મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂબક્ર મોહમ્મદ ઝકરીયા અલ રાઝી
← ઇબ્ને અલ જઝ્ઝર | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અબૂબક્ર મોહમ્મદ ઝકરીયા અલ રાઝી સઈદ શેખ |
અબુ હનીફા અલ દીનવરી → |
અલ રાઝીએ દર્શનશાસ્ત્રમાં લખેલા ગ્રંથો નાશ પામ્યા છે. પરંતુ જે અમુક ભાગ મળ્યો છે એનાથી લાગે છે કે તેમણે પ્લેટો અને એરિસ્ટોટલની તરફેણ કરી છે. ચિકીત્સાશાસ્ત્રના ઈતિહાસમાં અલરાઝી હીપ્પોક્રેટ પછી પૂર્વ અને પશ્ચિમ બંનેમાં એક મહાન ચિકીત્સક તરીકે જાણીતા હતા. ચિકીત્સામાં મુસ્લિમોમાં તેઓ ઈબ્ને સીના પછી બીજું સ્થાન ધરાવતા હતા.
અલ રાઝીએ ૨૩૨ પુસ્તકો લખ્યા, જેમાંથી મોટાભાગના ચિકીત્સાશાસ્ત્ર બાબતે હતા. ‘કિતાબ અલ હાવી ફી અલ તિબ્બ' ચિકીત્સા શાસ્ત્રનો તત્કાલીન સમયનો સૌથી મોટો વિશ્વકોષ હતો. એમાં ગ્રીક અને આરબ સ્ત્રોતોમાંથી તબીબીશાસ્ત્રની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત અલરાઝીના પોતાના મંતવ્યો કે ટીકાટીપ્પણી પણ હતી, અલ રાઝીની ચિકીત્સા પદ્ધતિની વિશેષતા એ હતી કે યોગ્ય અને નિયંત્રિત ખોરાકથી તંદુરસ્તી મેળવવી. આ ઉપરાંત તંદુરસ્તી ઉપર મનોવૈજ્ઞાનિક પરિબળોની ચર્ચા પણ હતી. એમણે ભારપૂર્વક દર્શાવ્યું કે જે કાંઈ દવાઓ બને એનો ટેસ્ટીંગ સૌપ્રથમ પ્રાણીઓ ઉપર કરવું જોઈએ જેથી દવાનો પ્રભાવ અને આડઅસરો વિશે જાણી શકાય. તેઓ એક નિષ્ણાંત સર્જન હતા અને એનેસ્થેસીયા માટે અફીણનો ઉપયોગ કરનાર સર્વપ્રથમ તબીબ હતા. ‘કિતાબ અલ મન્સુરી’ ચિકીત્સાશાસ્ત્રમાં રાઝીનું બીજું મહત્ત્વનું પુસ્તક હતું જેમાં એમણે પોતાના નિરીક્ષણો અને અનુભવોને ટાંક્યા હતા. પશ્ચિમના દેશોમાં 'Liber Medicinalis ad Almansorem'ના નામે અનુવાદ કરવામાં આવ્યો હતો જેને યુરોપની વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવતું હતું.
'કિતાબ તકસીમ અલ ઇલાલ' રોગોનાં કારણોના પ્રકાર પર આધારિત હતું. જેનો લેટીન અનુવાદ 'Liber Divisionum'ના નામે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 'કિતાબ અલ ફખ્રી (Liber pretiosus) પણ લખ્યું હતું.
‘કિતાબ અલ જદરી વ અલ હસબ' ઓરી અછબડાં વિશે હતું. લેટીનમાં 'Liber de Pestilentia' નામે યુરોપમાં પ્રસિદ્ધ થયું હતું.
આ ઉપરાંત તેમણે બીજા પણ મહત્તવના ગ્રંથો લખ્યાં જેમકે 'મેડીસીન્સ ફોર હાર્ટ’ દૃદયની દવાઓ વિશે, અલ-નિકરીસ, અલ-કલંજ, અલ-અગદીયા વગેરે.
એક તબીબ ઉપરાંત અલરાઝી સારા ઔષધશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી પણ હતા. એમણે કેટલાક રાસાયણિક રીએક્શન વિશે પણ ચર્ચા કરી હતી. એમણે અંદાજે ૨૪ જેટલા રાસાયણિક સાધનોની શોધ અને ડીઝાઈન કરી હતી. રસાયણશાસ્ત્રમાં 'અલ અસરાર' મહાન કાર્ય ગણાય છે. આમાં રાઝીએ ઘણા રાસાયણિક સાધનોનો ઉલ્લેખ કર્યો છે, એમને તૈયાર કરવાની અને એના ઉપયોગ વિશે પણ ચર્ચા કરી છે. આનો લેટીન અનુવાદ ક્રેમોનાના જેરાલ્ડે (ઈ.સ. ૧૧૭૮) કર્યું ત્યારથી યુરોપમાં રસાયણશાસ્ત્રનો આધારગ્રંથ તરીકે પ્રચલિત થયું.
એક રસાયણશાસ્ત્રી તરીકે તેઓ સૌ પ્રથમ હતા જેણે બીજા એસિડની મદદથી સલ્ફ્યુરિક એસિડ બનાવ્યું હતું અને ગળ્યા પદાર્થોમાંથી આલ્કોહોલ (દારૂ) બનાવવાની રીત શોધી હતી.
અલ રાઝીએ પોતાના પૂરોગામીઓથી પણ આગળ વધીને પદાર્થોને છોડ, પ્રાણીઓ અને ખનીજોમાં વર્ગીકૃત કર્યા હતા અને આ રીતે કાર્બન રસાયણ અને બિનકાર્બન રસાયણશાસ્ત્રનો માર્ગ તૈયાર કર્યો.
અલ રાઝીએ જેટલા પુસ્તકો લખ્યા એમાંથી અડધા ઉપરાંત તબીબી શાસ્ત્રમાં હતા, આ ઉપરાંત ૨૧ રસાયણશાસ્ત્રમાં લખ્યા હતા. એમણે ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને નેત્રવિજ્ઞાન સંબંધી ગ્રંથો પણ લખ્યા. ઉપર દર્શાવેલ પ્રસિદ્ધ ગ્રંથો ઉપરાંત અલ રાઝીએ અલ મલૂકી, મકાલા ફી અલ હસત ફી કુલ્બી વ અલ મસના, કિતાબ અલ કલ્બ, કિતાબ અલ મફાસિલ, કિતાબ અલ ઈલાજ અલ ગોરબા, અલ મદખલ અલ તલીમી અને તકસીમ વ અલ તખ્સીર નામક ગ્રંથો લખ્યા જેમના મોટાભાગના ગ્રંથોનો યુરોપના વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા હતા.
અલ રાઝી માટે એડવર્ડ જી. બ્રાઉને કહ્યું હતું કે “બધા મુસ્લિમ ચિકીત્સકોમાં સૌથી મહાન અને સૌથી મૌલિક ચિકીત્સક અને એક લેખક તરીકે પ્રચુર ભાષામાં લખનારાઓમાંથી એક હતા. અલ રાઝીનો વિજ્ઞાનમાં ખાસ કરીને તબીબીશાસ્ત્રમાં ખૂબ ઊંડો પ્રભાવ છે.”