મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ

વિકિસ્રોતમાંથી
←  અબૂ મરવાન અબ્દુલ્લાહ ઈબ્ને ઝુહર મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ
સઈદ શેખ
શિહાબુદ્દીન એહમદ ઈબ્ને માજિદ  →



અબૂલ વલીદ મુહમ્મદ ઇબ્ને રુશ્દ
(૧૧૨૬-૧૧૯૮) ફિલસૂફ

જગતમાં જે મેધાવી પ્રતિભાઓ થઈ ગઈ છે ઈબ્ને રુશ્દને એમાંથી એક ગણીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. એક ન્યાયાધીશ અને તબીબ તરીકે સેવાઓ બજાવનાર ઈબ્ને રુશદે એરિસ્ટોટલની ફિલસુફી ઉપર વિવેચન લખી મધ્યયુગના, રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓને પણ પ્રભાવિત કર્યા હતા, સંત થોમસ એકિવનાસને પણ.

ઇબ્ને રુશ્દ પશ્ચિમમાં Averroes તરીકે ઓળખાય છે. તેઓ કોર્ડોવા, સ્પેનમાં ૧૧૨૬માં જન્મયા હતા. એમના પિતા અને દાદા બન્ને પ્રસિદ્ધ ન્યાયાધીશ હતા. એમનું આખું કુટુંબ ખૂબ જ શિક્ષિત હતું. સ્વાભાવિક રીતે જ તેઓ ભણતરમાં ખૂબ આગળ રહ્યાં અને ધાર્મિક કાયદાઓ તબીબીશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર તથા ફિલસુફીનો અભ્યાસ કર્યો. એમણે ફિલસૂફી અને કાયદાનું શિક્ષણ અબૂ જાફર હારૂન અને ઈબ્ને‌ બાજા પાસેથી મેળવ્યું હતું.

મરાકેસ (મોરોક્કો)ના શાસકે ઇબ્ને રુશ્દને ઈસ્લામિક શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું ત્યારે એમની ઉમર ૨૭ વર્ષ હતી. બીજા એક મહાન ફિલસૂફ ઈબ્ને તુફૈલે, અબુ યાકુબ યુસૂફે રાજગાદી સંભાળી તો એરિસ્ટોટલની કેટલીક કૃતિઓનાં અનુવાદ, સંક્ષેપ્તિકરણ અને વિવેચન ને માટે મદદ મળે એ હેતુથી ઈબ્ને રુશ્દને દરબારમાં સ્થાન અપાવ્યું હતું.

ઈબ્ને રુશ્દ ૪૪ વર્ષની ઉંમરે સેવિલેના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એ જ વર્ષે એમણે એરિસ્ટોટલનાં પુસ્તક ‘de Anima’ (Animals) નું અનુવાદ અને સંક્ષેપ્તિકરણ કર્યું. આ પુસ્તકનો લેટીન અનુવાદ મિચેલ સ્કોટે કર્યું. બે વર્ષ પછી ઇબ્ને રુશ્દને એમના પોતાના શહેર કોર્ડોવામાં બદલી કરવામાં આવ્યા. અહી દસ વર્ષ સુધી આ હોદ્દા ઉપર રહ્યાં. આ ગાળામાં એરિસ્ટોટલનાં 'મેટાફિઝિક્સ' સહિતનાં કેટલાંક ગ્રંથોનાં વિવેચન લખ્યાં. એ છી એમને મરાકેશ એટલા માટે પાછા બોલાવવામાં આવ્યા કે તેઓ ખલીફાના તબીબ તરીકે સેવા આપી શકે.

ઇબ્ને રુશ્દ શ્રદ્ધા અને કાનૂન વિષયોમાં નિપુણતા ધરાવતા હતા, તેથી ન્યાયાધીશ (કાઝી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ફિલસૂફી અને તર્કશાસ્ત્રમાં પણ ઊંડો રસ હતો. તેથી તેમણે ધર્મ અને ફિલસૂફીનો સમન્વય કરી ઘણી રચનાઓ કરી. ફ્રેંચ ફિલસૂફ રેનાનનાં મત મુજબ ઈબ્ને રુશ્દે વિવિધ વિષયો ઉપર ૭૮ પુસ્તકો લખ્યા હતા.

એમની રચનાઓના અભ્યાસથી જણાય છે કે તેઓ એક ખૂબ ધાર્મિક માણસ હતા. ઉ.ત. તેમણે એક જગ્યાએ લખ્યું હતું કે "જે કોઈ શરીર રચના શાસ્ત્રને અભ્યાસ કરશે એને સર્વશક્તિમાન ઈશ્વર માટેની શ્રદ્ધામાં વધારો જ થશે." એમના તબીબી અને ફિલસૂફી અંગેના ગ્રંથોમાં કુર્આનનું તેમજ પંગમ્બર સાહેબની પરંપરાઓ (સુન્નતો) વિશેનું અગાધ જ્ઞાન ઊડીને આંખે વળગે છે, જેનો તેઓ કેટલીક બાબતોમાં પોતાના મતને દૃઢતાપૂર્વક રજૂ કરવા માટે ઉપયોગ કરતા હતા. ઈબ્ને રુશ્દે કહ્યું હતું કે માણસને સાચો આનંદ શારીરિક તથા માનસિક તંદુરસ્તી દ્વારા જ મળી શકે છે. લોકો માનસિક તંદુરસ્તી ત્યાં સુધી મેળવી નથી શકતા જ્યાં સુધી તેઓ મૃત્યુ પછીના જીવન અને આનંદ મેળવવા માટે જીવે અને એવા કાર્યો કરે તથા એક અને માત્ર એક જ ઈશ્વરમાં માને.

