મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને અલ અવ્વામ

વિકિસ્રોતમાંથી
←  ઈબ્ને બતૂતા મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઈબ્ને અલ અવ્વામ
સઈદ શેખ
અબૂ અલી હસન ઈબ્ને હિશામ  →


ઇબ્ને અલી અવ્વામ અલ ઈશબીલી અબૂ ઝકરીયા યાહયા ઇબ્ને
મુહમ્મદ (સ્પેન, મૃ. ઈ.સ. ૧૧૮૫ (હિ.સ. ૫૮૦) કૃષિશાસ્ત્રી

કુષિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ઈબ્ને અવ્વામ સેવિલ, સ્પેનના રહેવાસી હતા. એમના જીવન વિશે વધુ માહિતી મળતી નથી પરંતુ એમના સૌથી પ્રસિદ્ધ ગ્રંથ ‘કિતાબ અલ ફિલાહ' કે જે કૃષિશાસ્ત્રના વિશ્વકોષ સમાન છે આજે પણ અનુવાદરૂપ ઉપલબ્ધ છે, જેની નોંધ વિશ્વપ્રસિદ્ધ ઈતિહાસકાર ઇબ્ને ખલ્દૂને પોતાના ગ્રંથ ‘મુકદ્દમા'માં અને જયોર્જ સાર્ટને 'ઈન્ટ્રોડક્શન ટુધ હિસ્ટ્રી ઓફ સાયન્સ' ભાગ-૨માં પણ આનો ઉલ્લેખ કર્યો છે. આ વિષયમાં કોઈ મુસ્લિમ દ્વારા લખાયેલું અને મધ્યયુગનું સૌથી મહત્વનું ગ્રંથ છે. આ પ્રબંધ ગ્રંથ મુખ્ય બે ભાગોમાં વહેંચાયેલું છે જેના પ્રથમ ભાગમાં માટી, ખાતર, પાણી, બગીચાઓ, વૃક્ષો, ફળો અને તેની સુરક્ષા તથા બીજા ભાગમાં હળ ચલાવવું, બિયારણની પસંદગી ઋતુઓ અને એના કાર્યો, અનાજની ખેતી, કઠોળના છોડવા, સુગંધીદાર છોડવા, લણણી, કૃષિ એન્જિનીયરીંગ, પશુ સંવર્ધન, મરઘા બતકનો ઉછેર તથા પશુઓના રોગો વગેરેની ચર્ચા કરવામાં આવી છે.

અલ અવ્વામે આ ઉપરાંત વૃક્ષોના રોગો અને એમના ઉપચાર વિશે પણ ચર્ચા કરી છે. મહત્વની વાત આ છે કે અલ અવ્વામે પોતે કરેલા પ્રયોગો અને નિરિક્ષણો પછી જ આ પ્રબંધમાં પોતાનું જ્ઞાન ઠાલવ્યું છે.

ઈબ્ને અવ્વામનું આ કાર્ય સ્પેનીશ અને ફ્રેન્ચ ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યું અને ૧૮મી અને ૧૯મી સદીના વચ્ચેના ગાળામાં પ્રકાશિત કરવામાં આવ્યું. આ પ્રબંધ ગ્રંથને લીધે સ્પેન અને અલ્જીરીયામાં કૃષિ વિકાસ ક્ષેત્રે ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. બન્ને અવ્વામના આ ગ્રંથમાં ૩૪ પ્રકરણમાં પ૮૫ છોડવાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં પ૦ થી વધુ ફળોના છોડનો સમાવેશ થાય છે. છોડવાઓ ઉપરાંત કેટલાંક પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રીઓનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેવા કે અબૂ હનીફા દીનવરી અબૂ ઉમર ઈબ્ને હજ્જાઝ, ઈબ્ને બસ્સાલ, અબુલ ખૈર અશ શજ્જાર અને અબ્દુલ્લાહ અલ તિજનરી ઉલ્લેખનીય છે.

‘કિતાબ અલ ફિલાહ' માં ખેડૂતોને શિક્ષણ આપીને કેવી રીતે વધારે પાક લઈ શકાય અને જમીનની સુધારણા કરી એનું મૂલ્ય કેવી રીતે વધારી શકાય એના ઉપાય પણ સૂચવવામાં આવ્યા છે. એમણે પાક ફેરબદલીની ચર્ચા કરી છે. એમણે સૌ પ્રથમ સૂચવ્યું કે ઘઉં પછી જવની ખેતી કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. એમણે ખરાબાની જમીન (waste land) ઉપર પણ કપાસ ઉગાડી શકાય છે એવું જણાવ્યું હતું.