેન ! અહીં આપણે પહેલ વહેલા જ આવેલા છીએ અને વળી જંગલમાં પડ્યા છીયે, માટે વારાફરતી આપણામાંના અકેકે પહેરો ભરવો જોઈએ.”

બીરબલની એ વાત તાનસેને પણ કબુલ કરી અને પ્રથમ જાગવાનું પણ તેણે જ કબુલ્યું. બીરબલ સૂઈ રહેવાની તૈયારી કરતો હતો, એવામાં ત્યાંથી એક ગામડીયો પસાર થતો હતો, એણે એમને દૂરથી જોયા એટલે પાસે આવી કહેવા લાગ્યો “ભાઈ ! તમે પરદેશી હોય એમ દેખાવ ઉપરથી જણાય છે. તમે મહેરબાની કરીને અહીં જ પાસે આવેલી મ્હારી ઝુંપડીમાં આવી નિરાંતે સૂઈ રહો. અહીંયાં વાઘની ધાસ્તી ઘણી છે, માટે અહીંયાં સૂઈ રહેવું યોગ્ય નથી.”

તાનસેનને તો એટલું જ જોઈતું હતું, પણ બીરબલે લગાર આનાકાની કરવા માંડી. પણ પેલા ગામીયાએ દયા લાવી–પોતાની ગામડીયા ઉદારતાને વશ થઈ–ઘણા કાલાવાલા કર્યાથી બીરબલે પણ જવાનું કબુલ કર્યું, અને બંનેએ સરસામાન ઉપાડી લીધો; ગામડિયાએ પણ તેમની મજુરીમાં ભાગ પડાવ્યો. થોડીજવારમાં પેલા ગામડીયાની ઝુંપડી આવી પહોંચી, ઘોડાઓને વાડામાં છોડી તે બન્નેને ઝુંપડીમાં લઈ ગયો, અને નિરાંતે સૂવાડ્યા. સ્હવારમાં ઉઠી બન્ને જણે જવાની તૈયારી કરી, પણ ગામડીયા લોકોની મહેમાનદારી લૂખી ન હોય, “ખાઈપીને જાવ” એવો આગ્રહ થયો, એટલે રોકાયા. પેલા બીચારા ગરીબ ગામડીયાએ ગામડામાં મળતી બધી સારી સારી ચીજો રાંધી હતી, તેણે ઘણા જ પ્રેમપૂર્વક અને અજ્ઞાત મહેમાનોને જમાડ્યા. તે વખતે તેની મુખમુદ્રા ઉપર વિચિત્ર પ્રકારનો આનંદ વિલસી રહ્યો હતો. ખરેખર, ગામડાના લોકો હજુ સુધી પણ મહેમાનદારીના તત્વને શહેર વાળાઓ કરતાં વધુ સારી પેઠે સમજે છે.

જમી રહ્યા બાદ બીરબલ અને તાનસેન પેલા ગામડીયાની રજા લઈ ઘોડાઓ ઉપર સ્વાર થઈ શહેર તરફ ચાલ્યા. શહેરમાં દાખલ થતાં જ તેઓ આશ્ચર્યચકિત્‌ થઈ ગયા. પોતે જાણે ઇંદ્રપુરીમાં જ વિચરતા હોય એમ તેમને લાગ્યું. ચારે બાજુએ વહેપારીયોની ગંજાવર દુકાનો આવેલી હતી. નગરજનોના ચહેરાઓ ઉપર પણ ઉદાસિનતા જણાતી ન હતી, બલ્કે એક પ્રકારનું નૂર દેખાતું હતું. બીરબલ અને તાનસેનનાં કપડાં રાજવંશી જેવાં હોવાથી લોકો તેમને માન આપતા. તેઓ લોકોને પૂછતાં પૂછતા દરબાર આગળ જઈ પહોંચ્યા, પણ ત્યાં અત્યંત ભીડ જામેલી હોવાથી તેમને રસ્તો ન મળ્યો. એવામાં ચોબદારના નઝર તેમના ઉપર પડી, તેણે તેમને પરદેશથી આવેલા કોઈ રાજવંશી પુરૂષો ધારી લીધા, તરત જ પાસે આવી સલામ કરી સમાચાર પૂછ્યા. બીરબલે કહ્યું “અમે દિલ્હીથી બાદશાહી સંદેશો લઈને આવ્યા છીયે, માટે રાજા સાહેબને અમારા આગમનની ખબર આપો.” ચોબદાર તેમને અંદર લઈ ગયો અને થોડે દૂર ઉભા કરી, રાજા આગળ જઈ માથું નમાવી, તેણે કહ્યું “પૃથ્વી પતિ ! દિલ્હીથી અકબર બાદશાહનો સંદેશો લઈને તેમના બે દરબારીયો અત્રે આવી પહોંચ્યા છે. આપ જો રઝા આપો તો હાઝર કરૂં ?”

