બીરબલ વિનોદ/હીંમતે મર્દા તો મદદે ખુદા!

વિકિસ્રોતમાંથી
← બીરબલ હંસે તો મેંહ બરસે બીરબલ વિનોદ
હીંમતે મર્દા તો મદદે ખુદા!
બદ્રનિઝામી–રાહતી
અપ્સરા અને ચુડેલ →


વાર્તા ૧૫૧.
હીંમતે મર્દા તો મદદે ખુદા.

એક દિવસે બાદશાહે પૂછયું “બીરબલ ! લડાઈ પ્રસંગે કઈ વસ્તુ કામ લાગે ?” બીરબલે અરજ કરી “નામદાર ! તે પ્રસંગે સમયસૂચકતા કામ લાગે.”

બાદશાહે કહ્યું “અરે, બીરબલ! સમયસૂચકતા તે વળી શા ઉપયોગમાં આવે? લડાઈ વખતે તો હથીયાર કામ લાગે છે ?!” બીરબલે કહ્યું “હુઝૂર ! હથીયાર કરતાં એની વિશેષ ઝરૂર પડે. હાથ કંકણને દર્પણની શી આવશ્યકતા છે? આપ પરિક્ષા કરી જુઓ.”

બાદશાહે કહ્યું “વારૂ, કાલે પરિક્ષા લેવાશે.”

બીજે દિવસે બાદશાહે એક મસ્તાન હાથીને દારૂ પીવડાવી વધારે તોફાની બનાવી એક સાંકડા રસ્તામાં છોડી મૂક્યો અને પછી બીરબલને તે રસ્તે ઘેર જવાનો હુકમ કર્યો. બીરબલ બાદશાહની આજ્ઞાનુસાર તે ગલીમાં પેઠો કે તરતજ પેલા હાથીએ દૂરથી તેની સ્હામે દોટ મૂકી. બીરબલે આસપાસ નજર ફેરવી તો પાસે એક કૂતરો બેઠેલો જણાયો. હાથી થોડેજ છેટે રહી ગયો, એવામાં તો બીરબલે સમયસૂચકતા વાપરી પેલા કૂતરાના પાછલા પગ પકડી અદ્ધર ઉઠાવ્યો અને જોરથી ફેરવીને હાથી તરફ ફેંક્યો. દૈવયોગે કૂતરો હાથીની સૂંઢ ઉપરજ પડ્યો અને સૂંઢ ઉપર બચકું પણ ભરી લીધું. બીચારો હાથી બૂમો પાડવા લાગ્યો, એ લાગ જોઈ બીરબલ ધીમેથી તેની નઝર બચાવી પસાર થઈ ગયો. બાદશાહ આ બનાવ જોઈ ઘણોજ આશ્ચર્ય પામ્યો અને બીરબલને પાછો બોલાવી તેને ભારે ઈનામ આપ્યું.