લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ અલ જૈયાની

વિકિસ્રોતમાંથી
← અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ અબ્દુલ્લાહ અલ જૈયાની
સઈદ શેખ
અબૂ ઉસ્માન અમ્ર અલ જાહિઝ  →


અલ જૈયાની

અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ ઈબ્ને મુઆઝ અલ જૈયાનીનો જન્મ ઈ.સ. ૯૮૯માં કોર્ડોવા (સ્પેન)ના એક પ્રદેશ (Jaen) જાએનમાં થયો હતો. એમના શહેરના નામ ઉપરથી તેઓ અલ જૈયાની તરીકે ઓળખાતા હશે એવું અનુમાન કરી શકાય. લેટીન ભાષામાં તેઓ abenmoat, abunadk abumaad fu Ibn Muadh તરીકે ઓળખાય છે.

ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી અલ જૈયાની ના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. પોતાના પ્રબંધગ્રંથ 'મકાલા ફી શર્હ અલ નિસ્બા' (On Ratio) માં અલ જૈયાનીએ પોતાને કાઝી (નાયાધીશ) તથા 'ફકીહ' (ધર્મશાસ્ત્રી) તરીકે ઓળખાવ્યાં છે. તેઓ ઈ.સ. ૧૦૧ર થી ૧૦૧૭ સુધી કેરો (ઈજીપ્ત)માં રહ્યા હતા. તેમનું મૃત્યુ ૧૦૭૯ પછી ક્યારેક થયું હોવું જોઈએ કેમકે એમણે ૧ જુલાઈ ૧૦૭૯ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું એના વિશે પ્રબંધ ગ્રંથ લખેલ છે. આ ગ્રંથનો હિબ્રૂ ભાષામાં સેમ્યુઅલ બેન જેહુદાએ અનુવાદ કર્યો હતો. 'સવાર' (On the Dawn) વિશેના પ્રબંધ ગ્રંથનો લેટીન અનુવાદ ક્રેમોનાના જેરોર્ડે કર્યો હતો. બન્નેની અરબી ભાષાની આવૃત્તિ હાલમાં ઉપલબ્ધ નથી. 'સવાર' પ્રબંધ ગ્રંથમાં અલ જૈયાનીએ પરોઢ અને સંધ્યા વખતે સૂર્યનો નમનકોણ (Angle of depression) ૧૮ જેટલું નિશ્ચિત મૂલ્ય શોધી કાઢ્યું છે. આના આધારે તથા બીજી માહિતીના આધારે આછા અજવાળા માટે જવાબદાર હવામાન ભેજની ઊંચાઈની ગણતરી કરવાનો પ્રયાસ કર્યો. લેટીન મધ્યયુગ અને પુનઃજાગૃતિકાળમાં આ ઘટનાએ જબરો રસ જગાવ્યો હતો.

અલ જૈયાનીની બીજી મહત્વની રચના "કિતાબ મજૂલાત કિસ્સી અલ કુર્રા” (The book of unkonwn arcs of a sphere) ગોળાકાર ત્રિકોણમિતિમાં સૌ પ્રથમ ગ્રંથ ગણાય છે. આનો સ્પેનીશ ભાષામાં અનુવાદ થયો હતો.

Tabulae Jahen માં દિવસનો સમય, ખાસ કરીને કા'બાની દિશા અને નમાઝનો સમય જાણવાની રીતો, નવા ચંદ્ર જોવા અંગે તથા સૂર્યગ્રહણની આગાહીઓ, જન્માક્ષર વગેરેની સ્પષ્ટી માહિતી આપવામાં આવી છે. અને અંતમાં પહેલાના ખગોળીય સિદ્ધાંતોની ટીકા-ટીપ્પણી અલ જૈયાનીએ કરી છે. તેણે અલ ખ્વારિઝમી અને ટૉલેમીના કેટલાક સિદ્ધાંતોને વખોડી કાઢ્યાં છે તથા અબૂ મશરના ray emission (કિરણોત્સર્ગ)ના સિદ્ધાંતને પણ વખોડી કાઢ્યું છે. આનો લેટીન અનુવાદ ક્રેમોનાનાં જેરોર્ડે Liber tabularum Jahencum reglis suis નામે કર્યું છે. ‘On Ration’ માં અલ જૈયાની ભૂમિતિમાં પ (magnitudes) ની વ્યાખ્યા આપે છે. આંક, રેખા, સપાટી, ખૂણો અને ધન આંકને ભૂમિતિનું તત્વ માનવું એ બિનગ્રીક દૃષ્ટિકોણ છે એ અહીં એટલા માટે આવશ્યક છે કે અલ જૈયાનીએ પોતાની ગુણોત્તર (Ratio) ની વ્યાખ્યાને પાયો magnitude ઉપર મૂક્યો છે. અલ જૈયાની યુકલિડનો પ્રશંસક હતો. On Ratio એ યુકલિડના બચાવમાં રચાયેલી કૃતિ છે.

અલ જૈયાનીએ ખગોળશાસ્ત્રમાં 'મતરહ શુ'આત અલ ક્વાકિબ' (Projections of the rays of the stars) ની રચના કરી છે. અલ જૈયાનીએ આ ઉપરાંત પણ ઘણા પ્રબંધોની રચના કરી હતી. હાલમાં અરબીમાં રચેલ ગણિતની ૭ રચનાઓ જ ઉપલબ્ધ છે.