રાજાએ રઝા આપવાથી ચોબદાર બીરબલ અને તાનસેનને રાજા આગળ લઈ ગયો. રાજાએ તેમને બેસવા આસન આપ્યું. ત્યારબાદ દરબારનું કાર્ય ખલાસ થતાં, રાજાએ તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું. તેના જવાબમાં બીરબલે બાદશાહનો આપેલો કાગળ તેના હાથમાં મૂક્યો. રાજાએ પત્ર ઉઘાડી વાંચ્યું, ત્યારે તેના આશ્ચર્યનો પારજ ન રહ્યો. તે કાગળમાં નીચે પ્રમાણે લખાણ લખાયું હતું :—

બ્રહ્મદેશના રાજા જોગ—

દિલ્હીથી લા. હીંદુસ્થાનનો સૌથી મ્હોટો બાદશાહ, જેનું રાજ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના સઘળા દેશમાં લંબાયલું છે તે, હું તમને આ પત્રદ્વારા જણાવું છું કે આ પત્ર લઈને આવનાર મ્હારા દરબારના આ બે માણસોને કેટલાક ખાનગી કારણોને માટે ગરદન મારવા છે; પરંતુ એ કામ ખાનગી રીતે કરવાનું હોવાથી અત્રે બની શક્યું નથી એટલે તમારી પાસે એમને મોકલ્યા છે, માટે તેમને વગર ઢીલે ગરદન મારજો. વિગેરે વિગેરે.”

રાજાએ તે પત્ર પોતાના પ્રધાનના હાથમાં મૂક્યો. એ પણ વાંચીને ઘણો જ અજાયબ થયો. રાજાએ તેને પૂછ્યું “કેમ પ્રધાન ! તારો શો વિચાર છે ?” પ્રધાન અતિશય ચતુર હતો, તેણે કહ્યું “મહારાજ ! આમાં કાંઈપણ ભેદ હોવો જોઈએ, માટે એમને એક અઠવાડીયા સુધી હાલ તરત તો કેદમાં રાખીએ અને શું કરવું એનો નિર્ણય કરી લેશું.” રાજાએ પણ તેની સલાહ યોગ્ય ગણી. પ્રધાને ઈશારત કરવાથી સિપાહીઓએ બન્નેને કેદ કરી લીધા. આ પ્રકાર જોઈ તાનસેનના તો હોંશકોશ જ ઉડી ગયા. પ્રધાને એમ કરવાનું કારણ તેમને કહી સંભળાવ્યું અને પછી તેમને કેદખાનામાં લઈ જવાનો હુકમ કર્યો, પ્રધાન સાહેબનો હુકમ મળતાં જ સિપાહીઓ તેમને કારાગૃહમાં લઈ ગયા અને પ્રધાનના હુકમ મુજબ બન્નેને એકજ ઓરડીમાં કેદ કર્યા. સીપાઈના ગયા પછી તાનસેને બીરબલને કહ્યું “ભાઈ બીરબલ! આતો આપણે અહીં આવીને ફસાઈ પડ્યા. બાદશાહે તો ગરદન મારવાનો જ હુકમ લખી મોકલ્યો છે, માટે આપણું મોત આવી પહોંચ્યું એતો નક્કી જ. હુંતો કાંઈ આમાં સમજી શકતો નથી, જો તારી અક્કલ પહોંચતી હોય તો કોઈ રસ્તો શોધી કાઢ !!!”

