લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી

વિકિસ્રોતમાંથી
← અલ કુહી, અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી
સઈદ શેખ
ઈબ્ને વાફિદ, અબુલ મુતાઆરરીફ અ. રહેમાન  →


ઇબ્ને યુનુસ (મૃ. ઇ.સ. ૧૦૦૯)

અબુલ હસન ઈબ્ને અબ્દુલ રહેમાન ઈબ્ને એહમદ ઈબ્ને યુનુસ મધ્યયુગના મહાન મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓમાંથી એક ગણાય છે. વિલ ડુરાં અને જ્યોર્જ સાર્ટને તો ઇબ્ને યુનુસને સૌથી 'મહાન મુસ્લિમ ખગોળશાસ્ત્રી' તરીકે વર્ણવ્યું છે. ઈબ્ને યુનુસનો જન્મ ઈજીપ્તના કૈરો શહેરમાં થયો હતો. પરંતુ ચોક્કસ વર્ષ અને બાળપણ વિશે વધુ માહિતી મળતી નથી. એના પિતા મહાન ઇતિહાસકાર અને દાદા નિપુણ ખગોળશાસ્ત્રી હતા. ઈબ્ને યુનુસે ફાતિમી ખલીફાઓ દ્વારા કૈરોની સ્થાપના થઈ એ જોયું હતું એનો અર્થ એ કે એનો જન્મ ઈ.સ. ૯૬૯ની પહેલા થયું હતું. એટલું જ નહીં ખલીફા અલ અઝીઝ (૯૭૫-૯૯૬)ના સમયમાં ઈબ્ને યુનુસે ખગોળીય અવલોકનો લેવાના શરૂ કર્યા હતા જે ખલીફા અલ હાકિમના સમય સુધી અર્થાત ૧૦0૭ સુધી આ કાર્ય ચાલુ રહ્યું હતું.

ઇબ્ને યુનુસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય જિઝ (ખગોળીય કોષ્ટકો) ગણાય છે જે ખલીફા હાકિમને અર્પણ કરવામાં આવ્યા હતા. ઇબ્ને યુનુસે જે ખગોળીય અવલોકનો નોંધ્યા એમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વિષુવકાળ (Equinox) પરવલયની ત્રાંસ અને ચંદ્રના મહત્તમ અક્ષાંસનો પણ સમાવેશ થતો હતો. ગોલીય ત્રિકોણમિતિમાં ઈબ્ને યુનુસે ભલે ઘણા બધા સૂત્રો ન આપ્યા પરંતુ લંબકોણીય પ્રક્ષેપ (Orthogonal projections) દ્વારા સૂત્રો મેળવ્યા હતા. ઈબ્ને યુનુસ જયોતિષી પણ હતો અને આગાહીઓ કરવામાં ખાસ્સો સમય ફાળવતો હતો.

ઈબ્ને યુનુસનું બીજું મહાન કાર્ય એણે કેરોમાં બનાવેલી સમય સારણી ગણાય છે. જેનો ઉપયોગ મુસ્લિમો નમાઝના સમય જાણવા માટે કરે છે. આ સારણીઓના ઉપયોગ છેક ૧૯મી સદી સુધી કરવામાં આવતો રહ્યો હતો. ઈબ્ને યુનુસે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી હતી. આ સંબંધી એના પ્રબંધ ગ્રંથોએ આ વિષયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.ગોલીય ત્રિકોણની ગણતરીનો સિદ્ધાંત શોધનાર તે પ્રથમ ગણિતશાસ્ત્રી હતો. આના લીધે જ્યારે Logarithm (લોગરીધમ)ની શોધ નહોતી થઈ ત્યાં સુધી આ નિયમ મુજબ ખગોળશાસ્ત્રીઓ ગણતરી કરતા હતા. આ નિયમને લીધે જ ગુણાકારને ત્રિકોણમિતિય ગણતરીઓને સરવાળામાં ફેરવી શકાતી હતી. આને લીધે લાંબા અને અટપટા સુત્રોને સરળતાથી ઉકેલી શકાતા હતા. આ ઉપરાંત ઈબ્ને યુનુસે ખગોળશાસ્ત્રના પણ ઘણા અટપટા સૂત્રોનો ઉકેલ મેળવ્યો હતો. ઈબ્ને યુનુસના જીવનવૃત્તાંત લેખકોના મત મુજબ એ નફિકરો સ્વતંત્ર અને કપડાની જરાય પરવા ન કરવાવાળો માણસ હતો અને ઈ.સ. ૧૦૦૯માં પોતે જ કરેલી પોતાની મૃત્યુની આગાહી મુજબ એક ખંડમાં કુર્આનની તિલાવત કરતો હતો ત્યારે એનું અવસાન થયું.