બીરબલ વિનોદ/કંકણ અને કેશ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આપનારાનો હાથ નીચો બીરબલ વિનોદ
કંકણ અને કેશ
બદ્રનિઝામી–રાહતી
નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ →


વાર્તા ૩૮.

કંકણ અને કેશ.

એક પ્રસંગે બાદશાહ અને બીરબલ એકાંતમાં વાતો કરતા બેઠા હતા, તે પ્રસંગે બાદશાહે પૂછ્યું “બીરબલ ! તું રોજ તારી પત્નિના હાથમાં તારો હાથ લગાડતો હશે તો તારી પત્નિના દરેક હાથમાં કેટલા કંકણ છે?”

બાદશાહનો આ સવાલ સાંભળી બીરબલ વિચારમાં પડી ગયો. તેનો એવો ધારો હતો કે જુઠો જવાબ કદિએ ન આપવો. એટલે તેણે કહ્યું “નામદાર ! મારી પત્નિના હાથને મારો હાથ દિવસમાં એકાદ વખતે લાગતો હશે, પણ આપતો આપની દાઢીને દિવસમાં સેંકડો વખત હાથ લગાડો છો. તો આપ જ કહી આપો કે આપની દાઢીમાં કેટલા વાળ છે !”

આ ઉત્તર સાંભળી બાદશાહ વિચારમાં પડ્યો કે “હા એ પણ ખરી વાત ! પરંતુ દાઢીના વાળ કાંઈ ગણી શકાતા નથી, વળી બીરબલે કાંઈ કંકણ ગણી મૂકયા નહીં હોય.”

બીરબલ બોલ્યો, “નામવર ! સ્ત્રી જાતનો કાંઈ નિયમ નથી, કોઈ વેળા બે કંકણ વધારે પહેરે છે. અને કોઈવાર બે એાછા પહેરી લે છે. ખેર, એ તો રહ્યું પણ આપ દરરોજ મહેલમાં જતી વખતે સંગે મરમરના દાદર ઉપર ચઢ ઉતર કરો છો તો તેના પગથીયા કેટલા છે એ બતાવશો?”

બાદશાહે લાચાર થઈ કહ્યું “ના, એ પગથીયાં તો મેં કદિ પણ ગણ્યાં નથી.” બીરબલે કહ્યું “ખુદાવિંદ ! જે ચીઝ સ્થિર છે તે આપે ગણી નથી તો કંકણ જેવી અસ્થિર વસ્તુની ગણત્રી હું કેમ રાખી શકું?”

બાદશાહ આ જવાબ સાંભળી ચુપ થઈ ગયો.