લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ખ્વારિઝમી

વિકિસ્રોતમાંથી
← ઇસ્હાક ઇબ્ને હુનૈન મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અલ ખ્વારિઝમી
સઈદ શેખ
ઇબ્ને અલ જઝ્ઝર →


અલ ખ્વારિઝમી (ઇ.સ. ૭૭૦-૮૫૦)
અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ ઈબ્ને મૂસા અલ ખ્વારિઝમી ખ્વારિઝમ (ખેવા)માં ઈ.સ. આશરે ૭૭૦માં જન્મ્યા હતા. બાળપણ વિશે વધારે માહિતી મળતી નથી. એમના માતાપિતા સ્થળાંતર કરી બગદાદના દક્ષિણ ભાગમાં પહોંચ્યા હતા. અલ ખ્વારિઝમનું અવસાન ઈ.સ. ૮૫૦માં થયું.

ગણિતમાં Algebra અને Algorithm નામ આપણે સાંભળ્યા છે. પરંતુ મોટાભાગના લોકોને એ જાણ નથી કે બીજગણિતના શોધક અલ ખ્વારિઝમી હતા.

અલ ખ્વારિઝણીએ બગદાદમાં ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એ સમયે ખલીફા મામૂન અલ રશીદ (ઈ.સ. ૮૧૩−૮૩૩)એ પોતાના જ્ઞાનગૃહ 'બયતુલ હિકમહ'માં અલ ખ્વારિઝમીની આગેવાન વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી તરીકે નિયુક્તિ કરી હતી.

બીજગણિત મુસ્લિમ ગણિતશાસ્ત્રીઓએ જગતને આપેલ સૌથી મોટી ભેટ ગણાય છે. અલ ખ્વારિઝમીએ બીજગણિતની શોધ કરી. બીજગણિતીય સુત્રોના ઉકેલ માટે 'ઈલ્મ અલ જબર વ અલ મુકાબલહ'ની શોધ કરી. અલ ખ્વારિઝમીનું બીજગણિતમાં સૌથી મહાન કાર્ય એમણે લખેલ પ્રબંધ ‘કિતાબ અલ મુખ્તસર ફી હિસાબ અલ જબર વ અલ મુકાબલહ' ગણાય છે. જેણે એમને બીજગણિતના સ્થાપક પિતાનું બિરૂદ અપાવ્યું. બારમી સદીમાં ક્રેમોનાના જેરાર્ડ અને ચેસ્ટરના રોબર્ટ આ ગ્રંથનું લેટીન ભાષામાં અનુવાદ કર્યું હતું. જે વિશ્વભરના ગણિતશાસ્ત્રીઓ ૧૬મી સદી સુધી વિશ્વવિદ્યાલયોમાં ભણતા રહ્યા.

બીજગણિત ઉપરાંત અલ ખ્વારિઝમીએ અંકગણિતમાં લખેલા પ્રબંધનું સેવિલેના જ્હોને લેટીનમાં અનુવાદ કર્યું હતું. જે 'Algorismi de Numero Indorum' નામે પ્રસિદ્ધ થયો. આમાં ગણિતની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે સમજાવવામાં આવ્યું છે.

અલ ખ્વારિઝમી ગણિતશાસ્ત્રી ઉપરાંત ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી પણ હતા. એમણે ખગોળીય અને ત્રિકોણમીતિય કોષ્ટકોની રચના કરી હતી. જેમાં પાછળથી મસલમા અલ મરરિતીએ દસમી સદીના ઉત્તરાર્ધમાં સુધારા વધારા કર્યા હતા, જેનો લેટીન અનુવાદ બાથના એડેલોર્ડ ઈ.સ. ૧૧ર૬માં કર્યો હતો. આ પ્રથમ મુસ્લિમો દ્વારા રચાયેલા કોષ્ટકો હતા જેમાં Sine જ નહીં tangent નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કોષ્ટકો 'જિઝ અલ સિધીદ' તરીકે ઓળખાયા જેણે પશ્ચિમી વિજ્ઞાનના જન્મ પર ઘણો પ્રભાવ પાડ્યો.

આરબોએ ભારતીય ગણિતશાસ્ત્રીઓ પાસેથી પ્રેરણા લઈ શૂન્યને ઉપયોગ શરૂ કર્યો હતો. આ શૂન્યનું મહત્વ અલખ્વારિઝમીએ દર્શાવ્યું એટલું જ નહીં દશાંશ પદ્ધતિને પણ પ્રચલિત કરી. અલ ખ્વારિઝમી એ ભારતીય આંકડાઓ કે જે હવે અરબી આંકડાઓ તરીકે પણ ઓળખાય છે - ને પ્રચલિત કર્યા. આ સાથે અંકગણિતની કેટલીક પ્રક્રિયાઓ – પૂર્ણાંકો સહિત – વિકસાવી.

રચનાઓ :

અલ ખ્વારિઝમીએ ઘણા ગ્રંથઓની રચના કરી હોવાનું મનાય છે. દુર્ભાગ્યે ઘણા ઓછા આજે ઉપલબ્ધ છે. એમના કેટલાક ગ્રંથોનું ૧૨મી સદીમાં લેટીનમાં અનુવાદ કરવામાં આવ્યું હતું. અંકગણિત વિશે 'કિતાબ અલ જમા વલતફરીક બિલ હિસાબ અલ હિન્દ' મૂળ અરબીમાં હતી, હવે ઉપલબ્ધ નથી પરંતુ એનો લેટીન અનુવાદ સચવાયેલો છે.

એમના સૌથી મહાન કાર્ય બીજગણિત વિષયક ગ્રંથ વિશે આપણે આગળ જોઈ ગયા.

ભૂગોળશાસ્ત્રમાં 'કિતાબ સૂરત અલ અર્દ' પૃથ્વીના આકાર વિશે લખ્યું હતું અને વિશ્વના નક્શા પણ બનાવ્યા હતા. ટોલેમીના દૃષ્ટિબિંદુને સુધારી વિશ્વનો નકશો એમણે બનાવ્યો હોવાનું મનાય છે. અલ ખ્વારિઝમીએ યહૂદીઓના પંચાંગ વિશે 'ઇસ્તીખરાજ તારીખ અલ યહૂદ' નામક ગ્રંથની રચના કરી હતી. એમણે 'એસ્ટ્રોલેબ' કે 'અસ્તૂરલાબ' વિશે પણ બે પ્રબંધો લખ્યા હતા. ઇતિહાસમાં 'કિતાબ અલ તારીખ' લખ્યું હતું. સૂર્યઘડિયાળ વિશે 'કિતાબ અલ રૂખમા' લખ્યું હતું. દુર્ભાગ્યે છેલ્લા બે ગ્રંથો આજે ઉપલબ્ધ નથી.

પ્રોફેસર ફિલીપ હિત્તીએ અલ ખ્વારિઝમી વિશે લખ્યું હતું, "ગાણિતિક વિચારો ઉપર એમણે (અલ ખ્વારિઝમીએ) બીજા કોઈપણ મધ્યયુગીન લેખક કરતા વધારે પ્રભાવ પાડ્યો હતો."

આમ, અલ ખ્વારિઝમીએ બીજગણિત ઉપરાંત અંકગણિત, ખગોળ અને ભૂગોળના લખેલ ગ્રંથોનું લેટીન ભાષામાં અનુવાદ થતાં એની અસર યુરોપમાં થયેલી શૈક્ષણિક પ્રગતિ ઉપર પડ્યો હતો.