મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને સીના

વિકિસ્રોતમાંથી
મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઇબ્ને સીના
સઈદ શેખ
સનદ બિન અલી →


ઈબ્ને સીના (ઇ.સ. ૯૮૦-૧૦૩૭)
શૈખ હુસૈન બિન અબ્દુલ્લાહ બૂ અલી સીનાનો જન્મ બુખારામાં ઈ.સ. ૯૮૦માં થયો હતો. એમના પિતા અબ્દુલ્લાહ સમાની અમીર નૂહ બીજા (ઇ.સ. ૯૭૬ થી ૯૯૭)ના સમયમાં પોતાના દેશ બલ્બથી બુખારા આવ્યા અને શાસકો સાથેના સારા સંબંધોને કારણે ઊંચા હોદ્દા ઉપર પહોંચ્યા હતા.

વિશ્વમાં જે કેટલાક જીનીયસ મહાપુરૂષો થઈ ગયા તેમાંના એક ઇબ્ને સીના ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની, ફીઝીયોલોજીસ્ટ, ઔષધશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, સંશોધક, ફિલસૂફ અને તબીબ હતા. વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, તબીબો અને ફિલસૂફોમાંથી એક હતા. ઈબ્ને સીનાને પૂર્વના લોકો “અલ શેખ અલ રઈશ' અર્થાત “જ્ઞાન અને ફિલસૂફીના વડા' ના પ્રતિષ્ઠિત ઇલકાબથી યાદ રાખ્યા છે. લેટીન ભાષામાં અને પશ્ચિમી જગતમાં “Avicenna' નામે ઓળખવામાં આવે છે.

ઇબ્ને સીનાએ બુખારામાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. દસ વર્ષની ઉમરમાં કુર્આનમજીદ મોઢે કર્યું. ઈબ્ન સીનાના પિતા અબ્દુલ્લાહ પોતે પણ જ્ઞાનપ્રિય હતા. તેથી તેમણે મહેમૂદ સૈયાહ નામના ગણિતશાસ્ત્રી પાસે ગણિત શીખવા માટે ઇબ્ને સીનાને મોકલ્યા હતા. આ દરમિયાન અબ્દુલ્લાહ નાતલી નામના વિદ્વાન પાસેથી ઇબ્ને સીનાએ તર્કશાસ્ત્ર, ફિલસૂફી, ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઇબ્ને સીનાએ પોતે જ તબીબી શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલું જ નહીં એમાં નવા નવા સંશોધનો પણ કરવા માંડયા. ઇબ્ને સીનાએ દવાખાનું ખોલ્યું હતું અને દુરદુરથી લોકો ઇલાજ માટે આવતા હતા, ત્યારે એમની વય માત્ર ૧૬ વર્ષની હતી. એક વર્ષ પછી જ્યારે બુખારાનો બાદશાહ નૂહ બિન મન્સૂર બીમાર પડી ગયો ત્યારે એની સેવામાં ઘણાબધા વૈદ્યોની કતાર લાગી હતી પરંતુ કોઈના ઈલાજથી બાદશાહ સાજો થતો ન હતો. એ વખતે કોઈએ ઈબ્ન સીનાને બાદશાહનો ઈલાજ કરવા દરબારમાંથી તેડું મોકલ્યું. ઇબ્ને સીનાએ બાદશાહનો સફળ ઇલાજ કર્યો જેના શીરપાવ રૂપે બાદશાહે શાહી પુસ્તકાલયના વહીવટકર્તા તરીકે ઇબ્ને સીનાની નિમણૂંક કરી હતી.

આ પુસ્તકાલયમાં ઘણા કિમતી પુસ્તકો હતાં. ઇબ્ને સીનાએ અહીં અધ્યયન કરી પોતાના જ્ઞાનમાં વધારે કર્યો હતો. જ્યારે ઇબ્ન સીના ૨૨ વર્ષનો થયો ત્યારે એમના પિતાનું અવસાન થતા ઇબ્ને સીનાના જીવનમાં પણ પલટો આવ્યો. આ દરમ્યાન જ બુખારાના બાદશાહનું અવસાન થતા રાજકીય અસ્થિરતાના પગલે ઇબ્ને સીનાએ બુખારા છોડી ઈ.સ. ૧૦૦૧માં ખ્વારિઝમ જવું પડયું. જ્યાં અલબિરૂની, અબૂ નશ્ર અલ ઇરાકી અને અબૂ સઈદ અબૂલખૈર જેવા વિદ્વાનોથી મળવાની તક મળી.