ઈબ્ને રુશ્દે ટીપ્પણી કરી છે કે ઇસ્લામનો હેતુ સાચું જ્ઞાન મેળવવાનું છે, કે જે ખરેખર તો ઈશ્વર અને એના સર્જનો વિશેનું જ્ઞાન છે. આ સત્યજ્ઞાનમાં એ વસ્તુઓને પણ સમાવેશ થાય છે કે જે સાંસારિક સંતોષ માટેનો માર્ગ મોકળો કરે અને પરલોકના દુઃખથી બચાવે, આવું પ્રાયોગિક જ્ઞાન બે શાખાઓને આવરી લે છે. (૧) ન્યાયશાસ્ત્ર - કે જે ભૌતિક અને સ્પર્શજન્ય બાબતોને આવરી લે છે. (ર) આધ્યાત્મિક વિજ્ઞાન કે જે દ્રવ્યો ઉ.ત. ધીરજ, અલ્લાહની કૃતજ્ઞતા અને નૈતિકતાને આવરી લે છે. તેમણે આધ્યાત્મિક કાયદાઓને તબીબીશાસ્ત્ર સાથે સરખાવી માણસ ઉપર એક તરફ શારીરિક અને બીજી બાજ નૈતિક તથા આધ્યાત્મિકતાની શી અસરો થાય છે એ ચકાસી જોયું. તેમણે જણાવ્યું કે આધ્યાત્મિક તંદુરસ્તીને કુર્આનમાં 'તકવા' (સજ્જનતા અને અલ્લાહનો ડર) અથવા 'સંયમ' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઈબ્ને રુશ્દે ફિલસુફી, તર્કશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, સંગીત અને ન્યાયશાસ્ત્રમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ઇબ્ને રુશ્દે પુષ્કળ લખ્યું છે. સૌથી વધુ ફિલસૂફી, તબીબીશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર વિશે લખ્યું છે. તબીબીશાસ્ત્ર વિશે એમણે ૨૦ પુસ્તકો લખ્યાં છે. ફિલસુફીમાં એમની સૌથી મહત્વની રચના 'તુહાફુત અલ તુહાફુત' અલ ગઝાલીના કાર્યના જવાબરૂપે લખેલ છે. ઘણા મુસ્લિમ વિદ્વાનોએ આ પુસ્તક બાબતે ઈબ્ને રુશ્દની ટીકા કરી હતી જો કે આ પુસ્તકે યુરોપીય વિચારકો ઉપર જબરો પ્રભાવ પાડ્યો હતો. એમણે એરીસ્ટોટલના ૩૯ ગ્રંથોના વિવેચનો લખ્યા. આમાં સૌથી સંક્ષિપ્ત પુસ્તક 'જામી' ને આ વિષયનો સારાંશ કહી શકાય મધ્યમ 'તખ્લીસ' અને સૌથી લાંબી 'તફસીર' આ સૌથી લાંબા વિવેચનમાં એમનું મૂળભૂત યોગદાન છે કારણ કે આમાં એમના પોતાના પૃથ્થકરણો તથા કુર્આનની વિભાવનાઓની સમજણ આપવામાં આવી છે.

ઈબ્ને રુશ્દે આધ્યાત્મિકતા વિશે ઘણા પુસ્તકો લખ્યા જેમાં એમણે પોતાની ફિલસૂફી અને તર્કશાસ્ત્રનાં જ્ઞાનનો ઉપયોગ કર્યો. આમાં કોઈ આશ્ચર્ય નથી કે યુરોપના ધર્મગુરૂઓ એમનાથી પ્રભાવિત થયા વિના રહી ન શક્યા. પ્રોફેસર બેમેટે એમનું પુસ્તક 'Muslim Contribution to Civilization' માં ફ્રેંચ ફિલસૂફ રેનાન ને ટાંકતા લખ્યું છે કે "સંત થોમસ એક્વિનાસ મહાન વિવેચક (ઈન્ને રુશ્દ)ના પ્રથમ શિષ્ય હતા. સંત થોમસ પ્રાયોગિક રીતે બધી બાબતો માટે ઈબ્ને રુશ્દના ઋણી છે." પ્રોફેસર આગળ લખે છે કે "રેવરન્ડ ફાધર આસીન પાલાસીઓસ (Asin Palacios)એ સંત થોમસ એક્વિનાસ અને ઈબ્ને રુશ્દના આધ્યાત્મિક લખાણોનું ઊંડું અધ્યયન કરીને બન્નેની સરખામણી કરી તો જાણવા મળ્યું કે કેથોલિક આધ્યાત્મશાસ્ત્રીઓમાં સૌથી મહાન એવા સંત થોમસ અને મુસ્લિમ આધ્યાત્માશાસ્ત્રી ઈબ્ને રુશ્દની અભિવ્યક્તિમાં લગીરે ફેર ન હતો." આ જ સૂચવે છે કે સંત થોમસ ઉપર ઈબ્ને રુશ્દનો કેટલો પ્રભાવ હતો !

