બીરબલ વિનોદ/ઢેડ પંચનો ન્યાય
← બીરબલ અને તાનસેનની પરિક્ષા | બીરબલ વિનોદ ઢેડ પંચનો ન્યાય બદ્રનિઝામી–રાહતી |
છતી આંખે અંધ, પેઢીનું નાક, હાથનું મણી, બજારની ખાટ ને નરકની વાટ → |
એક પ્રસંગે અકબર અને બીરબલ એકાંતમાં વાતો કરતા બેઠા હતા, ત્યાં વાતપરથી વાત નીકળતાં બીરબલે કહ્યું “હુઝૂર ! જો મ્હારો કાંઈ વાંક થઈ જાય તો, હું કહું તેની પાસે મ્હારો ન્યાય કરાવજો.” બાદશાહે કહ્યું “ભલે, જેવી તારી મરઝી !”
કેટલાક દિવસ પછી એવું બન્યું કે, બીરબલે કાંઈક જાણી જોઈને વાંક કર્યો અને બાદશાહે તેને દંડ કરવાનો વિચાર કર્યો. બીરબલ ચેતી ગયો કે ‘આજે દસ પંદર હઝાર રૂપીયાનું પાણી થશે’ એટલે તેણે હાથ જોડી અરઝ કરી હુઝૂર ! મ્હેં ગુનોહ કર્યો છે એ ખરૂં છે, પણ આ૫ મ્હને શિક્ષા ફરમાવી શકો એમ નથી; કેમકે જો આપને ઈન્સાફથી મ્હારો દંડ કરવોજ હોય તો આપેલા વચન પ્રમાણે હું કહું તેની પાસે મ્હારો ન્યાય કરાવવો જોઈયે.”
બાદશાહે કહ્યું “ભલે, તું કહે તે પાંચ માણસોને બોલાવું અને તેઓ જે દંડ નક્કી કરે તે મ્હને પણ કબુલ છે.”
બીરબલે જણાવ્યું “હુઝૂર ! શહેરમાંથી પાંચ ઢેડાઓને બોલાવો અને તેઓ જે દંડ મુકરર કરે તે હું તરતજ આપીશ.”
બાદશાહે કહ્યું “અરે બીરબલ ! એ નીચ લોકો આગળ શા માટે ઈન્સાફ કરાવે છે ? કોઈ ઉચ્ચ વર્ણના શાહુકારને કે કોઈ બીજા સારા પુરૂષને બોલાવ ?!” બીરબલ બોલ્યો “હુઝૂર ! ભલે લોકો તેમને નીચ ગણે, પણ હું તો એમને પણ મ્હારા દેશબંધુ ઘણું છું. ઈશ્વરના દરબા૨માં તો એ અને આપણે સૌ સરખા જ છીએ. જહાંપનાહ ! મ્હારે તે એમની જ પાસે ઈન્સાફ કરાવવો છે.”
બાદશાહે સીપાહીને મોકલી પાંચ ઢેડાઓને બોલાવી મંગાવ્યા. ઢેડાઓ હાજર થઈને “કેમ માબાપ ! શી આજ્ઞા છે ?” કરીને ઉભા રહ્યા. બાદશાહે ‘બીરબલનો ઈન્સાફ કરવો છે’ એમ કહી બધી બાબત તેમને કહી સંભળાવી અને શી સજા કરવી એ નક્કી કરવાની આજ્ઞા આપી. ઢેડા તો ‘બહુ સારૂ બાપજી !’ કહીને મનમાં તો ખુશી થવા લાગ્યા કે “હાશ, આજે ઠીક લાગ આવ્યો છે ! જ્યારે ત્યા રે દરબારી આપણને કનડે છે, માટે એવી સજા કરીયે કે બધા ઠેકાણે જ આવી જાય.”
એકે કહ્યું “અલ્યા ! એને હાત વીશું ને દશ (દોઢસો) નો ડંડ કરાવીશું ?!”
બીજો બોલી ઉઠ્યો “ના, ના, ના. એતો મોકાણજ મંડાય તો ! ! એટલો બધો જો દંડ કરાવીએ તો બીચારો વગર મોતે મરી જાય. ઘરનાં છૈયાં છોકરાં ઘંટી ચાટતા થઈ જાય !!! મારો તો વિચાર છે કે પાંચ વીશું ને દશનો દંડ કરાવીયે !!”
આ સાંભળી ત્રીજો બોલી ઉઠ્યો “અલ્યા ! પણ, તમે કાંઈ ભાન ઠેકાણે રાખો ?! એટલો ડંડ બીચારો કોને ઘેરથી લાવશે ? ત્રણ વીશું ને દશનો દંડ કરાવો, દશનો. એટલે જન્મજન્માંતર ખોડ ભૂલી જવાનો !!”
આખરે રકજક કરતાં છેવટે તેઓએ ‘બે વીશુને દશ’નો ભારે દંડ નક્કી કર્યો અને તે પણ જાણે ભારે પડી જશે એમ ગણીનેજ, પછી તેમનો આગેવાન હાથ જોડીને બાદશાહને કહેવા લાગ્યો “અન્નદાતા ! અમે ઘણો જ વિચાર કર્યા પછી દંડની રકમ નક્કી કરી છે, માટે આપ જો ફરમાવો તો બોલીયે.”
બાદશાહે કહ્યું “બોલો, જોઈયે તમે કેટલો દંડ ઠેરવ્યો ?”
ઢેડા બોલ્યા “અન્નદાતા, ખુદાવિંદ! બીરબલ શાહેબનો વાંક મ્હોટો છે, એટલે દંડ પણ મ્હોટો હોય એ સ્વાભાવિક છે. અમે એવો ભારે દંડ નક્કી કર્યો છે કે જન્મભર યાદ કરશે. બે વિશુંને દશ રૂપીયાનો એમને દંડ થવો જોઇયે. બીરબલ સાહેબને આથી જો કે ઘણું ખમવું પડશે, એટલે દયાતો ઘણીએ આવે છે, પણ લાચાર છીયે !!”
બાદશાહ બીરબલની હીકમત સમજી ગયો. તેણે જાણી લીધું કે ગરીબ માણસ બીચારો પોતાની ગુંજાસ જોઈને કામ કરે. ઢેડાઓને મનથી તો પચાસ રૂપીયા ઘણાજ વધારે થઈ પડે એમાં શી નવાઇ ? બીચારા આખા વર્ષ સુધી મહેનત કરે ત્યારે જેમતેમ કરીને ચાલીસ પચાસ રૂપીયા એકઠા કરે.
બાદશાહે ઢેડાઓને વિદાય કર્યા અને બીરબલની ચતુરતા ખાતર તેનો વાંક માફ કર્યો.