સુલતાન મહેમૂદ ગઝનવીને દેશો જીતવાની સાથે એના દરબારમાં વિદ્વાનો હાજર રહે એવા શોખ પણ હતો. એણે ઇબ્ને સીનાની ખ્યાતિની વાતો સાંભળી હતી. સુલતાને અલ બિરૂની અને ઇબ્ને સીનાને શાહ ખ્વારિઝમ દ્વારા કહેવડાવ્યું કે એના દરબારમાં હાજરી આપે. અલ બિરૂની તો સુલતાન મહેમૂદ ગઝનવીના દરબારમાં હાજર થયો પણ ઈબ્ને સીના ન ગયો અને ખ્વારિઝમ છોડી જરજાનનો માર્ગ પકડ્યો કારણ કે ત્યાંનો અમીર જ્ઞાનપ્રિય અને કાબેલ માણસ હતો. દુર્ભાગ્યવશ અમીર શમ્સુલ જમાલીને કેદ પકડ્યો. ઇબ્ને સીના માટે આ વિચિત્ર પરિસ્થિતિ હતી. હવે ક્યાં જવું? લગભગ ચૌદ વર્ષ ઇબ્ને સીનાએ મુશ્કેલીથી વીતાવ્યા અને ૧૦૧પમાં જરજાન છોડી ઇરાનના રે શહેરમાં સ્થળાંતર કર્યું. આ દરમ્યાન ઇબ્ને સીનાને અબૂ ઉબૈદ જરજાની જેવા શિષ્ય મળ્યો જેણે ઇબ્ને સીનાની ઘણી સેવા કરી. આ મુશ્કેલ સમયમાં ઇબ્ને સીના ક્યારે પ્રધાન, ક્યારેક ફિલસૂફ ક્યારેક રાજકીય સલાહકાર તરીકે ફરજ અદા કરતો રહ્યો તો ક્યારેક રાજકીય ગુનેગાર તરીકે બદનામી પણ વેઠવી પડી.

ઈ.સ. ૧૦૨૨ના પ્રારંભમાં અમીર અલાઉદ્દોલા અબુ જાફરની સંગતમાં રહેવાની તક મળી, જે પોતે પણ એક વિદ્વાન હતો. અમીર પોતે જ્યાં જાય ત્યાં ઇબ્ને સીનાને સાથે લઈ જતા. ઈબ્ને ફારસ સાથે યુદ્ધ થયું ત્યારે પણ ઇબ્ને સીના અમીર અલાઉદ્દોલાની સાથે જ હતો. આ દરમ્યાન ઇબ્ને સીના બીમાર પડયો અને બીમારી વધતી ગઈ. આ જ સ્થિતિમાં એ ઇસ્ફહાન અને પછી ત્યાંથી હમદાન પહોંચ્યો. અહીં આંતરડાના દર્દ (એપેન્ડીક્ષ)ની ઘાતક બીમારીથી ૨૧ જૂન ૧૦૩૭ના દિવસે આ મહાન વૈજ્ઞાનિક, તબીબ અને ફિલસૂફે દુનિયાને અલવિદા કહી. હમદાનમાં ઈબ્ને સીનાની કબર છે.

પ્રચૂર લખનારા ઈબ્ને સીનાએ ઘણીબધી રચનાઓ કરી. મોટાભાગે અરબી અને પછી ફારસીમાં લખ્યું. એમના ઘણા ગ્રંથોનો વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. ઈબ્ને સીનાનું સૌથી મહાન કાર્ય તબીબી શાસ્ત્રના વિશ્વકોષ સમાન 'અલ કાનૂન ફી તિબ' ગણાય છે. જેનો ઘણી ભાષાઓ અનુવાદ થઈ ચુક્યો છે અને યુરોપની ઘણી બધી યુનિવર્સિટીઓમાં આ ગ્રંથ લગભગ અઢારમી સદી સુધી ભણાવવામાં આવતું રહ્યું હતું. ઇબ્ને સીનાની મહત્ત્વની રચનાઓનો ઉલ્લેખ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

૧. કિતાબુલ મજમૂઆ - કાવ્ય અને છંદશાસ્ત્ર વિષે.

૨. કિતાબુલ હાસિલ - ધર્મશાસ્ત્ર અને સૂફીવાદ વિષે વિવરણ ૨૦ ભાગમાં

૩. કિતાબુલ બરવલાતમ - શિષ્ટાચાર બાબતે શ્રેષ્ઠ ગ્રંથ બે ભાગમાં

૪. કિતાબુશશીફા - ફિલસૂફી, કિમીયાગીરી વિશે અઢાર ભાગમાં.

૫. કિતાબ અલ કાનૂન ફી તિબ - તબીબીશાસ્ત્ર અને શરીરના વિવરણ વિશે ચૌદ ભાગમાં.

