બીરબલ વિનોદ/કૃતજ્ઞ અને કૃતઘ્ન
← વંતાકનું શાક | બીરબલ વિનોદ કૃતજ્ઞ અને કૃતઘ્ન બદ્રનિઝામી–રાહતી |
પીર, બબર્ચી, ભિશ્તી, ખર → |
વાર્તા ૧૦
કૃતજ્ઞ અને કૃતઘ્ન
એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું "બીરબલ ! કાલે દરબારમાં બે એવા પ્રાણીઓ લઈ આવો જેમાંનો એક કૃતજ્ઞ (ઉપકાર માનનાર) અને બીજો કૃતઘ્ન (ઉપકાર ન માનનાર) હોય. બીરબલે બહુજ વિચાર કર્યો, પણ તેનાથી કાંઈ સમજાયું નહીં, એટલે બાદશાહે સખ્ત આજ્ઞા કરી કે "જો કાલે હાઝર નહીં કરી શકો તો ફાંસીએ લટકાવીશ.”
બીરબલ દરબાર ખતમ થતાં ઘેર ગયો અને ચિંતાતુર બની પલંગ પર પડ્યો. તેની દીકરી અત્યંત ચતુર હતી, તેણે પિતાની અસ્વસ્થ તબીયત જોઈ તેનું કારણ પૂછયું. બીરબલે બધી વાત કહી સંભળાવી, જે સાંભળી છોકરીએ કહ્યું “એમાં તે શી મોટી વાત હતી? તમે ચિંતા ન કરો, હું કાલે બતાવી દઈશ.”
બીજે દિવસે જ્યારે દરબારમાં જવાનો સમય થયો ત્યારે તે છોકરી એ કહ્યું "પિતાજી ! આપના જમાઈને અને કુતરાને દરબારમાં લઈ જાઓ.” એ વાત સાંભળતાંજ બીરબલ ચેતી ગયો અને જમાઈને તથા કુતરાને સાથે લઈ જવા લાગ્યો ત્યારે પુત્રીએ કહ્યું “પિતાશ્રી ! શું તમે મને વિધવા બનાવવા ચાહો છો? બાદશાહને તમે જ્યારે કહેશો કે જમાઈ કુતઘ્ન હોય છે ત્યારે તે તરતજ તેને ફાંસીએ લટકાવવાનો હુકમ આપશે. પરંતુ, ફીકર નહીં. જો બાદશાહ તેમ કરે એટલે તરતજ તમે કહેજો કે “જહાંપનાહ ! હું અને તમે પણ કોઈના જમાઈ તો ખરા ને ?!” એટલે બાદશાહ શાંત પડી જશે.”
એટલું કહી તેણે બીરબલને દરબારમાં જવા દીધો. દરબારમાં પહોંચતાંજ બાદશાહે પૂછયું “કેમ બીરબલ પેલા પ્રાણીઓ લઇ આવ્યા?” બીરબલે તરતજ જમાઈને અને કુતરાને આગળ કરી જણાવ્યું “જહાંપનાહ ! જમાઈ જેવો કોઈ કૃતઘ્ની નહીં કેમકે સાસુ સસરો ગમે તેવા વ્હાલ ભર્યા વર્તનથી તેને વધાવે–પોતાનું મન કાઢી આપે-પણ તે કદિએ ઉપકાર નહીં માને. અને કુતરા જે કોઈ કૃતજ્ઞી નહી, કેમકે ગમે તેવું દુખ આવી પડે, છતાં એ પોતાના માલિકનો સંગાથ છોડતો નથી.”
અકબરે કહ્યું "બરાબર છે.” તે બાદ સિપાહીયોને હુકમ કર્યો “ આ બીરબલના જમાઈને ફાંસીએ લટકાવો. એવા કૃતઘ્નીનું અમારે ત્યાં કાંઈ કામ નથી.” ત્યારે બીરબલે હાથ જોડી કહ્યું “જહાંપનાહ ! પહેલાં આપણે પણ સૂળીયે ચઢીયે, કેમકે હું અને આપ પણ કોઈના જમાઈ તો ખરાજને ?!”
બાદશાહ આ જવાબ સાંભળી ઘણાોજ ખુશ થયો અને બીરબલને ભારે ઇનામ આપ્યું.