બીરબલ વિનોદ/લોખંડી ગુરૂભાઈ

વિકિસ્રોતમાંથી
← ઇંદ્ર મોટો કે હું? બીરબલ વિનોદ
લોખંડી ગુરૂભાઈ
બદ્રનિઝામી–રાહતી
સત્તાવીસમાંથી નવ જતાં બાકી કાંઈ નહીં →


વાર્તા ૧૯.

લોખંડી ગુરૂભાઈ

દિલ્હી શહેરની પાસે એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. પતિસેવા એ સ્ત્રી જાતિનો ધર્મ છે, પણ એ વઢકણી સ્ત્રીએ સ્હાંજે ધણી ઘેર આવે એટલે તેને દસ જોડા મારવા એ નિયમ રાખ્યો હતો. તેમજ વળી તે એવી તો મજબુત અને બદમાશ હતી કે બીચારો ધણી મુંગે મોઢે બધું સહન કરી લેતો.

એ સ્ત્રીની એકની એક પુત્રી હતી જે ઉમ્મરલાયક થવા આવી હતી, છતાં તેની માતાનો વારસો કદાચ તેને પણ મળ્યો હોય એવી બ્હીકથી કોઈ તેને પરણવા માટે તૈયાર થતું નહીં. વળી તેની વઢકણી માતા તેને સાસરીચામાં જંપીને રહેવા નહીં દે, એ ખ્યાલ પણ સૌને તેમ કરતાં અટકાવતો હતો. ગામેગામ આ વાર્તા પ્રસરેલી હોવાથી જ્યાં ત્યાં તે એક કહેવત રૂપ થઈ પડી હતી.

બીજી તરફ બીરબલની કીર્તિ પણ બહુ જ વધી ગઈ હતી, તે એના વૈરીયો સાંખી શકતા ન હતા. કોઈ પણ રીતે તેને હલકો પાડવાનું તેઓ જાણે 'પણ' લઈ બેઠા હતા, છતાં બીરબલના બુદ્ધિ ચાતુર્ય આગળ તેમનું કાંઈ વળતું ન હતું. ઉપલી સ્ત્રીની હકીકત દિલ્હીમાં ચર્ચાવા લાગી એટલે બીરબલના શત્રુઓએ લાગ સાંધવાનો વિચાર કર્યો. બીરબલની ખ્યાતિએ તેના જ્ઞાતિવાળાઓને પણ વૈરી બનાવ્યા હતા અને તેઓ પણ બીરબલને માનહીન થયેલો જોવા આતુર હતા.

એક દિવસે કચેરીમાંથી પરવાર્યા પછી બીરબલ પોતાના ઘરમાં બેઠો હતો, એવામાં તેની જ્ઞાતિનો ગોર મળવા આવ્યો. બીરબલે ઘણા માનથી તેને બેસાડ્યો. થોડીવાર સુધી આમ તેમની વાત કર્યા પછી ગોરે કહ્યું “કવિજી ! પેલી રામબાઈ જે પોતાના ધણી વિષ્ણુશર્માને દરરેજ દસ જોડા મારે છે, તેની પુત્રી સાથે કોઈજ પરણવાની હીંમત કરતું નથી. એટલે જો તમે તેને પરણો તો ન્યાતમાં તમારી વાહવાહ થશે અને તમારા અસીમ ચાતુર્યની પણ સૌને ખાત્રી થઈ જશે.”

બીરબલ તેની મતલબ સમજી ગયો, છતાં પોતાના બુદ્ધિ ચાતુર્યનો કાંઈક પરિચય બતાવવાનો તેને વિચાર થતાં તે બોલ્યો “તમે કહો છો, એ વાત તો બહુ સારી છે, પણ હું તો એકવાર પરણી ચૂક્યો છું એ તો તમે જાણો છો એટલે બીજીવાર લગ્ન કરવાની મારી ઇચ્છા નથી. પરંતુ મારો એક ન્હાનો ભાઈ છે તેનાં લગ્ન હજી હવે થવાનાં છે. એટલે એની સાથે ચોકઠું બેસતુ હોય તો તેમ કરવાનો વિચાર છે. હાલમાં મારો ભાઈ કાશીએ વિદ્યા પ્રાપ્તિ માટે ગયો છે. જો રામબાઈ એ વાતને કબુલ રાખે એમ હોય તો મારે ના નથી."