બીરબલ તો મનમાં સમજી ગયો હતો કે ‘બાદશાહે પરિક્ષા લેવા ખાતર આ તાગડો રચ્યો છે.’ તેણે તાનસેનને કહ્યું “ભાઈ ! આપણા બચવાનો માત્ર એકજ ઉપાય છે અને તે એકે જ્યારે આપણને ગરદન મારવાની જગોએ લઈ જાય, ત્યારે આપણે બંન્નેયે એક બીજાથી અગાઉ મરવાની ઈચ્છા પ્રગટ કરવી, એના કરતાં બીજી કોઈ વધારે સારી યુક્તિ મ્હને તો જણાતી નથી. પછીતો જે બનવાનું હશે તે બનશે.”

જેમ તેમ કરતાં તેમણે અઠવાડીયું કેદખાનામાં ગાળ્યું. આઠમે દિવસે સ્હવારે સીપાહીયો તેમને ગરદન મારવાની જગ્યાએ લઈ ગયા. તાનસેન બીરબલના શીખવાડ્યા મુજબ બહારથી તો ખુશી દેખાતો હતો, પણ મનમાં બાર હાથનો ખાડો પડલો હતો. જ્યારે ગરદન મારવાની જગ્યાએ તેમને લઈ જઈ ઉભા કરવામાં આવ્યા એટલે બીરબલ ‘મ્હને પ્રથમ ગરદન મારો’ કહી આગળ વધ્યો. તેને એ પ્રમાણે આગળ થતો જોઈ તાનસેન તેને પાછળ હઠાવી પોતે આગળ આવ્યો અને ‘મ્હને પ્રથમ મારો’ એમ કહેવા લાગ્યો. એવી રીતે બેઉ જણે એક બીજાની પહેલાં મરવાની ઈચ્છા બતાવી. આ બનાવ જોઈ સિપાહીયો હસવા લાગ્યા. તેઓએ વિચાર્યું કે “આ લોકો પાગલ થઈ ગયા છે કે શું ?”

ત્યાર પછી તેઓમાંનો એક સિપાહી દોડતો દોડતો દરબારમાં પહોંચ્યો અને રાજાને બધી વાર્તા સંભળાવી. પ્રધાને કહ્યું “નામદાર ! મ્હેંતો આપને પ્રથમ જ કહ્યું હતું કે એમાં અવશ્ય કાંઈ ભેદ હોવો જોઈએ. નહીં તો એવો તે કોણ હોય જે આવી રીતે ખુશીખુશી મોત માગે ?! માટે એમને અહીં બોલાવી એનો ખુલાસો મેળવવો જોઈએ.” રાજાએ પણ એ પ્રસ્તાવ પસંદ કર્યો અને બન્નેને દરબારમાં હાઝર કરવાનો હુકમ આપ્યો. થોડીજ વારમાં બન્નેને રાજા આગળ હાઝર કરવામાં આવ્યા. પ્રધાને બીરબલ તરફ ફરીને પૂછ્યું “તમે એક બીજાની પહેલાં મારવાનું કેમ પસંદ કરો છો ?”

બીરબલે કહ્યું “તમને એ વાતનો ખુલાસો કહેવાથી અમને ગેરલાભ થવાનો સંભવ છે, માટે આપ એ સવાલજ ન કરો તો સારું !!”

બીરબલના આવા વચનોએ તેમની શંકામાં વધુ ઉમેરો કર્યો. રાજા અને પ્રધાને થોડીવાર વિચાર કર્યા પછી તેમને કહ્યું “તો તમે એ વાતનો ખુલાસો નહીં કરો તો અમે તમને જન્મભર બંદીખાનામાં રાખીશું, માટે જે કાંઈ વાત હોય તે સાચે સાચી કહી સંભળાવો.”