૬. કિતાબ અલ અદહાર અલ કલીયહ – ફિલસૂફીના જ્ઞાન વિશે

૭. કિતાબુલ ઈન્સાફ - ૨૦ ભાગમાં

૮. કિતાબુનનજાત - ધર્મશાસ્ત્ર વિશે ૩ ભાગમાં

૯. કિતાબુલ હિદાયા - ઇસ્લામ વિશે

૧૦. કિતાબુલ ઇશારાત વ તમ્બીહાત

૧૧. કિતાબુલ મુખ્તસર અલ અવસત

૧૨. કિતાબ દાનિશ માં બઈલાઈ

૧૩. કિતાબુલ કુલન્જ - આંતરડાના દર્દ (એપેન્ડીક્ષ)નું સંશોધન અને ઇલાજ

૧૪. કિતાબ લિસાનુલ અરબ - અરબી ભાષા વિશે ૨૦ ભાગમાં

૧૫. કિતાબુલ અદવીયહ અલ કલ્બીયહ – હૃદયના રોગો વિશે

૧૬. કિતાબ અલ મોજઝઅલ કબીર - તર્કશાસ્ત્ર વિશે

૧૭. કિતાબ નકશ અલ હિકમત અલ મશરીકિયહ

૧૮. કિતાબ બયાન અકૂસ ઝવાત અલ જે હતહ

૧૯. કિતાબુલ મ્આદ

૨૦. કિતાબુલ મબ્દા વલ મ્આદ ૨૧. કિતાબુલ મુબાહિસાત

૨૨. કિતાબ અલલકાનૂન - પાંચ ભાગમાં

૨૩. મકાલા ફી આલહ રશદીયહ

૨૪. રિસાલા અલ મન્તિક બાશઅર

૨૫. રિસાલા ફી મખારિજલ હુરૂફ

૨૬. મકાલા ફી અજરામ અલ સમાવિયહ

૨૭. મકાલા ફી અકસામ અલ હિકમહ વલ ઉલૂમ

૨૮. રિસાલા તઆલીક મસાઈલ જિનીન ફી તિબ્બ

૨૯. ક્વાનીન વ મુઆલિજાત તિબ્બત

૩૦. રિસાલા ફીલ કવી અલ ઇન્સાનિયહ

ઇબ્ને સીનાની એક વિશિષ્ટતા આ પણ હતી કે તે દર્દીઓનો ઇલાજ માત્ર દવાઓથી નહોતો કરતો પરંતુ માનસિક રીતે પણ કરતો હતો. આ રીતે તેને વિશ્વનો પ્રથમ મનોચિકિત્સક ગણી શકાય.

ઇબ્ને સીનાએ ચામડીના રોગો વિશે પણ ઘણી બધી બાબતો બતાવી. 'ખવાસ અલ અદવીયાહ'માં એણે ઔષધો વિશે સંશોધન કર્યા અને એની ફોર્મ્યુલાઓ રચી. યુરોપમાં આ ગ્રંથ Comon Medicena ના નામે પ્રસિદ્ધ છે. મુદ્રણકળાની શોધના ત્રીસ વર્ષ પછી આનું પ્રકાશન ચાર ભાગમાં રોમમાં ઇ.સ. ૧૪૭૬માં થયું. બીજી આવૃત્તિ ૧૫૯૩માં પ્રસિદ્ધ થઈ. આ ઉપરાંત તહેરાન અને લખનઉમાંથી પણ આની આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી.

ઇબ્ને સીનાના મહાગ્રંથ 'કાનૂન ફી તિબ્બ'નો સૌ પ્રથમ લેટીન અનુવાદ ક્રેમોનોના ગેરાર્ડ કર્યું હતું. પ્રથમ આવૃત્તિ વેનીસમાં ૧૫૪૪માં પ્રસિદ્ધ થઈ હતી. આ ઉપરાંત આ ગ્રંથના બીજી ભાષાઓમાં પણ અનુવાદ થયા હતા. આ ગ્રંથના ભાગો કે વિવચનો ઘણા વિદ્વાનોએ લખ્યા હતા. જેમાં ઇબ્નુલ નફીસ, કુત્બુદ્દીન મહમૂદ, સઅદુલ્લાહ, અલ મોફક અલ સામરી, ઇબ્ને આસિફ, ઇબ્નુલ અરબ મિસરી, રફીઉદ્દીન જબલ, ફખ્રુદ્દીન રાઝી, ઈબ્ને ખતીબ, શરફુદ્દીન અલ રજમી જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે. ગણિતશાસ્ત્રમાં ઈબ્ને સીનાએ યુકલિડના ગ્રંથનો અનુવાદ કર્યો હતો.

ખગોળશાસ્ત્રમાં પણ ઈબ્ને સીનાને રૂચિ હતી. તેણે ખગોળીય અવલોકનો લેવા ઉપરાંત હમદાનમાં વેધશાળની સ્થાપના પણ કરાવી હતી.

આ મહાન વિદ્વાનનું અવસાન ઈ.સ. ૧૦૩૮માં હમદાનમાં થયું હતું.