મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને અલ જઝ્ઝર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અલ ખ્વારિઝમી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઇબ્ને અલ જઝ્ઝર
સઈદ શેખ
અબૂબક્ર મોહમ્મદ ઝકરીયા અલ રાઝી →


ઈબ્ને અલ જઝ્ઝર (મૃ. ૧૦૦૯)
અબૂ જાફર એહમદ ઈબ્ને ઈબ્રાહીમ ઈબ્ને અબૂ ખાલિદ અલ કિરવાની ઇબ્ને અલ જઝ્ઝર પશ્ચિમમાં Algizar ના નામે પ્રસિદ્ધ છે. તેઓ ટ્યુનિશિયાના કિરવાનમાં વસતા હતા. આ પ્રસિદ્ધ તબીબનું અવસાન ઇ.સ. ૧૦૦૯માં થયું હતું. એમના જન્મ વર્ષ અને બીજી માહિતી મળતી નથી. જોકે ઝિગરીદ હુન્કાના મત મુજબ 'ઈબ્ને જઝ્ઝર ટ્યુનિશિયાથી યુરોપ જતા જહાજોમાં તબીબ તરીકે પ્રવાસ કરતા અને બીમાર મુસાફરોને સાજા કરતા હતા.'

ઈબ્ને અલ જઝ્ઝરે પોતાના ગ્રંથોમાં મુસાફરોને થતા રોગોના કારણો, નિશાનીઓ અને નિદાનની નોંધ કરી છે. ઓરી અને અછબડાના દર્દીઓનું વર્ણન કર્યું છે. તેમણે આંતરિક રોગોની માહિતી પણ આપી છે. આ ઉપરાંત તાવ અને રોગચાળામાં નિદાનની વિવિધ પદ્ધતિઓનું વર્ણન પણ કર્યું છે.

ઈબ્ને જઝ્ઝરે તબીબીશાસ્ત્ર સંબંધી ઘણા ગ્રંથો આપ્યા. એમાંથી કેટલાક નીચે મુજબ છે.

૧. 'ઝાદ અલ મુસાફિર' એમનું સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે. આનો લેટીન અનુવાદ આફ્રિકાના કોન્સ્ટેન્ટાઈને કર્યો. આજ ગ્રંથના હિબ્રુ અને ગ્રીક અનુવાદ પણ થયા છે. મધ્યયુગમાં તબીબો આ ગ્રંથનો મહત્તમ ઉપયોગ કરતા હતા અને યુરોપીયન વિશ્વવિદ્યાલયોમાં ૧૬મી સદી સુધી ભણાવવામાં આવતું રહ્યું. વિશ્વના ઘણા પુસ્તકાલયોમાં આની હસ્તપ્રત સચવાયેલી છે.

૨. 'કિતાબ અલ ઈતિમાદ' ઔષધ સંબંધી આ ગ્રંથ આફ્રિકાના ફાતિમી ખલીફા માટે અલ જઝ્ઝર દ્વારા સંકલિત કરવામાં આવ્યું હતું. આની હસ્તપ્રત અલજીરીયા અને ઇસ્તંબૂલમાં સચવાયેલી છે.

૩. 'Medicine of the Poor' ઇરાકના સંગ્રહાયલમાં સચવાયેલું છે.

૪. 'ઈજિપ્તમાં રોગચાળો : કારણો અને ઈલાજ'