બીરબલ જાણે એ વાત કહેવાથી દિલગીર થતો હોય એવો બ્હારથી ડોળ બતાવી બોલ્યો “મહારાજ! જ્યારે આપ એ વાત કહેવા માટે અમને મજબૂર કરો છો એટલે અમને કહ્યા વગર છૂટકો નથી. પણ હું સાચું જ કહું છું કે, એ વાત કહેવાથી ખરેખર અમને ઘણોજ ગેરફાયદો થશે. ખેર, જે બનવા કાળ હશે તે બનશે જ. જુઓ, સાંભળો ! અકબર બાદશાહ ઘણો કાળ થયાં આપનું રાજ્ય પડાવી લેવાનો વિચાર કરે છે, પણ આપ તેના કરતાં બળવાન રહ્યા એટલે તમારી સ્હામે રણસંગ્રામમાં ઝઝુમવાની તેની હીંમત ચાલી નહીં. પણ એક દિવસ દરબારમાં તેણે પોતાની ઇચ્છા કહી સંભળાવી એટલે એક પંડિત સભાસદે બાદશાહને કહ્યું કે ‘જો આ દરબાર માંહેના બે માણસોનો જીવ તે રાજા લે તો, તેના મરણ પછી જે પ્રથમ માર્યો ગયો હોય તે રાજા થાય અને બીજો તેનો પ્રધાન બને અને તેઓ બાદશાહની તરફેણના હોવાથી રાજ્ય બાદશાહના કબ્જામાં વગર જંગે આવી જાય.’ બાદશાહે બધા લોકોની સંમતિથી અમને મોકલ્યા, માટે આપ સ્હેજ પણ ઢીલ કર્યા વગર અમને ગરદન મારો.”

બીરબલનો એ ખુલાસો સાંભળી રાજા ચમક્યો, તેણે પ્રધાનનો મત પૂછ્યો. પ્રધાન પણ વિચારમાં પડી ગયો હતો. તે બોલી ઉઠ્યો “માહારાજ ! એ લોકોના માહોમાંહેના કજીયા ઉપરથી તો એ વાત ખરી હોય એમ લાગે છે. જો આપણે એમને મારીશું, તો આપણને હાનિ પહોંચવાનો દરેક સંભવ છે, માટે જેમ એ લોકો કાગળ લઈને આવ્યા તેમ એમને અત્રેથી જવાબ કહીને મોકલાવી દેવા જોઈએ. કાગળ લખી આપવાનીયે કાંઈ જરૂર નથી, જે કાંઈ કહેવું હોય તે મોઢે મોઢેજ કહી દો એટલે પત્યું.”

રાજાને પણ એ યુક્તિ પસંદ પડી. તેણે કહ્યું “આપણે કાંઈ અકબરના નોકર બોકર નથી કે તેનો ફરમાન બજાવીએ. (બીરઅલ અને તાનસેન તરફ ફરીને) અમે તમને ગરદન મારવામાં ખુશી નથી, માટે તમે પાછા તમારે દેશ જાઓ અને તમારા બાદશાહને જઈને કહેજો કે ‘બ્રહ્મદેશનો પ્રતાપશાલી મહારાજા કાંઈ તમારો તાબેદાર નથી કે તમારો ફરમાવેલો હુકમ બજાવે. તમને જો ગરદન મારવા હોય તો પોતાના રાજ્યમાં જ મારો, અમે નિર્દોષ માણસોને મારીને પાપી બનવા નથી ઈચ્છતા, માટે તમે જેવા આવ્યા હતા તેવા પાછા જાવ.”

તાનસેનના મનમાં તો આનંદ થવા લાગ્યો, પણ બીરબલ બોલી ઉઠયો “અરે મહારાજાધિરાજ ! અમો ગરીબો ઉપર દયા તો લાવો !! પહેલાં અમને મારી નાંખવાનું કહ્યા પછી, હવે ના પાડો છો , એ અમારે માટે તો ઝુલ્મ જેવું જ ગણાશે. કૃપા કરીને અમને ગરદન મારો. ઈશ્વર તમારું કલ્યાણ કરશે !! તમે જ્યારે અમારી છુપી વાત ઝાહેર કરવાની ફરઝ પાડી, ત્યારે જ અમે તે કહી. મ્હેં તો અગાઉથી જ અરઝ કરી હતી કે, એ વાત કહેતાં અમને નુકશાન થશે, અને થયું પણ. છતાં હજીયે અમારી ઉપર દયા લાવી અમને ગરદન મારવાની આજ્ઞા આપો !”

