બીરબલ વિનોદ/ચોર પકડવાની કળા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દીવા હેઠળ અંધારૂં બીરબલ વિનોદ
ચોર પકડવાની કળા
બદ્રનિઝામી–રાહતી
હસાવે તો ઈનામ આપું →


વાર્તા ૮૩.

ચોર પકડવાની કળા.

એક પ્રસંગે એક વહાણમાં ચોરી થઈ તેથી તે ચોરી કરનાર ચોરને શોધી કાઢવા માટે તે વહાણના માલીકે ઘણીજ બારીકીથી તપાસ ચલાવી, છતાં ચોરનો પત્તો ન લાગ્યો એટલે આખરે તેણે સઘળા શકદાર માણસોને સાથે લઈ અકબર બાદશાહના દરબારમાં હાઝર થઈ શાહ સમક્ષ ફરીયાદ કરી. બાદશાહે તે નાખુદાની સઘળી બાબત ધ્યાનમાં લઈ બીરબલને ચોર શોધી કાઢવાનું કામ સોંપ્યું. બાદશાહની આજ્ઞા થતાંજ બીરબલે ઘઉંનો લોટ મંગાવી એકેક મુઠી આટો દરેક શકદારોના હાથમાં આપીને કહ્યું કે “આ લોટનો ફાંકડો મારી પોતાના થુંક વડે લોટનો ગોળો વાળી આપો એટલે કોણ ચોર છે એ હું મ્હારા ઈલ્મને પ્રતાપે તરતજ કહી આપીશ.”

બીરબલનો આ હુકમ સાંભળતાંજ બધા શકદારોએ તે પ્રમાણે કર્યું, પણ તેઓમાંના એક જણ સિવાય બધાના મુખમાં પુષ્કળ અમી હોવાથી લોટના ગોળા તેઓએ બનાવી આપ્યા અને પેલો જે ચાર હતો, તેના મોઢામાંથી તો ઇલ્મ શબ્દ સાંભતાંજ અમી સુકાઈ ગયું હતું એટલે ગોળો કયાંથી બની શકે ? બીરબલે આ પ્રકાર જોઈ પેલાને પકડી પાડ્યો એટલે તેણે તરત જ ચોરી કબુલ કરી અને માલ જ્યાં સંતાડ્યો હતો ત્યાંથી લાવી આપ્યો.