તબીબી ક્ષેત્રે ઈબ્ને રુશ્દે પ્રસિદ્ધ પુસ્તક 'કિતાબ અલ કુલ્લિયાત ફી અલ તિબ્બા' ૧૧૬રની પહેલાં લખ્યું હતું. આનું લેટીન અનુવાદ 'કોલિજેટ' (colliget) તરીકે ઓળખાય છે. આમાં ઈબ્ને રુશ્દે તબીબી શાસ્ત્રનાં વિવિધ પાસાઓની મહાન ચર્ચા કરી છે, જેમાં નિદાન, ઈલાજ અને રોગોથી બચવા અને સંભાળ લેવાનો સમાવેશ થાય છે. આમાં કેટલીક બાબતોમાં ઈબ્ને સીનાના 'અલ કાનૂન' ગ્રંથમાં સૂચવાયેલી, બાબતો સાથે સરખામણી કરવામાં આવી છે, જો કે આમાં ઇબ્ને રુશ્દનાં મૌલિક સંશોધનો અને અવલોકનોનો પણ સમાવેશ થાય છે.

ખગોળશાસ્ત્રમાં ગોળાની ગતિ બાબતે પ્રબંધ ‘કિતાબ ફી હરકત અલ ફલક'ની રચના કરી છે. ડ્રેપરના મત મુજબ સૂર્ય કલંકો (sunspots)ના શોધક ઈબ્ને રુશ્દને માનવામાં આવે છે. ઈબ્ને રુશ્દે 'અલમાજેસી’ નો સારાંશ પણ રજૂ કર્યો અને બે વિભાગમાં વહેંચી નાંખ્યા. ગોળાના વર્ણનો અને ગોળાની ગતિ. આ સારાંશનો અરબીમાંથી હિબ્રૂ ભાષામાં જેકોબ એનાતોલીએ ઈ.સ. ૧૨૩૧માં અનુવાદ કર્યું. ન્યાયશાસ્ત્રમાં એમણે 'બિદાયત અલ મુજતહિદ વ નિહાયત અલ મુક્તસિદ' ની રચના કરી. ઝફર ઝહાબીના મત મુજબ ધર્મ શાસ્ત્ર (ફિકહ)માં માલિકી વર્ગનું આ સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. ઇબ્ને રુશ્દનાં ગ્રંથોને લેટીન, અંગ્રેજી, જર્મન અને હિબ્રૂ જેવી અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. ફિલસૂફી વિશેના એમના વિવેચનો હિબ્રૂ અનુવાદોમાં અથવા હિબ્રૂમાંથી અનુવાદિત થયેલ લેટીન ભાષામાં સચવાયેલાં છે. પ્રાણીશાસ્ત્ર બાબતે એમનું વિવેચન સંપૂર્ણનાશ પામ્યું છે. ઈબ્ને રુશ્દે 'પ્લેટોના રિપબ્લીક વિશે, ગેલનના પ્રબંધં તાવ' વિશે, અલ ફારાબીના તર્કશાસ્ત્ર વિશે અને એવા બીજા ઘણા વિવેચનો પણ લખ્યા. હાલમાં એમના ૮૭ પુસ્તકો ઉપલબ્ધ છે.

ઈબ્ને રુશ્દને ૧રમી સદીના મહાન વિચારકો અને વૈજ્ઞાનિકોમાંથી એક ગણવામાં આવે છે. પ્રો. ફિલીપ હિત્તીના મત મુજબ ઇબ્ને રુશ્દે પશ્ચિમી તત્વચિંતન ઉપર ૧૨મી થી ૧૬મી સદી સુધી પ્રભાવ પાડ્યો હતો.

એરિસ્ટોટલ વિશેનાં એમના વિવેચનો ૧૪મી અને ૧૫મી સદીમાં પ્રમાણિત પાઠ્યપુસ્તકો તરીકે અભ્યાસ કરવામાં આવતો હતો. એમના પુસ્તકોનો પ્રભાવ પેરીસ અને બીજા વિશ્વવિદ્યાલયો ઉપર આધુનિક પ્રાયોગિક વિજ્ઞાનની શરુઆત સુધી પડ્યો હતો. ૧૮૩૧ સુધી મેક્સિકોના વિશ્વવિદ્યાલયમાં ઈબ્ને રુશ્દના પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવતો હતો.

ઈ.સ. ૧૧૯૮માં ઇબ્ને રુશ્દનું મોકોક્કોમાં અવસાન થતાં પ્રથમ એમને મરાકકેશ (મોરોક્કો)માં દફનાવવામાં આવ્યા. પછીથી એમના પાર્થિવ શરીરને કોર્ડોવાના કૌટુમ્બિક કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યું.