રાજાએ કહ્યું “તું જેટલું બોલશે એટલું બધુંયે વ્યર્થ જવાનું. વિષનો પ્યાલો જાણી લીધા પછી કયો મૂર્ખ છે જે પીયે ? બધી વાત જાણી ચૂક્યા બાદ હું શા માટે હાથે કરીને દુઃખમાં પડું ?! માટે હું તમને અત્યારે ને અબઘડીયેજ મ્હારા નગરમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરું છું. અકબર મ્હારા એક સૌથી ન્હાના વઝીરની પદ્વિને પણ યોગ્ય નથી. એ મ્હને શું કરી શકે એમ છે ?!! જો તમે અત્યારે જ નહીં ચાલ્યા જાવ, તો મ્હારા સીપાહીઓ તમને બળાત્કારે પણ નગરમાંથી કાઢી મૂકશે.”

બીરબલ બોલ્યો “મહારાજ ! જ્યારે આપ નામદારની એવી જ ઈચ્છા છે તો, અમારો કાંઈ ઉપાય નથી. પણ જો અમે દિલ્હી પાછા જઈશું તો બાદશાહ અમારા પર રોષે ભરાશે. પરંતુ, જ્યારે આપ નાજ પાડો છો એટલે નિરાશ થઈને પાછા ફર્યા વગર છૂટકોજ નથી !!” એમ કહી જાણે પોતાને કેટલુંક નુકશાન થયું હોય તેમ ભારે ખેદ દર્શાવી રાજાની રજા લઈ બન્ને જણ દિલ્હી તરફ રવાના થઈ ગયા.

મંજલો કાપતા તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા, ત્યારે દરબારનો વખત થયેલો હોવાથી ઘેર જવાને બદલે સીધા દરબારમાં જ ગયા. બાદશાહે તેમને ભારે આવકાર દઈ બેસાડ્યા પછી ત્યાં શું બન્યું તે પૂછયું. તાનસેન બોલી ઉઠ્યો “ હુઝૂર! જો બીરબલ ન હોત અને કોઈ બીજો સાથે હોત તો આજે અહીં આપની સેવામાં પાછા આવી શક્યા ન હોત. બીરબલના અપૂર્વ બુદ્ધિ કૌશલ્યના યોગે આપનાં દર્શન પાછા કરવાનું ભાગ્ય પામી શક્યા છીએ. નહીં તો, ત્યાંજ સો વર્ષ પૂરાં થઇ ચુક્યાં હોત.” એમ કહી તેણે ત્યાં બનેલી બધી વાત કહી સંભળાવી. પછી બાદશાહે બીરબલના વિરોધી સરદારોને સંબોધી કહ્યું “મ્હેં તમને એ દિવસેજ કહ્યું હતું કે બેમાંથી વધુ હુશિયાર કોણ છે, તેનો સાક્ષાત્કાર કરાવી આપીશ. એ કદાચ તમને યાદ જ હશે ?! લ્યો, જુઓ ! તમારો માનીતો તાનસેન પોતે જ શું કહે છે ? હું હવેથી સખ્ત તાકીદ કરૂં છું કે, તમારે કોઈ પણ દિવસ બીરબલની વિરૂદ્ધતા કે અદેખાઈ કરવી નહીં.’

આ પ્રમાણેનું બાદશાહનું બોલવું સાંભળી અમીરખાન બોલી ઉઠ્યો “જહાંપનાહ ! ખરેખર, હવે અમને ખાત્રી થઈ ચુકી છે. જેને જે છાજતું હોય એજ એને આપવું, એ આપજ પારખી શકો એમ છે !!”

ત્યારબાદ બાદશાહે બીરબલને ઘણીજ શાબાશી આપી.