બીરબલ વિનોદ/નદીનાં લગ્ન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બીરબલ વિનોદ/સોયા સો ચૂકા બીરબલ વિનોદ
નદીનાં લગ્ન
બદ્રનિઝામી–રાહતી
ગધેડાનો નાચ →


વાર્તા ૧૩૫.

નદીનાં લગ્ન.

એક પ્રસંગે બાદશાહે બીરબલ ઉપર ક્રોધે ભરાઈ તેને દરબારમાં ન આવવાનો હુકમ કર્યો. બીરબલ પણ દિલ્હી છોડી બીજા દેશમાં જઈ વસ્યો અને ત્યાંના રાજા પાસે રહેવા લાગ્યો.

થોડા દિવસ પછી અકબર બાદશાહને બીરબલ વગર સુનું સુનું લાગવા માંડયું. સર્વે ઠેકાણે તપાસ કરાવ્યા છતાં, બીરબલનો પત્તો ન લાગ્યો. આખરે બાદશાહે તેને શોધી કાઢવા એક યુક્તિ રચી. ભારતના બધા રાજાઓને લખી મોકલાવ્યું કે “અમારી નદીનાં લગ્ન મુકરર થયાં છે, માટે તમે તમારી નદીયોને જાનમાં મોકલજો.”

બીજા બધા રાજાઓ તેનો કાંઈ જવાબ આપી ન શકયા, પરંતુ જે રાજા પાસે બીરબલ હતો, તેણે બીરબલના કહેવા પ્રમાણે લખી મોકલાવ્યું કે “અમારી બધી નદીયો આવે છે માટે તેમને લેવા તમારા કૂવાઓને મોકલો."

બાદશાહ એ ઉત્તર વાંચી સમજી ગયો કે, એ જવાબ બીરબલનોજ હોવો જોઇએ, કેમકે બીરબલ વિના અન્ય કોઈ એવું ચાતુર્ય ન વાપરી શકે. તેણે તરત જ માણસ મોકલાવી ત્યાંથી બીરબલને પાછો બોલાવી લીધો.