ગોર મહારાજ તરતજ બોલી ઉઠયા “ભલે, હું રામબાઈને મળી વાત નક્કી કરીશ અને તે જેવો જવાબ આપે તેની આપને ખબર આપીશ. એમ કહી ગોરમહારાજ તો ખુશ થતા થતા રામબાઈને ઘેર ગયા. રામબાઈ તે વખતે પોતાના ધણીને છેલ્લો જોડો મારવાની તૈયારીમાં હતી, તેણે હાથ ઊંચા કર્યો એવામાં તો ગોરમહારાજ “હાં, હાં ” કરતા ઘરમાં પેઠા, પણ રામબાઈ ગોરમહારાજના પહોંચવાથી દબાઈ જાય તેવી ન હતી. તેણે તો તરતજ દસમો જોડો ધણીને “તડાક” કરીને ફટકારી કાઢ્યો. પોતાના નિત્યકર્મથી પરવાર્યા પછી ગોરમહારાજને ત્યાં આવવાનું પ્રયોજન પૂછયું. ગોરે બધી વાત તેને કહી સંભળાવી. રામબાઈ તેથી બહુજ ખુશ થઈ ગઈ અને બીરબલ જેવા વિખ્યાત અને જ્ઞાની પુરૂષના ભાઈને પોતાની દીકરી પરણાવવા તેણે પોતાની ખુશી દેખાડી કબુલાત આપી. ગોરમહારાજે બીજે દિવસે બીરબલને તે વાત કહી અને વિવાહ નકકી કર્યો.

બીરબલનો કોઈ ભાઈ ન હતો એટલે તેણે પોતાની જ્ઞાતિના જ કોઈ માતા પિતા વગરના છોકરાને શોધવા માંડ્યો. પરિણામે બે ત્રણ દિવસ થયાંજ દિલ્હીમાં આવી રહેલો આશરે વીસ વર્ષની ઉમ્મરનો એક તરૂણ તેને મળી ગયો. તે યુવક સારો ભણેલો પણ હતો એટલે પોતાના નિર્વાહ માટે કોઈ યોગ્ય નોકરી શોધવા દિલ્હીમાં આવ્યો હતો. બીરબલે તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો અને જણાવ્યું કે “હું પેલી વઢકણી રામબાઇની પુત્રી સાથે તારાં લગ્ન કરી આપીશ અને તારો સંસાર સારી રીતે ચાલે એ માટે પણ યોગ્ય બંદોબસ્ત કરી આપીશ. પરંતુ, એવી શરતે કે તારે પોતાને મારા ભાઈ તરીકે ઓળખાવવો.”

બીરબલના આવા કથનથી પેલા યુવકના હર્ષનો પાર ન રહ્યો અને તેણે બધી વાત માન્ય રાખી. થોડા દહાડામાં લગ્નની બધી તૈયારી થઈ, શુભ મુહુર્તમાં લગ્ન પણ થયાં. કન્યાને સાસરીયે મોકલવા માટેનો શુભ દિવસ નક્કી કરવા ગોર રામબાઈને ઘેર ગયો અને ચોક્કસ દિવસ મુકરર કર્યો પછી તેણે કહ્યું “રામબાઈ ! તમારા કરતાં તમારી પુત્રી ચઢીયાતી થાય તોજ ખરી.” રામબાઈ પ્રથમથીજ ચડાઉ અને ઉછ્રંખલ હતીજ અને વળી પોતાની દિકરી તેના પતિને વધારે વશ રાખે એમ ઈચ્છતી જ હતી, એટલે તેને તો આ વચનોએ વિશેષ પુષ્ટિ આપી. તેણે ગોર મહારાજને હસ્તે વદને કહ્યું “મહારાજ ! તમે પણ જોઈ લેશો કે મારી પુત્રી કેવા નાચ નચાવે છે." ગોર મહારાજ ત્યાંથી ખુશખુશ થતા વિદાય થયા.

જે દિવસે પુત્રી સાસરે જવાની હતી તે દિવસે રામબાઈએ તેને એક નવો જોડો આપી કહ્યું “પુત્રી ! જો તું મારી પુત્રી હોય તો મારા કરતાં પણ વધારે ધાક તું તારા ધણી ઉપર બેસાડજે. હું તો દરરોજ દસ જોડા મારૂં છું, પણ જો તું પંદર જોડા તારા ધણીને વધારે મારે તોજ મારી ખરી દીકરી. અને જો એ પ્રમાણે તેં ન કર્યું તો પછી હું તારૂં મોઢું કદિ પણ જોઈશ નહીં.”

છોકરીએ બધી વાત કબુલ રાખી, ઘરમાંથી સાસરીયે જતી વખતે રામબાઈએ પોતાના ધણીને પણ તેની સાથે મોકલ્યો. બીરબલે પેલા યુવકને પ્રથમથી જ બધી રીતે સમજાવી રાખ્યો હતો અને દમામમાં રહેવાની ખાસ ચેતવણી આપી હતી. કન્યા સાસરીયે આવી, પણ પતિનો ગુસ્સો અને બીરબલનો પણ કડક મિજાજ જોઈ તેના હોંશકોશ ઉડી ગયા અને પતિને જોડા મારવાનું તો ભૂલી જ ગઈ, બલ્કે તેને પોતાને જ જોડા પડશે એ વિચારે તેને ધ્રુજાવી મૂકી.

