બીરબલ વિનોદ/કહેવા કહેવામાં ફેર

વિકિસ્રોતમાંથી
← ગપ્પીદાસનો ગપાગોળો બીરબલ વિનોદ
કહેવા કહેવામાં ફેર
બદ્રનિઝામી–રાહતી
બીરબલને ગાળો →


વાર્તા ૯૫.

ગપ્પીદાસનો ગપ ગોળો.

એક દિવસે બાદશાહ અને બીરબલ બાગમાં બેસી વિનોદની વાત કરતા હતા, એવામાં એક ગપ્પીદાસ ત્યાં આવ્યો, એ માણસ જ્યારે જ્યારે આવતો ત્યારે એકને એક નવી ગપ લેતો જ આવતો; પણ તેની વાતનો કોઈ જવાબ આપી શકતું નહીં. આજે તેણે આવીને કહ્યું “જહાંપનાહ ! મેં એક નવાઈ જેવો બનાવ જોયો છે, જો આજ્ઞા હોય તો કહી સંભળાવું.” બાદશાહે 'હા' પાડી એટલે પેલો બોલ્યો “હુઝૂર ! આજે એક બકરી વાઘનો કાન પકડી જતી હતી તે મેં નઝરે જોયું.”

તેની આ ગપ સાંભળી બાદશાહ ખડ્‌ખડ્ હસવા લાગ્યો, પણ બીરબલે વિચાર કર્યો કે “એ ગપ્પીદાસને એવો બનાવવો કે ગપગોળો ફેંકવાનું જ ભૂલી જાય.' એમ ધારી તેણે કહ્યું “બેશક, તમારી વાત ખરી હોય એમ મને પણ લાગે છે; કારણ કે, મેં પણ એજ એક નવાઈ જેવો બનાવ ઘણા દિવસ ઉપર જોયો હતો. એક માણસ પોતાની ભેંસને નદીને કાંઠે પાણી પીવરાવવા લઈ ગયો. ભેંસ પાણી પીતી હતી. એવામાં એક મગરે આવીને પેલા માણસના બન્ને પગ પકડી લીધા. પેલા માણસે પણ સમયસુચકતા વાપરી ભેંસનું પૂછડું પકડી લીધું. અને પ્રાણીઓએ તેને પોતાપોતા તરફ ખેંચ્યો, છેવટે મગર તેના શરિરનો અડધો ભાગ લઈ ગયો અને બાકીનો અડધો ભાગ ભેંસના પૂંછડાને વળગી રહ્યો. એટલામાં ત્યાં એક વૈદ આવી ચઢ્યો એટલે તેણે બકરીનો પાછલો ભાગ કાપી તે માણસના ધડ સાથે સાંધી દીધો. થોડા દિવસ પછી તે માણસ સાજો થઈ ગયો અને હજુ સુધી તે બકરીની પેઠે દુધ આપે છે.”

પોતાની ગ૫ સ્હામે બરાબર દંતભંજક ગપ બીરબલે મારી છે, એમ જાણી લઈ પેલો ગપ્પીદાસ શરમાઈને ત્યાંથી ચાલતો થયો.