મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ હામીદ અલ ગરનાતી

વિકિસ્રોતમાંથી
← હબશ અલ હાસિબ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ હામીદ અલ ગરનાતી
સઈદ શેખ
અબૂ ઈશ્હાક અલ ફઝરી  →


અબુ હમીદ અલ ગરનાતી

અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ ઇબ્ને અબ્દુલ રહીમ અલગરનાતીનો જન્મ ઈસ. ૧૦૮૦માં સ્પેનના ગ્રેનેડા શહેરમાં થયો હતો. ભૂગોળશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કર્યું.

સ્પેનીશ-અરબ માતાપિતાના પુત્ર અબૂ હામીદ અલ ગરનાતી ઈસ ૧૧૧૭માં એલેકઝાન્ડ્રીયા (ઈજીપ્ત) આવ્યા અને અબૂબક્ર અલ તરતૂસી સાથે અભ્યાસ કર્યો. એમણે કેરો અને બગદાદની મુલાકાત લીધી. પર્શિયા (ઈરાન) થઈ કોકેસસ અને વોલ્ગા થઈ બલ્ગારનો પ્રવાસ કર્યો. એ પછી મક્કામાં હજ કરી અને જીવનના છેલ્લા વર્ષો બે મહત્વનાં ગ્રંથો 'મુરીબ' અને 'તુફા' લખવામાં ગાળ્યા આ બંને ગ્રંથોએ વિશ્વશાસ્ત્રીઓ (cosmographers)ને ખૂબ પ્રભાવિત કર્યા.

આ ઉપરાંત તેમણે ‘નુખ્બત અલ અઝાન ફી અજાઈબ અલ અજબ' (મહાન અજાયબીઓનાં સ્મરણો) તથા 'અજાયબ અલ મન્સુકાત (વિચિત્ર - અજાયબ સર્જનો) ગ્રંથોની રચના કરી.

‘મુરીબ અન બાદ અજાયબ અલ મગરિબ' (પૂર્વની અજાયબીઓ વિશેની સાહિત્યિક કૃતિઓ)ની સ્પેનીશ ભાષામાં અનુવાદ થયા. આમાં અબૂ હામીદ અલ ગરનાતીએ ઉન્દલૂસીયા (સ્પેન)નાં કેટલાંક સીમાચિહ્નો ઉપરાંત ખગોળીય, જ્યોતિષીય બાબતો અને ક્રમાનુસાર તવારીખ (ક્રોનોલોજી)નો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત યુરોપ, એશિયા, યુરેશિયાના પ્રવાસવર્ણનો અને કેટલાક રોમાંચક નિરિક્ષણો, ભૌતિક ભૂગોળ, માનવો વિશેના રસપ્રદ વર્ણન કર્યા છે. દા.ત. સ્કીના ઉપયોગનો સૌથી પહેલવહેલો ઉલ્લેખ આ ગ્રંથમાં મળે છે. આર્કટિકના યુરા લોકો સ્કીનો ઉપયોગ કરતા હતા એવું અલ ગરનાતીએ જણાવ્યું છે. આ ઉપરાંત છોડવાઓ અને પ્રાણીઓ વિશેના પણ ઉલ્લેખ અહીં જોવા મળે છે.

'તુહફાત અલ બાબ વનુખ્બત અલ અજાઈબ' (Gift from the Heart and Selection of Marvellous things) ચાર ભાગમાં છે. જેમાં માણસો અને આત્માઓના વિશ્વનું વર્ણન, સહારાના રણના લોકો તારાઓથી કેવી રીતે માર્ગદર્શન મેળવતા હતા એ, વિચિત્ર દેશો અને પર્વતોનું વર્ણન, દા.ત. ઈજીપ્તના પિરામીડ અને એલેકઝાન્ડ્રીયાની દીવાદાંડી, સમુદ્રો અને સમુદ્રી પ્રાણીઓનું વૈજ્ઞાનિક ઢબે વર્ણન, ગુફાઓ અને કબરોનો ઉલ્લેખ, જીવાશ્મિઓ, સાયબેરીયાના મેમોથના હાથીદાંતનો ઉપયોગ, આગ રક્ષિત એસ્બેસ્ટોસ કાપડ વગેરેનું વર્ણન આ ચારેય ભાગમાં કરવામાં આવ્યું છે.

અલ ગરનાતીએ ભૂગોળશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરી ઈસ ૧૧૬૯માં સીરીયાના દમાસ્કસમાં અંતિમ શ્વાસ લીધા.