મંગળપ્રભાત/૧. સત્ય

વિકિસ્રોતમાંથી
← પહેલી આવૃત્તિનું નિવેદન મંગળપ્રભાત
૧. સત્યનો
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. અહિંસા →



૧. સત્ય

૨૨-૭-’૩૦
સવારની પ્રાર્થના પછી
 


આપણી સંસ્થાનું મૂળ જ સત્યના આગ્રહમાં રહ્યું છે. તેથી સત્યને જ પહેલું લઉં છું.

‘સત્ય’ શબ્દ સત્ માંથી છે. સત્ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ 'સત્' એટલે 'સત્ય' છે. તેથી પરમેશ્વર ‘સત્ય’ છે એમાં કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે, આપણું રાજ્યકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત્’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.

અને જ્યાં સત્ય વસે છે ત્યાં જ્ઞાન – શુદ્ધ જ્ઞાન – છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઈશ્વર નામની સાથે ચિત્ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શોક હોય જ નહિ. અને, સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હોય. આથી જ ઈશ્વરને આપણે સચ્ચિદાનંદ નામે પણ ઓળખીએ છીએ.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. તેને જ કારણે આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ. આમાં કરતાં શીખીએ તો આપણને બીજી બધા નિયમો સહેજે હાથ આવે, ને તેનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કોઈ પણ નિયમોનું શુદ્ધા પાલન અશક્ય છે.

સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું એટલું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ યોજ્યો છે. વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમાજનારને જગતમાં બીજું કંઈ જાણવાપણું નથી રહેતું, કેમકે જ્ઞાનમાત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાંથી ખરો આનંદ તો હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઈએ તો આપણને તુરત ખબર પડે કે કઈ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઈ ત્યાજ્ય છે; શું જોવાયોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી.

પણ સત્ય જે પારસમણિરૂપ છે, જે કામધેનુરૂપ છે તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છે : અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ ધાલાવેલી તા અભ્યાસ; તે વિના બીજી બધી વસ્તુ વિષે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય. આમાં છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જ્યાં શુદ્ધા પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતા બધાં સત્ય તે એક જ ઝાડનાં અસંખ્ય નોખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જાણતો ? છતાં તે એક જ છે એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે. તેથી જેને જે સત્ય ભાસે તે પ્રમાણે તે વર્તે તેમાં દોષ નથી, એટલું જ નહિ પણ તે જ કર્તવ્ય છે. પછી તેમાં કરવામાં ભૂલ હશે તો પણ તે સુધારી જવાની છે જ. કેમકે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહના કરવાનું હોય. તેની પાછળ મરવાનું હોય, એટલે તેમાં સ્વાર્થની તો ગંઘ સરખીયે ના હોય. આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લાગી કોઈ આડે માર્ગે છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ જાય છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિ તે ‘શીશતાણું સાટું’ છે; અથવા તો હરિનો મારગ હોઈ તેમાં કાયરતાને સ્થાન નથી, તેમાં હાર જેવું કંઈ છે જ નહિ. એ ‘મરીને જીવવાનો મંત્ર’ છે.

પણ હવે આપણે લગભગ અહિંસાને કાંઠે આવી પહોંચ્યા. એનો વિચાર આવતે અઠવાડિયે કરીશું.

આ પ્રસંગે હરિશ્ચંદ્ર, પ્રહ્લાદ, રામચંદ્ર, ઈમામ હસનહુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દ્રષ્ટાંન્તો વિચારી જવાં જોઈએ. આ રટણ બીજા અઠવાડીયા લાગી સહુ, બાળક-મોટાં, સ્ત્રીપુરુષ, ચાલતાં, બેસતાં, ખાતાં, પીતાં, રમતાં, બધું કરતાં કર્યા જ કરે, ને તે કરતાં કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઈ જાય તો કેવું સારું ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારુ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણ બધાંને સારું નીવડો.