લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/ચારે ગુણ સ્ત્રીમાં

વિકિસ્રોતમાંથી
← રોગનું મૂળ ખાંસી ને વિનાશનું મૂળ હાંસી બીરબલ વિનોદ
ચારે ગુણ સ્ત્રીમાં
બદ્રનિઝામી–રાહતી
કઈ ઋતુ સારી? →


વાર્તા ૩૨.

ચારે ગુણ સ્ત્રીમાં.

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું "બીરબલ ! મારી પાસે એવા ચાર માણસો લઈ આવ કે ચાર પૈકી એક બેશરમ-નિર્લજ્જ, બીજો કાયર-બ્હીકણ, ત્રીજો શરમાળ અને ચોથો નિડર હોય.”

બીરબલે બીજે દિવસે એક બૈરીને લાવી શાહ આગળ ઉભી રાખી, શાહને અરજ કરી કે “નામદાર ! આપે મંગાવેલા ચાર મનુષ્યો તપાસી લો.”

બાદશાહ હસી પડી કહેવા લાગ્યો “અરે, બીરબલ ! મને પણ તું આંધળો બનાવે છે? માત્ર એક સ્ત્રીને લાવી ચાર માણસો બતાવે છે?”

બીરબલે હાથ જોડી કહ્યું “ગરીબપરવર ! એ સ્ત્રીના અંગમાંજ આપે બતાવેલા ચારે ગુણ રહેલા છે. કેમકે જયારે સ્ત્રી વિવાહમાં ફટાણા ગાય છે, ત્યારે પાસે બેઠેલા બાપ ભાઈ વગેરેની પણ શરમ રાખતી નથી. માટે બેશરમ. અંધારી કોટડીમાં જવા માટે જો ધણીએ આજ્ઞા કરી હોય તો કહે કે “ બાપરે! હું તો બ્હી મરૂં છું” માટે બ્હીકણ. જ્યારે સાસરે જાય છે ત્યારે મંદ સ્વરે બોલવું, અદ- બથી વર્તવું આચરે છે એટલે શરમાળ અને પુરુષની સાથે પ્રેમ સંધાયો હોય તો કાળી રાત્રિ, ભૂત કે પ્રેત કે વાઘ ચોરથી પણ ન ડરતા નિશંકપણે પોતાની ધારેલી ધારણા પાર પાડે છે, જેથી નિડર છે. ચાર જુદા જુદા માણસોને ન લાવતાં એ ચારે ગુણના ભંડારરૂપ એકજ સ્ત્રીને લાવી હાઝર કરી છે.”

બાદશાહ આથી ખુશ થયો અને ભારે ઈનામ આપ્યું.