બીરબલ વિનોદ/ગપ્પીદાસનો ગપાગોળો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એનું નામ તે મસ્ખરી!! બીરબલ વિનોદ
ગપ્પીદાસનો ગપાગોળો
બદ્રનિઝામી–રાહતી
કહેવા કહેવામાં ફેર →


વાર્તા ૯૪.

ચપટી વિરૂદ્ધ ઠોંસો.

એક સમયે બાદશાહ દરબારમાં બેઠા હતા. દરબારનું કામકાજ ખલાસ થતાં નિત્યના નિયમ પ્રમાણે આડી અવળી વાતો ચાલવા લાગી. લહુઓ વચ્ચે વચ્ચે રમુજી વાક્યો બોલી તમામ દરબારને હસાવતો હતો. એટલામાં શાહને બગાસું આવ્યું. એટલે રીવાજ મુજબ કેટલાક લોકોએ ચપટી વગાડી.

આપણા અહીં પણ એવો રીવાજ છે કે, કોઈને બગાસું આવે તો તે પોતે અથવા બીજો કોઈ પાસે બેસનાર વચલી આંગળીને અંગુઠા સાથે મેળવી ચપટી વગાડે છે. અને આતો વળી રાજદરબારી ખાતું અને તેમાં વળી શાહ જેવાને બગાસું આવ્યું એટલે ચપટી વગર ચાલેજ કેમ ?

લહુઆથી આ પ્રસંગે ન રહેવાયું, તેણે તરતજ પોતાના એક હાથની મુઠી વાળીને પેલા ચપટી વગાડનારાઓને બતાવી. એ પ્રકાર જોઈ બાદશાહે લહુઆને પૂછ્યું “અરે એ લહુઆ ! તેં આ લોકોને ઠોંસો શા માટે બતાવ્યો ?”

લહુઓ તો એ સવાલની વાટ જોતો હતો, તેણે ઝટ હાથ જોડી અરઝ કરી કે “નામવર ! આ બધા લોકો ચપટી વગાડી એમ બતાવવા માગે છે કે 'અમે બધા નામદાર બાદશાહ સલામતને ચપટીમાં ઉડાવીયે છીએ.' પણ મ્હેં મુઠી (ઠોંસો) બતાવી તેમને જણાવ્યું કે “તમે બધા બાદશાહની મુઠીમાં છો, એટલે શેના ચપટીમાં ઉઠાવી શકો એમ છે?

આ જવાબ સાંભળી બાદશાહ બહુજ પ્રસન્ન થયો અને બધા હાજીયા દરબારીયો પણ શરમાઈને નીચું મોઢું ઘાલીને બેઠા.