બીરબલે પોતાના વેવાઈને થોડા દિવસ પોતાને ત્યાં જ રહેવાની અરજ કરી હતી, જે તેણે ઘણી જ ખુશીથી- જોડાના મારમાંથી બચવા માટે-કબુલ રાખી. બીરબલે પોતાનું એક કામ પાર પડેલું જોઈ બીજું કામ હાથ ધરવાનો વિચાર કર્યો. એક દિવસ રાત્રે જમ્યા પછી બીરબલ અને મારખાઉ વિષ્ણુજી બેઠાબેઠા વાતો કરતા હતા. તે વખતે જાણે બીરબલ જાણતોજ ન હોય તેમ તેણે વિષ્ણુજીના વાંસા ઉપર હાથ ફેરવીને પૂછયું "વિષ્ણુજી ! આપનો વાંસો આ ખાડા ખડબચડાવાળો કેમ થઈ ગયો છે ?”

પેલા બીચારાએ બધી બીના સ્વિસ્તર કહી સંભળાવી. બધી વાત સાંભળી રહ્યા પછી બીરબલે કહ્યું “એનો ઉપાય મારી પાસે છે, તે જો તમે અજમાવી જુઓ તો હું ઘણી ખુશીથી બતાવીશ.” વિષ્ણુએ તે વાત કબુલ રાખી એટલે બીરબલે કહ્યું “તમે ચાર મહીના સુધી મારે ત્યાં જ રહો અને દરરોજ સ્હવારે આંગમાંથી પરસેવો છૂટે ત્યાં સુધી તમારે દંડવત્ (લાંબા થઈને સુવું અને ઉઠવું) કરવા."

પેલાએ બીરબલના કહેવા પ્રમાણે દરરોજ કસરત કરવા માંડી, અને બીરબલે ઉપરથી સારૂં સારૂં ખાવાને આપવા માંડયું, એટલે ચાર મહીનામાં વિષ્ણુજી લઠ્ઠ જેવા બની ગયા. તે પછી બીરબલે લુહાર પાસે એક નકશીદાર લોખંડી લાકડી બનાવી તેને સુંદર રંગ અપાવીને વિષ્ણુજીને આપી કહ્યું “લો આ એક ચમત્કારી લાકડી છે. એનું નામ લોખંડી ગુરૂભાઈ છે. ચોગ્ય વખતે વિચાર પૂર્વક એને ઉપયોગ કરશો તો તમારી સ્ત્રીના દુ:ખમાંથી મુક્ત થશો.” એમ કહી તેને ઘેર રવાના કર્યો.

રામબાઈએ પોતાના ધણીને આજે પાંચ મહીને ઘેર આવતો જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો. તેણે પાંચ મહીનાના કેટલા જોડા થયા એનો હીસાબ ગણી રાખ્યો હતો. તેમજ ધણીનું શરિર પણ રૂષ્ટપુષ્ટ થયેલું જોઈ, જોડા મારવાની ગમ્મત પડશે એ વિચારે તેને હર્ષઘેલી બનાવી મૂકી હતી. વિષ્ણુજી બીચારા ઘણે લાંબેથી આવેલા હોવાની દરકાર કર્યા વગર જોડા ખાવાની જગ્યાએ જઈ બેસવાનો તેણે હુકમ કર્યો. વિષ્ણુજી પણ હવે ચાલાક બન્યા હતા, તેમણે લોખંડી ગુરૂભાઈને પેલી રામબાઈ ન જોઈ શકે એવી રીતે સંતાડી રાખ્યો અને ગુપચુપ પેલા સ્થળે જઈ બેઠા. રામબાઈ ત્યાં ગઈ અને જેવોજ તેણે જોડો હાથમાં લીધો કે વિષ્ણુજીએ લોખંડી ગુરૂભાઈનો પ્રયોગ અજમાવ્યો એકજ ફટકો પડતાં રામબાઈ ભોંયપર પડી ગઈ અને બોલી ઉઠી “ અરેરે, જમાઈએ ઘાત કીધી.” એટલામાં તો વિષ્ણુજીએ બીજો પણ ફટકો લગાવી કાઢ્યો, એટલે રામબાઈ તેના કાલાવાલા કરવા લાગી. પણ તેણે પાછો હાથ ઉગામ્યો એટલે ત્યાં એકઠા થઈ ગયેલા આડોશી પાડોશીઓ દોડી આવી તેનો હાથ પકડી લીધો.

એ બેજ ફટકાએ રામબાઈને સીધી દોર કરી મૂકી, તેણે પોતાના ધણીની ક્ષમા માગી અને તે દિવસથી ધણીના હુકમ પ્રમાણે ચાલવા લાગી.

આવી રીતે બીરબલે રામબાઈને ઠેકાણે આણી એ વાત જ્યારે લોકોમાં ફેલાઈ ત્યારે બીરબલના જે વિરોધીઓએ એ તાગડો રચ્યો હતો તેમણે પણ બીરબલના ચાતુર્ય આગળ માથું નમાવી દઈ, તેનો વિરોધ કરવાનું પડતું મૂકયું.